પ્રશાંત કનોજિયાથી મજરુહ સુલતાનપુરી સુધી, જેલ તો નક્કી છે - Sandesh
  • Home
  • India
  • પ્રશાંત કનોજિયાથી મજરુહ સુલતાનપુરી સુધી, જેલ તો નક્કી છે

પ્રશાંત કનોજિયાથી મજરુહ સુલતાનપુરી સુધી, જેલ તો નક્કી છે

 | 8:30 am IST

સ્નેપ શોટ

સત્તાને કયારેય તેમની ઉપર આંગળી ઊઠાવનારાઓ સાથે બન્યું નથી.  સત્તા એ એક એવો મિજાજ છે કે તેને વિરોધ પસંદ નથી. જેની પાસે પાવર હોય છે તે પોતાને ના ગમતી વાત દબાવી દેવા હંમેશા તત્પર હોય છે. સરકારોને એટલે જ પત્રકારો સાથે ફાવ્યું નથી. દેશનાં ઇતિહાસ પર એક નજર નાખીએ તો ખબર પડશે કે જ્યારે જ્યારે સત્તાનાં સિંહાસનો ડોલ્યાં છે ત્યારે ત્યારે પત્રકારોની અહમ ભૂમિકા રહી છે. પત્રકાર હોય કે સાહિત્યકાર, કવિ હોય કે વિવેચક કલમને પૂજતાં આ લોકોનાં શબ્દોમાં એવી તાકાત હોય છે કે જે દારૂગોળા કરતા પણ ઘણીવાર ખતરનાક બની જતી હોય છે અને એટલે જ કહેવાયું છે કે, શબ્દોનો ઉપયોગ બહુ સંભાળીને કરવો જોઇએ. આજના ઇન્ટરનેટનાં યુગમાં તો શબ્દો એટલાં વાઇરલ બની જતા હોય છે કે એકવાર છૂટયા પછી પકડવા મુશ્કેલ થઇ જાય છે.

ઉત્તરપ્રદેશની પોલીસે દિલ્હીનાં એક પત્રકારની શનિવારે ધરપકડ કરી. દિલ્હી રહેતાં પત્રકાર પ્રશાંત કનોજિયાની વિરુદ્ધ લખનૌ પોલીસનાં  સબ-ઇન્સપેકટરે એફઆઇઆર દાખલ કરી તેમની ઉપર આઇપીસીની કલમ ૫૦૦ (માનહાનિ) અને  કલમ ૬૬ લગાવવામાં આવી. પત્રકારનો ગુનો એટલો હતો કે ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂ આપતી એક યુવતીનો વીડિયો તેણે ટ્વિટ કર્યો હતો. આ વીડિયોમાં યુવતી કહેતી હતી, મારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે લગ્ન કરવાં છે. વીડિયોમાં દેખાતી મહિલાએ એવો દાવો કર્યો છે કે તે આદિત્યનાથ સાથે છેલ્લાં એક વર્ષથી વીડિયો ચેટિંગ કરે છે. અને મેં આદિત્યનાથને લગ્નનો પ્રસ્તાવ પણ મોકલ્યો છે.  હું હવે આદિત્યનાથને મળીને મારો પ્રેમપત્ર આપવા માગુ છું.  પત્રકાર પ્રશાંત કનોજિયાએ આ વીડિયો શેર કરતી વખતે પોતાના તરફથી એક કોમેન્ટ પણ લખી, ”ઇશ્ક છુપતા નહીં છુપાને સે યોગીજી.”

બસ આ ઘટના પછી યુપીની લખનૌ પોલીસ હરકતમાં આવી. પોલીસે ૭મી જૂને પત્રકાર પ્રશાંત કનોજિયા ઉપર એફઆઇઆર દાખલ કરી. પોલીસનો દાવો છે કે પ્રશાંતે આ પ્રકારની ટ્વિટ કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિભા ખંડીત કરવાની કોશિષ કરી છે. લખનૌ પોલીસે દિલ્હી જઇને પત્રકારની ધરપકડ કરી તેને લખનૌ લઇ આવી છે.

હવે ધમાલ અહિંયાથી શરૂ થાય છે. પત્રકારની પત્ની જિગીશાએ સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ એટલે કે કેદીનાં પ્રત્યક્ષીકરણની અરજી કરી. સુપ્રીમ કોર્ટે આ મામલાની સોમવારે સુનાવણી કરી.  કોર્ટે યુપી સરકારની પોલીસનાં કાન પકડતો ચુકાદો આપ્યો અને કહ્યું કે, પત્રકાર પ્રશાંત કનોજિયાને પર છોડી દેવામાં આવે. જસ્ટિસ ઇન્દિરા બેનરજી અને જસ્ટિસ રસ્તોગીની બેન્ચે કહ્યું કે, પોલીસ પ્રશાંત ઉપર કેસ ચલાવી શકે છે પરંતુ તેની ધરપકડ ના કરી શકે. કોર્ટમાં પત્રકારનાં વકીલે રજૂઆત કરી કે પ્રશાંતની ધરપકડ ગેરકાયદે કરવામાં આવી છે. યુપી પોલીસે આ અંગે ધરપકડ કરનારને એફઆઇઆર બાબતે કોઇ જાણકારી આપી નથી તથા દિલ્હીમાંથી  પ્રશાંતની  ધરપકડ કરીને લખનૌ લઇ જવાય ત્યારે ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોઇ મેજિસ્ટ્રેટ પાસે  રજૂ પણ નથી કરાયા.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે પત્રકારે કરેલી ટ્વિટ સાચી છે કે ખોટી તેના પર અમે કોઇ કોમેન્ટ નથી કરતાં. પરંતુ ધરપકડ શેના માટે કરાઇ અને આનો નિર્ણય કરનાર કોણ છે તે જાણવું જરૂરી છે. એક નાગરિકના અધિકારો પર તરાપ મારી ના શકાય.

યુપી પોલીસે આજ કિસ્સામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિરુદ્ધ એક ચર્ચાનું ટીવી ચેનલ પર આયોજન કરવા બદલ નોઇડાની ટીવી ચેનલના માલિક ઇશીકા સિંઘ અને એડિટર અનુજ શુક્લાની પણ ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે ન્યૂઝ ચેનલમાં તથ્ય વગરનાં સમાચારો પ્રસારિત કરી ચેનલે  સામાજિક લાગણી દુભાવી છે.  આ કારણે બળવો થવાની પણ સંભાવના હતી. જેના કારણે અમે ટીવી ચેનલના અધિકારીઓની ધરપકડ કરી છે.

યુપી પોલીસની આ કાર્યવાહીની વિપક્ષોએ ટીકા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તો યોગી આદિત્યનાથનાં આ કાર્યને મૂર્ખતાપૂર્ણ બતાવ્યું છે અને ધરપકડ કરાયેલ પત્રકારોને છોડી મૂકવાની માગણી કરી છે. પત્રકારોની સંસ્થા એડિટર ગિલ્ડ્સ પણ પત્રકારોની ધરપકડનો વિરોધ કર્યો છે. જ્યારે માયાવતીએ કહ્યું છે કે પત્રકારોનાં વિરોધની ભાજપ સરકાર પર કોઇ અસર થવાની નથી.

આખી ઘટનામાં સવાલો ઘણા બધા ઊભા થાય છે અને તેનાં જવાબો પણ દરેકની રીતે જુદા જુદા હોય છે. એક મહિલા કે જેનું દિમાગી સંતુલન ઠીક નથી તેવું કહેવાય છે તે મહિલાની વાત ડાયરેક્ટ ટીવી પર રજૂ કરવી તે કેટલું યોગ્ય ગણાય ? કોઇના પણ ચારિત્ર્ય પર આક્ષેપ કરનારી વાત પોતાની કોમેન્ટ સાથે સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવી એ યોગ્ય ગણાય કે નહીં ? આખી વાતમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાત બહુ અર્થપૂર્ણ કહી. તેમણે કહ્યું કે જો કોઇના માટે વ્યક્તિગત રીતે ટીકા કરવા બદલ જો ધરપકડ કરાતી હોય તો મારા માટે  ટ્વિટ કરનાર દેશનાં અડધા પત્રકારો અત્યારે જેલમાં હોત.

હકીકત એ છે કે સત્તા પર બેઠેલા લોકો પોતાનો વિરોધ સહન કરી શકતા નથી. તે પછી યોગી આદિત્યનાથ હોય કે દેશનાં પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હોય. હિન્દી સિનેમાનાં મહાન ગીતકાર મજરુહ સુલતાનપુરીને કોણ નથી જાણતું ? જબ દિલ હી તૂટ ગયાં, હમ જીકે ક્યા કરેંગે ?, શાહજહાનના ગીતથી મશહૂર થયેલાં ગીતકાર મજરુહ સુલતાનપુરી તેમની ૫૦ વર્ષની ફિલ્મી કરિયરમાં સેંકડો ગીત લખ્યાં જે અત્યારે આપણા જીંદગીમાં વણાયેલા છે.  તુમસા નહીં દેખા, હમ કિસીસે કમ નહીં, જો જીતા વહી સિકંદર, કયામત સે કયામત તક જેવા સંખ્યાબંધ હિટ ફિલ્મોના ગીતો તેમણે લખ્યાં છે. દોસ્તી ફિલ્મનું આ ગીત, ”ચાહુંગા મેં તુઝે સાંજ સવેરે” માટે તેમને ૧૯૬૫માં ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. જો આઝાદી પછી  મજદૂરોની લડાઇમાં ડાબેરી ઝૂકાવવાળા મજરુહ સુલતાનપુરીએ મુંબઇમાં મજદૂરોની એક હડતાલ વખતે વડાપ્રધાન નહેરુ વિરુદ્ધ એક કવિતા લખી હતી. જેમાં લખ્યું હતું,

મન મેં ઝહર ડોલર કે બસાકે,

ફીરતી હૈ ભારત કી અહિંસા.

ખાદી કી કેચુલ કો પહનકર,

યહ કેચુલ લહરાને ન પાયે,

યે ભી હૈ હીટલર કા ચેલા,

માર લો સાથી જાને ન પાયે,

કોમનવેલ્થ કા દાસ હૈ નેહરુ,

માર લો સાથી જાને ન પાયેં…

મજરુહ સુલતાનપુરીને મુંબઇનાં તાત્કાલિક ગર્વનર મોરારજી દેસાઇએ આ કવિતા બદલ જેલમાં પૂરી દીધાં હતાં. તેમને કવિતા બદલ માફી માગવાનું કહ્યું પરંતુ મજરુહે માફી ન માગી અને બે વર્ષ આર્થર રોડની જેલમાં રહ્યાં. પત્રકાર પ્રશાંત કનોજિયા થી લઇને ગીતકાર મજરુહ સુલતાનપુરી સુધી વાત એજ છે કે જો તમે સત્તાની વિરુદ્ધ અવાજ ઊઠાવ્યો તો જેલ નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન