પ્રાર્થના : તમારું માનસિક ક્વચ  - Sandesh

પ્રાર્થના : તમારું માનસિક ક્વચ 

 | 12:58 am IST

જીવન ધ્યાન : ઓશો

ઓશો, થોડા દિવસો પહેલાં જ્યારે આપ આપની નિકટ આવવાનો ઉલ્લેખ કરતા હતા ત્યારે, મારી આસપાસ એક પાતળું કવચ છે કે જે મને આપની નિક્ટ આવતા રોકે છે તેનો મને ખ્યાલ આવતો હતો. આ કવચ આપની પ્રત્યેના મારા ખુલ્લાપણા સાથે બંધબેસતું નથી. મને એ સમજતું નથી કે આ કવચ કયાંથી આવે છે. કૃપા કરી તેને ઓગાળી નાખવામાં મને મદદ કરો.

માત્ર તમને નહીં પણ બધાંને ફરતું આવું કવચ વીંટાળાયેલું હોય છે. તેના કારણો પણ છે. પહેલું કારણ એ છે કે, બાળક, જે દુનિયાને તે જરાપણ જાણતો નથી તેમાં એકદમ અસહાય દશામાં તે જન્મે છે. સ્વાભાવિક જ, તેની સામે આવીને ઊભેલી અકળ સૃષ્ટિનો તેને ડર લાગી જાય છે. જે નવ મહિના તેણે પૂરેપૂરા રક્ષણ અને સલામતીમાં ગુજાર્યા છે જ્યાં કોઈ પણ જાતની સમસ્યા નહોતી કે કોઈ પણ જવાબદારી કે આવતીકાલની ચિંતા નહોતી. તે બાળકનાં મનમાં હજુ એ વાતાવરણ અને સુરક્ષા યથાવત સચવાયેલી છે.

બાળક નવ મહિના ગર્ભમાં રહેલ છે તે સમયગાળો આપણા માટે છે. પણ બાળક માટે તો તે સમય અનંત છે. બાળકને કેલેન્ડરની કે મિનિટો, કલાકો, દિવસો કે મહિનાઓની કોઈ ખબર નથી. તેને માટે તો અનંતકાળથી પૂરેપૂરા રક્ષણ અને સલામતી સાથે, કોઈપણ જાતની જવાબદારી વગર તેના શ્વાસ ધબક્તા હતા. તેવામાં અચાનક તે એક અકળ દુનિયામાં ધકેલાઈ ગયો-એવી દુનિયા કે જ્યાં તેણે બધી બાબતમાં બીજા ઉપર નિર્ભર રહેવાનું છે. આવું થાય એટલે તેને ડર લાગી જાય તે સ્વાભાવિક છે. તે જુએ છે કે તેની આજુબાજુ બધા તેનાથી મોટાં અને વધારે તાકતવાળાં છે અને તેથી જીવવા માટે બીજાની મદદ લેવાનું તેને માટે અનિવાર્ય છે. તેને ખબર પડી ગઈ છે કે હવે આત્મ-નિર્ભરતા છિનવાઈ ગઈ છે. આ તબક્કે જે નાના નાના અનુભવો તેને થાય છે તેનાથી ભવિષ્યમાં તેને જે સંઘર્ષો કરવાના છે તેનો તેને ખ્યાલ આવે છે

ઈતિહાસમાં આવે છે કે નેપોલિયન બોનાપાર્ટ, નેલ્સનથી હારી ગયો હતો પણ એનો જશ ખરેખર નેલ્સનને મળવો ન જોઈએ. નેપોલિયનના બાળપણમાં એક નાનો બનાવ બની ગયો હતો જેને કારણે તેની હાર થઈ હતી. આવી વાતને ઈતિહાસ ઘણીવાર આ રીતે ઉજાગરા કરતો નથી પણ મને તો કારણ સ્પષ્ટ દેખાય છે. નેપોલિયન જ્યારે માત્ર છ મહિનાનો હતો ત્યારે એક જંગલી બિલાડી તેના ઉપર કૂદી હતી. તેની સંભાળ રાખતી આયા કંઈક કામ માટે ઘરમાં ગઈ હતી અને બાળક નેપોલિયન સવારની તાજી હવા લેતો બગીચામાં પડયો હતો ત્યારે એક જંગલી બિલાડી તેના પર કૂદી પડી હતી. બિલાડી તો રમત કરતી હતી. તેણે બાળકને કોઈ ઈજા પણ કરી નહોતી પણ બાળકના મગજમાં તો મોત જેટલો ધ્રાસકો પડી ગયો. ત્યારથી તે વાઘ કે સિંહથી ડરતું નહોતું, કોઈ હથિયાર વિના સિંહ સામે લડવામાં તેને ડર નહોતો પણ એક બિલાડી? તેની તો વાત જ જુદી હતી. એની સામે તે એકદમ નિઃસહાય બની જતું. બિલાડીને જોઈને તે એક છ મહિનાનું બાળક, બિલકુલ અસુરક્ષિત અને લડવાની તાકાત વગરનું બની જતું. તે નાના બાળકની આંખોમાં બિલાડી એક વિરાટકાય પ્રાણી લાગી હશે- બિલાડી જંગલી હતી. બિલાડીએ બાળકની આંખોમાં આંખો પરોવી હશે.

આ બનાવથી નેપોલિયનના માનસપટ ઉપર એક એવું ચિત્ર અંકાઈ ગયું હશે કે જેનો નેલ્સને ફાયદો ઉઠાવ્યો. નેપોલિયન સામે નેલ્સનની કોઈ વિસાત નહોતી. નેપોલિયને તેની જિંદગીમાં કદી હાર જોઈ નહોતી. આ તેની પહેલી અને છેલ્લી હાર હતી. સામાન્ય રીતે તે હારત પણ નહિ પણ નેલ્સન સાથે ૭૦ બિલાડીઓ લાવ્યો હતો અને તેણે તેને મોખરાની હરોળમાં ઉતારી દીધી હતી. નેપોલિયને જેવી તે ૭૦ જેટલી બિલાડીઓને જોઈ કે તરત તેના મગજના દરવાજા બંધ થઈ ગયા. શું થઈ રહ્યું છે તેની તેના સેનાપતિઓને ગમ પડતી નહોતી. તે મહાન યોદ્ધો રહ્યો નહોતો. તે લગભગથીજી જઈને ભયથી કાંપવા માંડયો હતો. સામાન્ય રીતે પોતાના સૈન્યની વ્યૂહરચના તે પોતાના સેનાપતિઓને કરવા દેતો નહી- પોતે જ કરતો, પણ આંખમાં આંસુ સાથે આજે તે બોલ્યો, વિચાર કરવાની મારી ક્ષમતા મેં ખોઈ નાખી છે. સૈન્યની વ્યૂહરચના તમે કરો. હું અહીં જ હાજર રહેવાનો છું પણ લડવા માટે હું સક્ષમ નથી. મારામાં કંઈક ગડબડ થઈ ગઈ હોય તેવું લાગે છે.

[email protected]