Woshipping is good medicine for health, should do every day
  • Home
  • Astrology
  • પ્રાર્થના તન તથા મનને સ્વસ્થ રાખી કરાવે છે અલગ અનુભૂતિ

પ્રાર્થના તન તથા મનને સ્વસ્થ રાખી કરાવે છે અલગ અનુભૂતિ

 | 2:49 pm IST

જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે શરીરની મર્યાદાને ઓળંગીને બ્રહ્માંડનો હિસ્સો બની જાઓ છો જ્યાં ધન-દૌલત, ઉંમર, નાત-જાતના કોઈ ભેદભાવ હોતા નથી. તેમાંયે જ્યારે મનમાં કોઈ વિચાર ન હોય, અને ઈશ્વર તત્ત્વની ઝાંખી કરતા કરતાં પ્રાર્થના કરતાં હોય તે એક ધ્યાનથી ઓછું નથી. તે તમારા શરીરમાં વિષેષ પ્રકારની ક્રિયાઓ કરે છે. જેને પરિણામે તમે અદભૂત શાંતિની અનુભૂતિ કરો છો.

પ્રાર્થનાના મહત્વ વિશે જૈનુલાબ્દીન મરાકાયરે તેમના નાનકડા દીકરાને આ વાત કહી હતી જૈનુલાબ્દીનનો આ દીકરો એટલે વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક અને ભારતના ખૂબ જ આદરણીય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ. તેમના પિતા મસ્જિદમાં ઇબાદત કરીને બહાર નીકળતા ત્યારે તેમના માટે બહાર રાહ જોઈ રહેલા લોકોના હાથમાંના પાણીના વાસણમાં તેઓ આંગળી બોળતા. આ પાણી પીવાથી લોકોના રોગ સાજા થઈ જતા એવું અબ્દુલ કલામે પોતાની આત્મકથામાં નોંધ્યું છે.

શક્ય છે કે કોઈ આવા ચમત્કારમાં વિશ્વાસ ન કરે પણ ગયા વખતે આપણે જેમની વાત કરી હતી તે હાર્વડ મેડિકલ સ્કૂલના ડો. હર્બટ બેન્સને તો પ્રાર્થનાથી આપણા પોતાના શરીર પર થતા ચમત્કારોની વાત પાંત્રીસ વર્ષના સંશોધન પછી કરી છે. ડો. બેન્સન કહે છે કે પ્રાર્થનામાં એક જ શબ્દ રિપીટ કરવામાં આવે છે જેની બહુ જ સકારાત્મક અસર પડે છે. પ્રાર્થના કરનારાઓના બ્રેઇન સ્કેનમાં રીતસર એની અસર જોવા મળી હતી. પ્રાર્થના કરનારાઓના હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શ્વાસોચ્છવાસની ગતિ, મગજના તરંગોની ગતિમાં સંતુલન જોવા મળ્યું હતું. તેમ જ ભાવનાઓ પર કાબૂ, શાંતિ વગેરે જોવા મળ્યા હતા.

ડો. બેન્સન એવા તારણ પર પહોંચ્યા હતા કે પ્રાર્થના કરનારાઓના શરીરમાં એડ્રલનિનનો સ્ત્રાવ ઓછો થાય છે. મતલબ કે તનાવનું પ્રમાણ ઓછું હોય છે. નિયમિત પ્રાર્થના, ધ્યાન અને ઊંડો ભક્તિભાવ ધરાવતી વ્યક્તિઓના ઇઇજી પરથી સાબિત થયું હતું કે તેમના મગજમાં જે ક્રિયાઓ થતી હતી એ લયબદ્ધ અને શાંતિપૂર્ણ હતી. જેઓ નિયમિત મંત્રજપ કે પ્રાર્થના કરે છે તેમના મગજમાં *લૂપ થિંકિંગ* એટલે કે વિચારોના વમળ સર્જાતા નથી. જ્યારે આપણે કોઈપણ બાબત પર વ્યથિત હોઈએ છીએ ત્યારે એકના એક વિચારોના વર્તુળમાં અટવાયા કરીએ છીએ અને એ ચક્કરમાંથી બહાર આવી શકતા નથી. પરંતુ જેઓ પ્રાર્થના કરે છે તેઓ એમાંથી બહાર આવીને વિવેકપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. ગમે તેટલા વિકટ સંજોગોમાં તેઓ પોતાનું સંતુલન ગુમાવતા નથી. મનમાં સમાધાન, શાંતિ અને વિવેક હોય તો એની સીધી અસર રોજબરોજના જીવન પર અને પરિણામે શરીર પર પડે જ છે. મતલબ કે પ્રાર્થના કરનારાઓનું શરીર પ્રમાણમાં વધુ સ્વસ્થ રહે છે, તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ વધુ હોય છે.

આપણે ત્યાં જન્મથી માંડીને મૃત્યુ પર્યંત મંત્રોચ્ચારને સ્થાન છે. દરેક ધ્વનિનો મન અને શરીર પર પ્રભાવ પડે છે એને વિજ્ઞાન હવે સ્વીકારે છે. આપણે ત્યાં જે મંત્રો છે એ કંઈ ફ્ક્ત કોઈ એક દેવી-દેવતાને ખુશ કરવા માટે નથી. આ મંત્રોના શબ્દો એ રીતે ગોઠવવામાં આવ્યા છે કે એમાંથી સર્જાતા ધ્વનિ શરીર અને મન પર અસર કરે. આ મંત્રોની એક તાકાત હોય છે. એટલા માટે જ જ્ઞાની ગુરુઓ પાસેથી મંત્ર લેવાની આપણે ત્યાં પરંપરા છે. ઋષિઓ, મહાત્માઓ વ્યક્તિને જોઈને, તેની માનસિક પરિસ્થિતિ, બૌદ્ધિક ક્ષમતાના આધારે મંત્ર આપતા હતા, કારણ કે એ ધ્વનિનો કેવો પ્રભાવ પડે એનાથી તેઓ વાકેફ હતા.

આપણા મંત્રો મોટાભાગે સંસ્કૃત ભાષામાં છે. એનો મતલબ એ નથી કે ભગવાન ફ્ક્ત સંસ્કૃતમાં કરેલી જ પ્રાર્થના સાંભળે છે, પણ સંસ્કૃતમાં એવા કેટલાક મંત્રો છે જેના ધ્વનિ સૂક્ષ્મ શરીરના ચક્રો પર અસર કરે છે. આ મંત્રોનો વિધિવત ઉચ્ચાર કરવામાં આવે તો એ શરીર જ નહીં મગજના તંત્ર પર પણ ધારી અસર ઉપજાવી શકે છે. મંત્ર ધ્વનિ થકી શારીરિક અને માનસિક ઉપચાર કરવાની વિધિ પ્રાચીન ભારતમાં હતી. એ સિવાય વશીકરણ મંત્રોનો ઉલ્લેખ પણ પુરાણોમાં અને શાસ્ત્રોમાં મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો ધ્વનિના વિજ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન ભારતના મનીષીઓ પાસે હતું. પાવર ઓફ પ્રેયર એટલે કે પ્રાર્થનામાં અગાધ શક્તિ રહેલી છે એ ર્નિવિવાદ સત્ય છે.