Preet Chandy's record of reaching the South Pole by skiing alone
  • Home
  • NRI
  • ભારતીય મૂળની પ્રીત ચાન્ડીએ એકલા હાથે સર કર્યો દક્ષિણ ધ્રુવ

ભારતીય મૂળની પ્રીત ચાન્ડીએ એકલા હાથે સર કર્યો દક્ષિણ ધ્રુવ

 | 10:14 pm IST
  • Share

  • ભારતીય મૂળની બ્રિટિશ આર્મી ઓફિસર છે પ્રીત ચાન્ડી

  • લોકો કહેતા, તું દક્ષિણ ધ્રુવ પર જનારી મહિલા લાગતી નથી!

  • ૩ જાન્યુઆરીએ તેણે જાહેર કર્યું કે તે દક્ષિણ ધ્રુવ પહોંચી ગઈ છે

બ્રિટનમાં જન્મેલી ભારતીય મૂળની શીખ મહિલા પ્રીત ચાન્ડીએ એકલા સ્કીઇંગ કરીને દક્ષિણ ધ્રુવ પહોંચવાનું સાહસ પાર પાડીને એકલી દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી સૌપ્રથમ બિનગોરી મહિલા બની ગઈ છે. દક્ષિણ ધ્રુવ જવા માટે હર્ક્યુલસ ઈન્લેટ છેલ્લું મથક છે. પ્રીત ચાન્ડી ગયા નવેમ્બરમાં કોઈનોય સપોર્ટ લીધા વગર એકલી સ્કીઇંગ કરતી નીકળી હતી. ૩ જાન્યુઆરીએ તેણે જાહેર કર્યું કે તે દક્ષિણ ધ્રુવ પહોંચી ગઈ છે. આ અગાઉ લિવ આર્નેસેન નામની નોર્વેજિયન મહિલાએ ૧૯૯૪માં આ સાહસ કર્યું હતું. તે પ્રથમ ગોરી મહિલા બની હતી. પ્રીત સૌપ્રથમ બિનગોરી મહિલા બની છે.

સાથે સ્લેજ ગાડીમાં સામાન લીધો

પ્રીતે દક્ષિણ ધ્રુવ એકલા જવાની વાત કરી તો લોકો તેની વાતો સાંભળી કહેતા, તે ધ્રુવ પર જનારી મહિલા લાગતી નથી! તેણે પોતાની સાથે એક સ્લેજ લીધી હતી. જેમાં તેનું હૂંફાળા રહેવાનું બળતણ, અંગત વસ્તુઓની કિટ અને ખોરાક મળીને ૯૦ કિલોગ્રામ સામાન હતો. તે અઠવાડિયાઓ સુધી એકલી જ સ્કીઇંગ કરતી રહી. આખરે ૩ જાન્યુઆરીએ તેણે જાહેર કર્યું કે તે દક્ષિણ ધ્રુવ પહોંચી ગઈ છે.

પોતાની સાથે લેપટોપ લઈ ગઈ હતી

પોતાનો રોજેરોજનો કલાકે કલાકનો અનુભવ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહી. ફક્ત ૩૨ વર્ષની પ્રીત ચાન્ડીએ પોતાના બ્લોગમાં લખ્યું, હું દક્ષિણ ધ્રુવ આવી ગઈ છું, અહીં હિમવર્ષા થઈ રહી છે. મનમાં જાતજાતના ભાવ ઊમટી રહ્યા છે. અહીં આવી પહોંચી એ સ્વપ્ન જેવું લાગે છે. દક્ષિણ ધ્રુવ સૌથી ઠંડો, સૌથી ઊંચાઈવાળો, સૌથી ભેજવગરનો અને સૌથી ઝડપી પવનના સુસવાટા ધરાવતો વિસ્તાર છે. અહીં કોઈ કાયમી નિવાસ કરતું નથી.

અઢી વર્ષ સુધી આલ્પ્સમાં અભ્યાસ કર્યો

પ્રીત ચાન્ડીએ દક્ષિણ ધ્રુવનું સાહસ કરવાનું વિચાર્યું ત્યારે તેને દક્ષિણ ધ્રુવ વિશે કોઈ ખાસ માહિતી નહોતી. અઢી વર્ષ સુધી તેણે દક્ષિણ ધ્રુવનો અભ્યાસ કર્યો. શી રીતે એકલાં જઈ શકાય તેનો અભ્યાસ કર્યો. તેણે ફ્રાન્સના આલ્પ્સ પર્વતના હિમશિખરો ઉપર અને આઇસલેન્ડમાં લાન્ગજોકુલ ગ્લેશિયર પર ૨૭ દિવસની ટ્રેકિંગની પ્રેક્ટિસ કરી.

ચીલેથી શરૂઆત કરી હતી

પ્રીત ચાન્ડી ૭ નવેમ્બરે વિમાન માર્ગે ચિલે પહોંચી હતી. ત્યાંથી વિવિધ સાધનો વડે હર્ક્યુલસ ઈન્લેટ પહોંચી હતી જે દક્ષિણ ધ્રુવ જવા માટે છેલ્લું મથક છે. ત્યાંથી રવાના થયા પછી તે ઇન્ટરનેટ દ્વારા પોતાના ખાસ અંગત મિત્રોના જ સંપર્કમાં હતી. યાત્રા પૂર્ણ થવા આવી તો તેણે બધાને પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું.

બધી મહિલાઓ માટે પ્રેરણારૂપ સાહસ

બ્રિટિશ આર્મીના ચીફ ઓફ જનરલ સ્ટાફે પ્રીત ચાન્ડીને તેના અદ્ભુત સાહસ બદલ અભિનંદન પાઠવ્યા. કહ્યું, પ્રીતનું આ સાહસ તેના જેવી અનેક મહિલાઓને સાહસિક બનવાની પ્રેરણા આપશે. પોતાની મર્યાદાઓ તોડીને નવી સિદ્ધિઓ મેળવવા પ્રેરણા આપશે. પ્રીત ચાન્ડી હવે પોલર પ્રીતના નામે ઓળખાઈ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો