Pregnant women should do this asana regularly for the baby's health
  • Home
  • Featured
  • બાળકના સ્વાસ્થ્ય માટે ગર્ભવતી મહિલાએ આ આસન નિયમિત કરવાં

બાળકના સ્વાસ્થ્ય માટે ગર્ભવતી મહિલાએ આ આસન નિયમિત કરવાં

 | 11:35 am IST

ફિટનેસ :- વિધિકા શાહ

જ્યારે બાળક માના ગર્ભમાં હોય છે તે દિવસો એક માતા માટે ખૂબ જ ખાસ હોય છે. પણ આ દિવસો સુખની સાથે સાથે માના સ્વાસ્થ્ય સંબંધી કેટલીક મુશ્કેલીઓ પણ લઈને આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ઘણાં ફેરફાર થાય છે, જેના કારણે અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ યોગ અને આસનની મદદથી આ તકલીફોને મહદઅંશે ઓછી કરી શકાય છે. યોગ કરવાથી ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય પર પણ તેનો ફાયદો થાય છે. ગર્ભાવસ્થાના ત્રીજા મહિનાથી તમે યોગ કરવાની શરૂઆત કરી શકો છો. કરવામાં સહેલા એવા કેટલાક આસનો વિશે આપણે વાત કરીશું.

બટરફ્લાય આસન

સૌપ્રથમ નીચે બેસી જાવ. કમર અને ગરદનને સીધી રાખી તેમજ પગને આગળની બાજુ ફેલાવીને બેસી જાવ. હવે બંને પગને ઘૂંટણની બાજુથી ધીરે ધારે એ રીતે વાળો કે બંને પગના તળીયા એકબીજાને સ્પર્શે. જો શક્ય હોય તો તમારા બંને હાથથી બંને પગના પંજાને પકડવાનો પ્રયત્ન કરો. પગની એડીને જેટલું બને તેટલી તમારા શરીરની નજીક લાવવાનો પ્રયત્નો કરો. સામાન્ય સ્થિતિમાં શ્વાસ લઈને પોતાની ક્ષમતા અનુસાર પગને પતંગિયાની પાંખોની જેમ ધીરેધીરે ઉપર નીચે કરો. પ્રસતિની તારીખ આવે ત્યાં સુધી રોજ નિયમિત રીતે આ યોગ કરવાનું ચાલું રાખવું. આ યોગ કરવાથી પ્રસૂતિ દરમિયાન પીડા પણ ઓછી થશે અને પ્રસૂતિ પણ સહેલાઈથી થઈ જશે.

કેટ પોઝ આસન

સૌ પ્રથમ પગને વાળીને ઘૂંટણના સહારે ઊભા થઈ જાવ. આગળની બાજુ નમીને તમારી હથેળીઓને જમીન પર રાખો. જો તમે ઇચ્છો તો ઓશિકાની મદદ લઈ શકો છો. હવે ધીરેધીરે શ્વાસ લઈ ઉપરની બાજુ માથું ઉઠાવો. સાથે સાથે કમરને ધીરેધીરે નીચેની બાજુ લાવતા જાવ. ત્યારબાદ ધીરેધીરે શ્વાસ છોડતાં માથાને નીચેની બાજુ અને કમરને ઉપરની બાજુ લેતાં જાવ. આ આસનને પાંચથી દસ વખત કરો. આ આસન કરવાથી ગર્ભાવસ્થા દરમિયાન કમરમાં થતા દુખાવામાં રાહત મળે છે. ઉપરાંત આ આસનથી ખભા તેમજ ગરદન પર લચકપણું આવે છે અને કરોડજ્જુમાં પણ રાહત મળે છે.

ચેર પોઝ અથવા ઉત્કટ આસન

બંનેપગ ખભા જેટલા અંતર રાખીને સીધા ઊભા રહો. તમારા બંને હાથને ખભાની સમાંતર ઉપરની બાજુ ફેલાવો. હવે ધીરેધીરે ઊંડો શ્વાસ લેતા જાવ. તમારા ઘૂંટણને વાળો અને જાણે તમે કોઈ ખુરશી પર બેઠાં હોય તે સ્થિતિમાં તમારા શરીરને આકાર આપો. આ રીતે એક કાલ્પનિક ખુરશી બનાવો. જ્યાં સુધી આ સ્થિતિમાં રહી શકો ત્યાં સુધી રહો. ત્યરબાદ ધીરેધીરે શ્વાસ છોડતા સામાન્ય સ્થિતિમાં આવી જાવ. આ આસન દસથી પંદર વખત તમારી ક્ષમતા અનુસાર તમે કરી શકો છો. આ આસન કરવાથી બાળકના જન્મ વખતે થતી તકલીફમાં રાહત મળે છે. આ સાથે સાથળ અને હિપ્સના સ્નાયુઓ પણ મજબૂત બને છે. આ આસન પ્રસૂતિ પછી પણ તમે કરી શકો છો. આ આસન હિપ્સ તેમજ સાથળની ચરબીને ઘટાડે છે તેમજ તેને સુડોળ બનાવે છે.

વીર ભદ્રાસન

સીધા ઊભા રહો. હવે તમારા બંને પગને થોડા અંતર સુધી ફેલાવો. હવે તમારા ડાબા પગને ડાબી બાજુ ફેરવો, બાદમાં ડાબા ઘૂંટણને ૯૦ ડિગ્રી સુધી વાળો. આ સમયે જમણો પગ ડાબા પગની પાછળની બાજુ ખેંચાયેલો રહેશે. હવે બંને હાથને ધીરેધીરે માથાની ઉપર લઈ જઈને પ્રણામની મુદ્રામાં રાખો અને પીઠને ખેંચો. દસથી પંદર સેકન્ડ આજ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરો. આજ રીતે જમણી બાજુ પણ કરો. આ આસન કરવાથી સાથળ, પગના તળીયા અને પગની એડીના સ્નાયુઓ મજબૂત બને છે. જે પ્રસૂતિ દરમિયાન ફાયદાકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન