Prepare the child to avoid sexual harassment
  • Home
  • Supplements
  • Nari
  • જાતીય સતામણી ન થાય એ માટે બાળકને તૈયાર કરો

જાતીય સતામણી ન થાય એ માટે બાળકને તૈયાર કરો

 | 5:59 pm IST
  • Share

પેરેન્ટિંગ આમ તો પેઢી દર પેઢી ચાલ્યા આવતા સંસ્કાર છે. નાનપણથી જ બાળકને શું કરવું અને શું ન કરવું એના પાઠ દરેક માબાપ ભણાવતા જ હોય છે. જેમ કે, આમ ન બેસ, આવું વર્તન ન થાય, સામે ન બોલ, શાંત રહેવાનું વગેરે પણ પરિસ્થિતિ પ્રમાણે વર્તન કઈ રીતે કરવું એ માબાપ દ્વારા શીખવવામાં આવતું નથી. બાળકને પરિસ્થિતિ અનુસાર વર્તન કરતાં શીખવવું એ પણ મહત્ત્વનું છે, કારણ કે સમયમાં પરિવર્તન આવી રહ્યું છે. પેરેન્ટિંગનો કક્કો સમય પ્રમાણે બદલવો જરૂરી છે. તો મિત્રો, ચાલો આપણે પણ આ કોલમમાં અલગ રીતે પેરેન્ટિંગનો કક્કો ઘૂંટીએ. આજે: ‘ણ’ ફેણનો ‘ણ’.

આજનું શીર્ષક વાંચીને નવાઈ લાગે એ સ્વાભાવિક છે. બાળઉછેરને ફેણ સાથે શું લેવાદેવા? એવો પ્રશ્ન દરેક માબાપને થાય ત્યારે એક પુરાણકથા યાદ કરાવવાનું મન થાય છે. મહાદેવનો નાગ દર્શન કરવા આવતા ભક્તોને કરડતો ત્યારે ભક્તોએ મહાદેવને વિનંતી કરી કે મહાદેવજી તમારા નાગને કૃપા કરીને આદેશ આપો કે અમને ન દંશ ન મારે. મહાદેવે પ્રાર્થના સ્વીકારી અને નાગને આદેશ આપ્યો કે મારા ભક્તોને દંશ ન દઈશ.

પણ લોકોએ જેવી આ વાત જાણી કે નાગ હવે દંશ મારશે નહીં. એમનું વલણ બદલાયું અને જે નાગરાજથી ડરતા હતા, એ લોકો એને હવે પથ્થર મારી કાંકરીચાળો કરવા લાગ્યા હતા. લોકોના આવા વર્તનથી દુઃખી થઇને નાગ મહાદેવને ફરિયાદ કરવા ગયો ત્યારે મહાદેવજી એ કહ્યું કે મેં તને કરડવાની ના પાડી છે, ફેણ ઊંચી કરીને ફુત્કાર કરવાની નહીં.

આપણે પણ બાળકોને વિનય-વિવેક શીખવીએ છીએ. કોઈની સામે ન બોલાય, બૂમો ન પડાય, ચીસ પાડીને વાત ન થાય. વગેરે વગેરે. પણ જ્યારે કોઈ વિકૃત મગજના વડીલ બાળકને જાતીય સતામણી કરી હેરાન કરે ત્યારે આ વિવેકની, આ શિસ્તની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. બાળક માનસિક રીતે કાયમ માટે નબળું પડી જાય છે. મોટાભાગના જાતીય સતામણીના કિસ્સામાં ઘરની વ્યક્તિ કે પછી નજીકનાં સગાંસબંધી અથવા મિત્રો જ સંડોવાયેલાં હોય છે. કેટલાક કિસ્સાઓમાં રિક્ષાવાળા કે સ્કૂલબસમાં કે સ્કૂલમાં કામ કરતા લોકો પણ બાળકની શારીરિક છેડછાડ કે શોષણ કરતાં હોય છે. બાળકની ઉંમર અથવા સમજણ ઓછી હોય ત્યારે આ કૃત્યની જાણ માબાપને થતી નથી. પરિણામે બાળક શોષણનો ભોગ બનતું રહે છે.

બાળક આવી કોઇ સ્થિતિમાં ન મુકાય એટલે બાળકને શિસ્ત શીખવતી વખતે સાથે સાથે ક્યારે ફેણ ઊંચી કરી ફૂંફાડો મારવો એ પણ શીખવવું પડે. એટલે કે જ્યારે તમે બાળકને એમ શીખવો કે ચીસો પાડીને વાત ન કરાય, બૂમો ન પાડવી જોઈએ ત્યારે એ પણ શીખવવું જોઈએ કે જ્યારે શરીરનાં ચોક્કસ અંગો, આપણા પ્રાઇવેટ પાર્ટ્સને કોઈ અડકે, જબરજસ્તી પપ્પી કરે, કપડાંમાં હાથ નાખે કે કપડાં ઉતારવાનો પ્રયાસ કરે ત્યારે જોરજોરથી ચીસો પાડવી, બૂમો પાડીને કહેવું કે આવું ન કરો. અને બને તેટલા જલદી સમૂહમાં, બીજા લોકોની વચ્ચે જતા રહેવું. કોઈક વખત એકલા હોવ અને કોઈ આવું કરે ત્યારે જેવાં માબાપ આવે કે તરત આ બાબત અંગે ફરિયાદ કરવી જોઈએ. માબાપે ખુદે પણ આ અંગે બાળકોને પૂછતાં રહેવું જોઈએ. આપણું શરીર કોઈ આપણી મરજી વિરુદ્ધ ખોટી રીતે અડકે ત્યારે ફેણ ઊંચી કરી એટલે કે શરીરમાં, મનમાં હિંમત ભેગી કરીને સંપૂર્ણ તાકાતથી વિરોધ કરવો જ જોઈએ.

એ જ રીતે જ્યારે નજર સામે અન્યાય થાય ત્યારે પણ આમ જ મજબૂત રહી વિરોધ કરવો એટલે કે કોઇ બીજાનો વાંક આપણા પર ઓઢાડે, કોઈ પરાણે આપણી નાનીમોટી ચીજો આપણી પાસેથી છીનવી લે, કોઈ મોટાં છોકરાં મશ્કરી કરે, ઠેકડી ઉડાડે કે પછી અપમાન કરે ત્યારે ણ ફેણનો ણ યાદ રાખવો જરૂરી છે. જેથી આ સ્વાભિમાન આગળ જતાં કુટુંબ અને દેશના માનની રક્ષા માટે પણ ફેણ ઊંચકી શકે અને કોઈ પરિવાર કે દેશ વિશે નિમ્ન ટિપ્પણી કરે કે દેશહિતની વિરુદ્ધ વાત કરે ત્યારે એક સુસજ્જ નાગરિક તરીકે એ જ બાળક હિંમતથી વર્તી શકે.. વાતવાતમાં વડચકાં ન ભરાય પણ સ્વરક્ષા અને સ્વામાનરક્ષા ખાતર ફેણ તો ઊંચકાય જ, એવું આજનાં બાળકોને માબાપે શીખવવું પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો