presence-of-congress-leaders-in-fasting-dramapresence-of-congress-lea
  • Home
  • Ahmedabad
  • હિંસાની આગ લગાડનાર ના ઉપવાસના નાટકમાં કોંગ્રેસી નેતાઓની હાજરી

હિંસાની આગ લગાડનાર ના ઉપવાસના નાટકમાં કોંગ્રેસી નેતાઓની હાજરી

 | 2:42 am IST

ગુજરાતની સમજુ પ્રજાએ અલ્પેશ ઠાકોરના ઉપવાસને જાકારો આપી અરીસો બતાવી દીધો

ગુજરાતમાંથી દિવાળી ટાણે એક લાખ જેટલાં ગરીબ પરપ્રાંતીયોને ગુજરાત છોડવા મજબૂર કરનાર અને અનેક ફેક્ટરીઓ પર હુમલા કરાવવા માટે જવાબદાર ઠાકોર સેનાના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના આજના સદભાવના ઉપવાસને સમાજના કોઈ પણ વર્ગનો ટેકો ના મળતા ઉપવાસના નાટકનો ફિયાસ્કો થયો હતો. પરંતુ અલ્પેશ ઠાકોરના આજના ઉપવાસને ટેકો આપવા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ઔપરેશ ધાનાણીએ હાજરી આપતા કોંગ્રેસના નિષ્ઠાવાન આગેવાનોને આૃર્ય થયું હતું.

125 વર્ષનો ભવ્ય ભૂતકાળ ધરાવતી કોંગ્રેસનું સૌથી ઊજળું પાસું તેના મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને જવાહરલાલ નહેરું જેવા નેતાઓ છે. આઝાદીની લડત વખતે અંગ્રેજોએ તોપો ચલાવી તોય માત્ર અને માત્ર અહિંસાનો જ આશરો લઇ ગાંધીજીએ દેશને સ્વતંત્રતા અપાવી અને આઝાદી પછી અખંડ ભારતનું નિર્માણ કરવાની જવાબદારી સરદાર પટેલે નીભાવી. આમ અહિંસા અને એકતા જેવા મૂલ્યો જેના પાયામાં છે એવા કોંગ્રેસ પક્ષના જ એક ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ મૂલ્યોને નેવે મૂકી આજે સદભાવનાના નામે નાટક કરી ઉપવાસ આદર્યા હતા. બાવળ કાપવાના નામે પરપ્રાંતિઓને કાપવાની અને તેઓ જ્યાં કામ કરતાં હોય તે ફેકટરીનો માલસામાન લઇ જતી ટ્રકોના ટાયર બાળી નાંખવાનું આહવાન કરી હિંસાની પ્રેરણા આપનારા ઠાકોર સેનાના આ નેતાના ઉપવાસના આવા નાટકમાં હાજર રહી કોંગ્રસના વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજકીય અપરિપક્વતાનો પુરાવો આપ્યો હતો. ઠાકોર સમાજના મસિહા હોય એવા બણગાં ફુંકતા અલ્પેશ ઠાકોરના આજના આ પ્રતિક ઉપવાસમાં ઠાકોર સમાજના જ નહીં ઓબીસી વર્ગના લોકોની હાજરી તદ્દન અભાવ દેખાતો હતો અને કોંગ્રેસના ગણ્યાંગાંઠયા કાર્યકરો સિવાય ઉપવાસના સ્થળે કોઇ ફરક્યું ન હતું.

હું ગુજરાતની અસ્મિતા માટે ઉપવાસ કરું છું એવું અલ્પેશ ઠાકોરનું નિવેદન પણ ગુજરાતની અસ્મિતાને એટલે કે ગરિમાને જાણે કે ઠેસ પહોંચાડતું હતું. સ્વાભાવિકપણે જ કનૈયાલાલ માણેકલાલ મુનશીનું સાહિત્ય વાંચ્યું ન હોય એટલે અલ્પેશ ઠાકોરને અસ્મિતાનો સાચો અર્થ ખબર ન પડે, પણ અસ્મિતાના અર્થને સમજવા એક ઉદાહરણ પુરતું થઇ પડશે. સદીઓ પહેલાઓ ઇરાનના પારસીઓ શાસકોના ત્રાસથી બચવા દરિયાઇ માર્ગે જ્યારે સુરત નજીક આવેલા સંજાણ બંદરે આવ્યા ત્યારે તેમણે વસવાટ કરવા માટે સંજાણના રાજાની પરવાનગી માંગી. રાજાએ તેમનું નગરમાં વધુ રહેવાસી માટે જગ્યા નથી એવા પ્રતિકરૂપે પારસીઓને દુધથી ભરેલો કટોરો મોકલ્યો. રાજાની વાત સમજી ગયેલા પારસીઓએ આ કટોરોમાં સાકર ભેળવી રાજાને પાછી મોકલી. એમનું કહેવું એમ હતું કે અમે દુધમાં સાકર ભળે એમ તમારી પ્રજામાં ભળી જઇશું. અને પારસીઓ આજે ગુજરાતમાં ગુજરાતી બની ગયા છે આવી જ રીતે રાજ્યમાં રોજગારી માટે આવેલા પરપ્રાંતિઓ પણ ગુજરાતમાં દુધમાં સાકર બનીને જ રહેતાં હતા અને ગુજરાતે પણ તેમને દિલથી અપનાવી સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ પુરું પાડયું હતું. આવા પરપ્રાંતિઓને ગુજરાતમાંથી હાંકી કાઢવાની પ્રેરણા આપી અલ્પેશ ઠાકોરે ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવ્યું છે અને હવે ગુજરાતની અસ્મિતા માટે ઉપવાસ કરી રહ્યા હોવાનું કહી ઠાકોર સેનાના આ નેતા જાણે ઇતિહાસનો ઉપહાસ કરી રહ્યા છે.

પોતાને મોટા ગજાના નેતા માનતા અલ્પેશ ઠાકોરે ઉપવાસના આ નાટકમાં હાજર રહેવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારને આમંત્રણ પણ આપ્યું હતું. ઉપવાસમાં હાજર રહેવાની વાત તો દુર રહી આ બન્ને નેતાઓએ અલ્પેશ ઠાકોરના ઉપવાસની નોંધ પણ લીધી ન હતી.

આ સભામાં હાજર નેતાઓના મોંઢા નીચે ઢળેલા કેમ દેખાય છે તે કોંગ્રેસના નેતાઓ જ કહી શકે. ગુજરાતમાંથી જે પરપ્રાંતીય ગરીબ પરિવારોેએ અલ્પેશના કારણે હિજરત કરી તેથી તેઓ દુઃખી છે કે અલ્પેશ ઠાકોરે ના પુરી શકાય એવું કોંગ્રેસને નુકસાન કર્યું છે તે કારણે તેમના મોં પડી ગયા છે ? લાગે છે કે અલ્પેશ ઠાકોરના કારણે કોંગ્રેસે બીજા અનેક વર્ષો સુધી સત્તામાં આવવા માટે રાહ જોવી પડશે. આવા સંકુચિત અને વામણા માણસના ઉપવાસના નાટકમાં કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતાએ હાજરી આપવી પડે તે જ બતાવે છે કે કોંગ્રેસની હાલત કેવી છે. શું ગાંધીજી કે સરદાર સાહેબ આજે હયાત તો પરપ્રાંતીયોને ગુજરાતમાંથી કાઢી મુકવા માટે ઉશ્કેરણીજનક ભાષણ કરનાર માણસની સાથે બેસવાનું પસંદ કરત ?