પ્રેસિડેન્ટ લિંકનનું એક ખેડૂતે અભિવાદન ના કર્યું... - Sandesh
  • Home
  • Columnist
  • પ્રેસિડેન્ટ લિંકનનું એક ખેડૂતે અભિવાદન ના કર્યું…

પ્રેસિડેન્ટ લિંકનનું એક ખેડૂતે અભિવાદન ના કર્યું…

 | 2:20 am IST

અનુસંધાન :- દેવેન્દ્ર પટેલ

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બને તે માટે રાજકીય યુદ્ધ ચાલતું હતું અને પ્રજાએ ચૂંટી કાઢેલા કેટલાક ધારાસભ્યોને મુંબઈની ફાઇવસ્ટાર હોટલોમાં રાખવામાં આવ્યા હતા. તે બધા પંચતારક હોટેલોની મોંઘી રેસ્ટોરા વિવિધ વાનગીઓ આરોગતા હતા ત્યારે એ દિવસોમાં જ એક માત્ર મહારાષ્ટ્રમાં જ ૩૦૦થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી, પરંતુ એ સંવેદના ભાગ્યે જ કોઈ રાજકારણીઓને સ્પર્શી હશે, ત્યારે એ પરિપ્રેક્ષ્યમાં અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનની એક ખેડૂત પ્રત્યેની સંવેદના અને સન્માનનું એક ઉદાહરણ અહીં પ્રસ્તુત છે.

આ એ દિવસોની વાત છે જ્યારે અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બની ચૂક્યા હતા. અનેકવાર ચૂંટણીમાં હાર્યા પછી તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી જીત્યા હતા. અમેરિકાના દરેક ઘરમાં તેમના નામની ચર્ચા હતી. ખાસ કરીને એટલા માટે કે એક ગરીબ પરિવારમાં જન્મ્યા બાદ અનેક પ્રકારનો સંઘર્ષ વેઠીને પોતે પામેલી શ્રેષ્ઠ કેળવણીના કારણે તેઓ આ ઉચ્ચતમ પદ પર પહોંચ્યા હતા. બધાંને તેમનો નમ્ર અને માયાળુ સ્વભાવ ગમતો હતો.

એક દિવસની વાત છે. અબ્રાહમ લિંકન એ દિવસે તેમનાં પત્ની સાથે કારમાં બેસી ફરવા નીકળ્યાં. તેમની મોટરકાર ધીમે ધીમે ચાલતી હતી. રસ્તામાં જે કોઈ લોકો તેમને મળતા એ બધાં હાથ હલાવીને તેમનું અભિવાદન કરતા હતા. લિંકન પોતાની કાર થોભાવતા. બહાર નીકળતા, લોકોને મળતા અને તેમની સમસ્યાઓ વિશે પૂછપરછ કરતા હતા. તેમના પ્રશ્નોના નિવારણ અંગે સૌને આશ્વાસન અને ખાતરી આપતા હતા.

લિંકનની કાર આગળ ચાલતી રહી. થોડાક આગળ ગયા બાદ તેમની કાર અત્યંત ધીમે ચાલતી હતી. તે વખતે તેમણે વૃદ્ધ કિસાનને જોયો. તેના ખભા પર ફસલનો વજનદાર ભારો હતો, જે ઊંચકીને ચાલતો હતો. તેના કપાળ પર ખૂબ પરસેવો હતો. તે કમરમાંથી વળી ગયેલો હતો. એ ખેડૂતે ધીમે ધીમે ચાલી રહેલી લિંકનની કાર જોઈ, પણ એણે પ્રેસિડેન્ટનું અભિવાદન ના કર્યું. એટલું જ નહીં પરંતુ તે આગળને આગળ ચાલતો રહ્યો.

અબ્રાહમ લિંકનનાં પત્નીને આ ના ગમ્યું. એમને લાગ્યું કે કિસાને પ્રેસિડેન્ટ લિંકનનું અપમાન કર્યું છે. થોડીક નારાજગી વ્યક્ત કરતાં લિંકનનાં પત્નીએ તેમના પતિને કહ્યું : ‘કેટલો અવિવેકી અને મૂર્ખ છે આ ખેડૂત, જેણે આપણું અભિવાદન પણ ના કર્યું. એને ખબર નથી કે જે દેશમાં તે રહે છે તે દેશના પ્રેસિડેન્ટ તેની સામે છે.’

અબ્રાહમ લિંકન થોડીવાર સુધી મૌન રહ્યા. કેટલીક ક્ષણો બાદ તેઓ બોલ્યાઃ ‘એ વૃદ્ધ કિસાનનું અભિવાદન પામવાના આપણે હકદાર નથી. અભિવાદન પામવાનો અધિકારી તો તે છે જે સખત પરિશ્રમ કરીને ખેતરોમાં અનાજ પકવે છે અને જેના કારણે આપણને ભોજન પ્રાપ્ત થાય છે.’

પતિની વાત સાંભળી લિંકનનાં પત્નીને તેમની ભૂલનો અહેસાસ થયો. પ્રેસિડેન્ટ લિંકને તેમની મોટરકાર ઊભી રખાવી અને બંને કારમાંથી નીચે ઊતર્યાંર્ એટલું જ નહીં પરંતુ કિસાનનું યોગ્ય સન્માન કરી તેનું અભિવાદન પણ કર્યું.

આજે આપણો સમાજ, રાજકારણીઓ અને અધિકારીઓ ભારતમાં ખેડૂતોનું કેટલું સન્માન કરે છે?

દેશને આઝાદી મળ્યે ૭૦ કરતાં વધુ વર્ષ થયાં છતાં ખેડૂતો બેહાલ કેમ છે? રોજ ૩૪ ખેડૂતો આપઘાત કેમ કરે છે? ખેડૂતો દેવાદાર કેમ છે ? માંડ દોઢ-બે લાખનું કર્જ લેનાર ખેડૂત આત્મહત્યા કરવા કેમ પ્રેરાય છે? દેશના ખેડૂતોને પોષણક્ષમ ભાવો કેમ મળતા નથી?

ખેડૂત જગતનો તાત કહેવાય છે, પણ તે ખુદ દુઃખી કેમ છે? ખેડૂતોએ પકવેલી ફસલનો મલીદો વચલા દલાલો કેમ ખાઈ જાય છે?

હવે ગુજરાતની શું પરિસ્થિતિ છે તે જુઓ.

ગુજરાતમાં ખેતી સાથે સંકળાયેલા ૪૨.૬ ટકા પરિવારો દેવાંગ્રસ્ત છે. રાજ્યમાં ખેડૂતનું સરેરાશ દેવું રૂ. ૩૮,૧૦૦ છે. રાજ્યમાં ૧૬.૭૪ લાખ ખેડૂતો દેવામાં ડૂબેલાં છે.

કી ઇન્ડિકેટર ઓફ સિચ્યુએશન ઓફ એગ્રિકલ્ચર ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ કહે છે કે, ગુજરાતમાં ૫૮.૭૧ લાખ કુટુંબો પૈકી ૩૯.૩૦ લાખ કુટુંબો ખેતી સાથે સંકળાયેલાં છે. આ ૩૯.૩૦ લાખ કુટુંબો પૈકી ૪૨.૬ ટકા કુટુંબો દેવાંગ્રસ્ત છે. આજે ખેતી કરવી પણ મોંઘી થઇ છે. બિયારણ, જંતુનાશ દવા, સિંચાઇ-ખેતમજૂરી પાછળ ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને પાક ઉત્પાદનનું વળતર મળતું નથી. પાક ઉત્પાદનમાંથી એટલી આવક થતી નથી કે, વ્યાજ સાથે બેન્કલોનના હપતા ભરી શકાય. આ કારણોસર ખેડૂતો દેવાદાર બની રહ્યાં છે.

ગુજરાતનો ખેડૂત પાક પાછળ સરેરાશ માસિક રૂ. ૨,૨૫૦ ખર્ચ કરે છે. જ્યારે માસિક આવક રૂ. ૭,૯૨૬ મેળવે છે એટલે ર્વાિષક રૂ. ૯૫,૧૧૨ની આવક મેળવે છે. આખાય દેશમાં સૌથી વધુ પંજાબના ખેડૂતની માસિક આવક રૂ. ૧૮,૦૫૯ છે. હરિયાણાનો ખેડૂત મહિને રૂ. ૧૪,૪૩૪ અને જમ્મુ-કાશ્મીરનો ખેડૂત રૂ. ૧૨,૬૮૩ કમાય છે. દેશમાં માસિક આવકમાં ગુજરાતના ખેડૂતનો ૧૨મો ક્રમ છે. સમૃદ્ધ રાજ્ય ગણાતાં ગુજરાતના ખેડૂતો કરતાં મિઝોરમ, મણિપુર, મેઘાલય, કેરળ જેવાં નાના રાજ્યોના ખેડૂતોની માસિક આવક વધુ છે.  રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રના કુલ ૧૬,૭૪,૩૦૦ ખેડૂતોએ ખેતી માટેની લોન લીધી છે. ૦.૦૧ હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં ખેડૂતનું સરેરાશ દેવું રૂ. ૬,૯૦૦ છે. ૦.૦૧થી માંડી ૦.૪૦ હેક્ટર જમીનધારક ખેડૂતનું દેવું રૂ. ૧૨ હજાર છે. ૧થી ૨ હેક્ટર જમીન ધરાવનાર ખેડૂતનું સરેરાશ દેવું રૂ. ૩૧ હજાર જ્યારે ૪થી ૧૦ હેક્ટર ધરાવતાં ખેડૂતનું દેવું રૂ. ૧.૧૪ લાખ છે. સિંચાઇ વ્યવસ્થાનું સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવે તો પાક ઉત્પાદન વધે અને ખેડૂતોની આવકમાં વધારો થાય અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં ઘણાં અંશે સુધારો થઇ શકે તેમ છે.

અત્રે એ પણ નોંધવું જોઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આટલી સરકારો આવ્યા બાદ પહેલી જ વાર ખેડૂતોની ચિંતા કરી છે અને ખેડૂતોનાં ખાતામાં સીધાં જ નાણાં જાય તેવી એક સુંદર યોજના અમલમાં મૂકી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉત્તર ગુજરાત માટે સુજલામ્ સુફ્લામ્ નામની કેનાલ બનાવીને ખેડૂતોને સિંચાઈનો લાભ આપ્યો. ગાંધીજી કહેતા હતા કે સાચું ભારત ગામડાંઓમાં જ જીવે છે પરંતુ આજે ગામડાંઓ ખાલી થઈ રહ્યા છે અને શહેરો પર ભારણ વધ્યું છે. ખેતી હવે ખોટનો ધંધો ગણાય છે. જેમની પાસે કોઈ વિકલ્પ નથી એ લોકો જ ખેતી કરે છે. ખેડૂતો જાણે કે નિરાધાર બની ગયા છે. આવું કેમ ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન