J&Kમાં મહેબૂબા સરકાર તૂટતા રાજ્યપાલનો મોટો નિર્ણય, રાષ્ટ્રપતિએ આપી દીધી મંજૂરી - Sandesh
  • Home
  • Featured
  • J&Kમાં મહેબૂબા સરકાર તૂટતા રાજ્યપાલનો મોટો નિર્ણય, રાષ્ટ્રપતિએ આપી દીધી મંજૂરી

J&Kમાં મહેબૂબા સરકાર તૂટતા રાજ્યપાલનો મોટો નિર્ણય, રાષ્ટ્રપતિએ આપી દીધી મંજૂરી

 | 8:14 am IST

જમ્મુ-કાશ્મીરમાં પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની ગઠબંધન સરકાર તૂટ્યાના 24 કલાકની અંદર રાજ્યપાલ શાસન લાગી ગયું છે. કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર બુધવારના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મ્હોર મારતા રાજ્યમાં રાજ્યપાલ શાસનની મંજૂરી આપી દીધી છે.

તેની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં આવતા છ મહિનાના સમય માટે રાજ્યપાલ શાસન લાગૂ થઇ ગયું છે. આ બધાની વચ્ચે રાજ્યપાલ એનએન વોહરાનો કાર્યકાળ 25મી જૂનના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. સૂત્રોના મતે કોઇ નવા ચહેરાને જવાબદારી આપવાની જગ્યાએ તેમને જ આગળનો કાર્યકાળ મળી શકે છે. આની પહેલાં મંગળવારે બપોરે સવા બે વાગ્યે અંદાજે દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમ્યાન ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરતાં મહેબૂબા સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું.

આપને જણાવી દઇએ કે મંગળવારના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મુ-કાશ્મીર ભાજપ નેતાઓની સાથે બેઠક કરી હતી, ત્યારબાદ ભાજપે પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.

મંગળવારના રોજ ભાજપ નેતા રામમાધવે પીડીપીમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરતાં છેલ્લાં કેટલાંક દિવસથી કાશ્મીરમાં સ્થિતિ ખૂબ વણસી છે, તેના લીધે અમારે આ નિર્ણય લેવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં વડાપ્રધાન, અમિત શાહ, રાજ્ય નેતૃત્વ સંભાળી રહેલા તમામ સાથે વાત કરી છે. સરકાર તૂટ્યા બાદ ભાજપે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન નાંખવાની માંગણી કરી હતી.

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં આપ્યા બાદ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ડરની નીતિ ચાલશે નહીં. તેમણે કહ્યું કે બંને પાર્ટીઓ અલગ-અલગ વિચારધારાને માને છે, પરંતુ તેમ છતાંય સત્તા માટે નહીં પરંતુ મોટા વિઝનને સાથે લઇ અમે ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું.

મહેબૂબાએ કહ્યું કે સરકાર દ્વારા તેઓ કાશ્મીરમાં પોતાના એજન્ડા લાગૂ કરવામાં સફળ રહી છે. મહેબૂબાનું કહેવું છે કે કાશ્મીરના લોકો સાથે વાતચીત થવી જોઇએ, પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઇએ, આ તેમની હંમેશાથી કોશિષ રહી છે.