NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ગત ચેમ્પિયન ભારત એશિયા કપમાંથી બહાર

ગત ચેમ્પિયન ભારત એશિયા કપમાંથી બહાર

 | 4:52 am IST

કુઆલાલમ્પુર, તા.૧૪

અંડર-૧૯ એશિયા કપમાં બાંગ્લાદેશે ગત ચેમ્પિયન ભારતીય ટીમને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. આ હાર સાથે ભારતીય ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર થઇ ગઇ છે. આ પહેલાં નેપાળે ભારતીય ટીમને પરાજય આપ્યો હતો. આમ, ત્રણ દિવસમાં ભારતીય ટીમને બે પરાજયનો સામનો કરવો પડયો છે. આ વિજય સાથે બાંગ્લાદેશે નેપાળ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

વરસાદના વિઘ્નને કારણે આ મેચ ૩૨ ઓવરની નિર્ધારિત કરાઈ હતી જેમાં  બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. પૃથ્વી શો અને શુભમ ગીલ જેવા બે મહત્ત્વના બેટ્સમેનોની ગેરહાજરીમાં કોઇ પણ ભારતીય બેટ્સમેન એક પણ અર્ધ સદી ફટકારી શક્યો નહોતો. મેચની અધવચ્ચે ભારતીય ટીમે ચાર વિકેટ ગુમાવી ૮૫ રન બનાવી લીધા હતા. ટીમ તરફથી સાતમા નંબરે બેટિંગમાં આવેલા સલમાન ખાને અણનમ ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત હાર્વિક દેસાઇએ ૨૧ અને અનુજ રાવતે ૩૪ રન બનાવ્યા હતા. ડુ ઓર ડાઇ મુકાબલામાં ભારતની અંતિમ ચાર વિકેટોએ ૭૧ રન બનાવ્યા હતા.

જવાબમાં બાંગ્લાદેશના ઓપનિંગ બેટ્સમેનો પિનાક ઘોષ અને મોહંમદ નઇમ શેખે શાનદાર શરૂઆત કરતા ૮૨ રનની ભાગીદારી નાંધોવી હતી. તે પછી પણ ઘોષ પોતાની શાનદાર બેટિંગ જાળવી રાખી હતી અને તૌહીદ હૃદોય સાથે ત્રીજી વિકેટ માટે અણનમ ૮૩ રન જોડી બાંગ્લાદેશને જીત અપાવી દીધી હતી. ભારતીય ટીમના આ પ્રદર્શનથી કોચ રાહુલ દ્રવિડ ચોક્કસ નિરાશ થયો હતો. દ્રવિડે આગામી વર્ષે ન્યૂઝીલેન્ડમાં આયોજિત થનારા અંડર-૧૯ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી આ ટૂર્નામેન્ટ માટે ટીમમાં કેટલાક બદલાવ કરી નવા ખેલાડીઓને તક આપી હતી.

બીજી બાજુ ગ્રૂપ ‘A’માં અફઘાનિસ્તાને યુનાઇટેડ આરબ અમીરાતને ૧૩૪ રને હરાવી પાકિસ્તાન સાથે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાને પાકિસ્તાન કરતાં વધુ સારો રન રેટ મેળવી ગ્રૂપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ગ્રૂપ ‘છ’ના અન્ય મુકાબલામાં નેપાળે યજમાન મલેશિયાને આઠ વિકેટે હરાવી બાંગ્લાદેશ સામે સેમિફાઇનલ નિશ્ચિત કર્યું હતું. વરસાદના વિઘ્ન વચ્ચે મેચ ૨૪ ઓવરની કરવામાં આવી હતી. મલેશિયાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને એક સમયે સ્કોર વિના વિકેટે ૪૫ રન હતો. અહીથી જ નેપાળના બોલરોની ઘાતક બોલિંગ સામે મલેશિયાની ટીમ ફક્ત ૧૨ રન ઉમેરી ઓલઆઉટ થઇ ગઇ હતી. જવાબમાં નેપાળની ટીમે ૫.૨ ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો.