ગત વર્ષે 1,155 બેડનું બજેટ 164 કરોડ તો આ વર્ષે 500 બેડનું બજેટ 172 કરોડ! - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગત વર્ષે 1,155 બેડનું બજેટ 164 કરોડ તો આ વર્ષે 500 બેડનું બજેટ 172 કરોડ!

ગત વર્ષે 1,155 બેડનું બજેટ 164 કરોડ તો આ વર્ષે 500 બેડનું બજેટ 172 કરોડ!

 | 8:00 am IST

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશો વીએસ હોસ્પિટલની પથારી ૧,૧૫૫થી ઘટાડીને ૫૦૦ કરી દેવાનો વિવાદાસ્પદ નિર્ણય કર્યા બાદ ભરાઇ પડયાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આજે મળેલી વીએસ વ્યવસ્થાપક મંડળની બેઠકમાં સુ૫રિન્ટેન્ડેન્ટ દ્વારા વીએસ હોસ્પિટલનું વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતુ પણ આ બજેટ કેટલી પથારીઓનું છે તેની કોઇ ચોખવટ કરાઇ ન હતી. ગત વર્ષે વીએસ હોસ્પિટલની પથારીઓની સંખ્યા ૧,૧૫૫ હતી તો બજેટ રૂ.૧૬૪.૯૮ કરોડનું હતુ જ્યારે આ વર્ષે પથારીઓની સંખ્યામાં ૭૦૦નો ઘટાડો કરાયો છે તો બજેટ વધીને રૂ.૧૭૨.૭૦ કરોડનું થયું છે. આમ પથારીઓની સંખ્યા ઘટે તો બજેટ ઘટવું જોઇએ તેની જગ્યાએ બજેટમાં અંદાજિત ૭.૭૦ કરોડનો તોતિંગ વધારો જોવા મળ્યો છે જે અંગેનો ફોડ પાડવાની સ્થિતિમાં કોઇ દેખાતુ નથી.

વીએસ હોસ્પિટલના સુ૫રિન્ટેન્ડેન્ટ દ્વારા વીએસ વ્યવસ્થાપક મંડળની બેઠકમાં વર્ષ ૨૦૧૯-૨૦નું ડ્રાફ્ટ બજેટ મૂકવામાં આવ્યું હતુ જેમાં બજેટનું કદ રૂ.૧૭૨.૭૦ કરોડ દર્શાવાયું છે જેમાં વીએસ હોસ્પિટલની આવક રૂ.૫.૨૭ કરોડ દર્શાવી છે તો રાજ્ય સરકાર પાસે બે કરોડની ગ્રાંટ મળશે જ્યારે રૂ.૧૬૫.૪૨ કરોડની ગ્રાંટ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચૂકવાશે તેમ દર્શાવાયું છે. વીએસ હોસ્પિટલના એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ પેટે રૂ.૧૫૪.૦૯ કરોડનો ખર્ચ દર્શાવ્યો છે તો મેડિકલ, સર્જીકલ, દવાઓ પાછળ રૂ.૪.૯૧ કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. સ્ટોર્સ ખર્ચ ૧.૯૪ કરોડ, મરામત અને નિભાવ ખર્ચ રૂ.૧.૭૧ કરોડ, ફ્યુઅલ ખર્ચ ૧.૨૨ કરોડ, આઉટ ર્સોિસગ, સિક્યોરિટી, હાઉસકિપિંગનો ખર્ચ ૮૦ લાખ તથા અન્ય ખર્ચ ૩.૨૩ કરોડ દર્શાવ્યો છે. આમ નોન સ્ટેબ્લિશમેન્ટ ખર્ચ ૧૩.૮૨ કરોડ દર્શાવ્યો છે. મુખ્ય બિલ્ડિંગ અને સીએમએચ બિલ્ડીંગમાં લિફ્ટ ગણી જુની થઇ ગઇ છે જેથી નવી લિફ્ટ માટે ૭૮.૪૦ લાખ જ્યારે જૂના ટાવરવાળા બિલ્ડિંગમાં વેધરશેડ તથા રેટ્રોફિટિંગ માટે બે કરોડનો ખર્ચ મૂક્યો છે. અસામાન્ય ખર્ચ માટે બજેટમાં રૂ.૪.૭૮ કરોડની જોગવાઇ કરાઇ છે.

વીએસના એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચમાંથી થશે નવી હોસ્પિટલના સ્ટાફનો પગાર

અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓએ હોંશે હોંશે નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ શરૂ કરવાના બણગાં ફુંકી રહ્યાં છે પણ હાલ તો જુની વીએસ હોસ્પિટલનો તમામ સ્ટાફ નવી હોસ્પિટલમાં તબદીલ કરાયો છે જેથી સ્થિતિ એવી છે કે, જૂની હોસ્પિટલના એસ્ટાબલીશમેન્ટ ખર્ચમાંથી જ નવી હોસ્પિટલમાં મૂકાયેલા ડોક્ટર સહિતના સ્ટાફનો પગાર થશે જે મેટમાં ગણવામાં આવશે જો ખરેખર મેટ જ તમામ ડોક્ટર સહિતના સ્ટાફનો પગાર કરવાનું હોય તો વીએસ હોસ્પિટલનો એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ ઘટવો જોઇએ જેના બદલે તે ખર્ચ વધી રહ્યો છે.

ટ્રસ્ટીઓની ગેરહાજરીમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, હોબાળો પણ મચ્યો

વીએસ હોસ્પિટલની પથારીઓ ઘટાડવાના મુદ્દે ટ્રસ્ટીગણ નારાજ છે જેથી આજે સુ૫રિન્ટેન્ડેન્ટે વીએસ હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ મૂક્યું ત્યારે બેઠકમાં ટ્રસ્ટીઓ હાજર હતા નહીં. ટ્રસ્ટીઓની રાહ જોયા વિના જ ઉતાવળે બજેટનો ડ્રાફ્ટ મૂકી મંજૂર કરી દેવાયો હતો કેમ કે, પ્રશ્ન એવો હતો કે, બજેટમાં પથારીઓની સંખ્યા કેટલી તેવો પ્રશ્ન ઊઠયો હતો જોકે, સુ૫રિન્ટેન્ડેન્ટે એવો લૂલો તર્ક રજુ કર્યો હતો કે, મામલો કોર્ટમાં હોવાથી તેઓ પથારીની સંખ્યા જાહેર કરી રહ્યાં નથી. મ્યુનિ.ના અધિકારીઓએ ટ્રસ્ટી એવા નિશિથ શાહને પ્રેસને સંબોધતા અટકાવ્યા હતા જેથી વીએસમાં ભારે હોબાળો મચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;