દેવળોને લૂંટનારો ગુનેગાર સદવર્તનથી સુધરી ગયો - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • દેવળોને લૂંટનારો ગુનેગાર સદવર્તનથી સુધરી ગયો

દેવળોને લૂંટનારો ગુનેગાર સદવર્તનથી સુધરી ગયો

 | 12:41 am IST

વિચારદંગલ : વસંત કામદાર

અમેરિકાનાં ઓકલાનાં બ્રોકન એરો ખાતે આવેલાં એક ચર્ચમાં ચોરી થઈ. ચોરો ચર્ચમાંથી કેમેરા, કમ્પ્યૂટર, સાઉન્ડ એમ્પ્લીફાયર, ગીટાર અને એવાં બીજા કેટલાક ઈલેક્ટ્રોનિક સાધનો ઉપાડી ગયા. આ ઘટનાનાં થોડાં સમય બાદ એ જ વિસ્તારમાં આવેલા બીજા એક દેવળમાં ચોરી થઈ. એ ચોરીની ચર્ચાઓ શમે એ પહેલા તો ચાર મહિનાના ટૂંકા ગાળામાં આસપાસના વિસ્તારોનાં કુલ ૧૧ દેવળોમાં ચોરી થઈ અને ચારે બાજુ ચકચાર મચી ગઈ. અખબારોએ અને ટી.વી.ચેનલોએ આ ચોરીઓ વિશે કાગારોળ મચાવી દીધી. વિવિધ ધાર્મિક સંગઠનોએ સભા સરઘસો ગોઠવી સત્તાવાળાઓની ઊંઘ હરામ કરી દીધી. જો કે આ બધી ચોરીઓની મોડસ ઓપરેન્ડી એક સરખી હતી અને ચોરાતી ચીજ વસ્તુઓનો પ્રકાર પણ લગભગ એકસરખો હતો એટલે પોલીસ માટે એક વાત તો ચોક્કસ હતી કે એ બધી ચોરીઓ પાછળ કોઈ એક જ વ્યક્તિનો હાથ હતો.

દેવળ એ આધ્યાત્મિક અને સામાજિક સ્થાન ગણાતું હોવાથી તેમાં ચોરી થાય એટલે એ દેવળોનાં સભાસદોમાં આક્રોશ પ્રગટે એ સ્વાભાવિક હતું. એ ઉપરાંત અહીં તો ૧૧ જેટલા દેવળોમાં ચોરી થઈ હતી. ચોરોએ ફર્સ્ટ બેપ્ટિસ્ટ ચર્ચ નામે જાણીતા દેવળમાં તો તોડફોડ પણ મચાવી દીધી હતી. તેમણે દેવળની અંદાજીત ૨.૫ લાખ ડોલરની સંપત્તિને નુકસાન કર્યું હતું. આ કિસ્સામાં કરુણતા તો એ હતી કે દેવળનાં સભાસદોએ થોડાક સમય પહેલાં જ દાન ઉઘરાવીને નાણાં એકઠા કર્યા હતાં અને એ નાણાંમાંથી વસાવવામાં આવેલી ચીજ વસ્તુઓ તથા દેવળનાં ફર્નિચરને ચોરોએ તારાજ કરી દીધું હતું.

એ દેવળનાં પાસ્ટર નીક ગારલેન્ડે એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે દેવળોમાં થયેલી ચોરીઓ અને તોડફોડ અમારા બધાને માટે પીડાકારક હતી કારણ કે અમે લાંબા સમયથી દાન ઉઘરાવીને દેવળને સજાવ્યું હતું અને ચોરીનાં લીધે અમે મહેનત કરીને એકઠા કરેલાં અમારા એ નાણાં એેળે ગયાં હતાં. અમે બધાં જ એવું ઈચ્છતા હતા કે પોલીસ વહેલામાં વહેલી તકે એ ચોરને પકડી લે અને યોગ્ય શિક્ષા કરે.

જો કે અમેરિકાની હાઈ ટેક પોલીસ માટે આ ચોરોને પકડવાનું કામ અઘરું નહોતું એટલે ગણતરીના દિવસોમાં તો ચોર ઝડપાઈ પણ ગયા. આશ્ચર્યની વાત એ હતી કે આ ચોરો કોઈ રીઢા ઘરફોડીયા નહોતાં, પરંતુ નવા સવા ચોરીના રવાડે ચડેલાં બે ત્રણ લબરમૂછીયા જુવાનો હતાં. તેમાંનાં મુખ્ય ચોરનું નામ હતું જયોર્જ એંગ્વીલર…અને તેની ઉંમર હતી કેવળ ૨૦ વર્ષ.

જયોર્જ એગ્વીલર ઝડપાઈ ગયો એટલે તેને ભારેમાં ભારે શિક્ષા થાય એ માટે અખબારોએ અને વિવિધ ધાર્મિક જૂથોએ માંગ કરી અને અમેરિકન સત્તાવાળાઓએ એ ચોર વધારે આતંક મચાવે એ પહેલા તેને જેલનાં સળીયા પાછળ ધકેલી પણ દીધો.

સામાન્ય રીતે તો અહીં આ પ્રકરણનો અંત આવી જવો જોઈતો હતો, પરંતુ આ પ્રકરણની તો ખરી શરૂઆત જ અહીંથી થઈ. જેલભેગા થઈ ગયેલા જુવાન જયોર્જનાં મનમાં રાત-દિવસ મંથન ચાલી રહ્યું હતું. તેને લાગતું હતું કે તેનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને હવે તેની શિક્ષા વેઠયા વગર કોઈ આરો નથી. તેની આંખો પસ્તાવાનાં આંસુઓથી છલકાતી હતી. તેણે જે દેવળોમાં ચોરીઓ કરી હતી એ દેવળોની માફી માંગવાનો નિર્ણય કર્યો.

તેણે જેલમાંથી એ દેવળો ઉપર માફી પત્રો લખ્યા અને તેને કયા સંજોગવશ એ ચોરીઓ કરવી પડી તેની વિગતો તેમાં લખી. તેણે એ પત્રમાં પોતાની આપવીતી લખતાં જણાવ્યું હતું કે એ તેનાં પિતાની સાથે કમાણીની શોધમાં અલ સાલ્વાડોરથી અહીં આવીને વસ્યો હતો. એ વખતે તેની ઉંમર કેવળ ૧૦ વર્ષની હતી. તેમને અહીં રહેવા માટે ઘર ન મળ્યું કે રોજી રોટી કમાવા માટે સારી નોકરીઓ ન મળી. તે મોટો થયો પણ નાણાં વિના તો એ શી રીતે ભણીગણી શકે? મને મારા જેવાં કેટલાક રખડતાં રઝળતાં જુવાનીયાઓ મળી ગયાં. આ બેરોજગાર જુવાનો ગમે ત્યાં હાથ સાફ કરી લેતાં અને એ ચોરીની ચીજ વસ્તુઓ વેચીને તેમાંથી હાથખર્ચી મેળવી લેતાં.હું પણ એ શીખ્યો.

જયોર્જની માતા તેનાં નાના ભાઈને લઈને અલ સાલ્વાડોર ખાતે રહેતી હતી. તેમણે નાણાંની જરૂર હતી અને અહીં જયોર્જ અને તેનાં પિતા બેરોજગારી સામે ઝઝૂમી રહ્યા હતા. આવી સ્થિતિમાં જયોર્જને ચોરીમાં જોડાવા માટે તેનાં ભાઈબંધોએ હિંમત આપી અને જયોર્જ ચોરીનાં રવાડે ચઢી ગયો. તેમને ચોરી કરવા માટે સહુથી સરળ જગ્યા એટલે કે દેવળો મળી ગયાં અને તેમણે ટૂંકા ગાળામાં જ અનેક દેવળોમાં ચોરી કરી નાંખી.

જયોર્જનાં આ માફી પત્રથી એક દેવળનાં પાદરીનું હૃદય પીગળાવી દીધું અને તેમણે તેમનાં એક પોલીસ અધિકારી મિત્રની મદદથી એ જુવાન ચોરને જેલમાં જઈને મળવાની પરવાનગી મેળવી લીધી. તેમનાં મનમાં એ ચોર માટે જે કડવાશ અને ઘ્રુણા હતી એ ઓસરી ગઈ અને તેઓ ખૂબ જ પ્રેમપૂર્વક એ ચોરને જેલમાં જઈને મળ્યા. પાદરીને જેલમાં મળવા આવેલા જોઈ જ્યોર્જ રડી પડયો. તેણે રડતી આંખે પાસ્ટર ગારલેન્ડ સમક્ષ ક્ષમાયાચના કરી. પાદરી આનંદ અને આભાર સાથે જયોર્જને ભેટી પડયા. તેમની આંખમાં પણ આંસુ હતાં. જયોર્જ માટે આવો પ્રેમ એ અકલ્પનીય બાબત હતી. પોતાનાં દેવળમાં ચોરી કરનાર અને તોડફોડ કરનાર ચોરને પ્રેમપૂર્વક માફી આપી ગળે લગાડનાર એ પાદરી માટે જયોર્જના હૃદયમાં અનહદ માન ઉપજ્યું.

પાદરીએ એ પછી તેમનાં દેવળમાં આવનારા લોકોને જયોર્જની સમગ્ર આપવીતી જણાવી. તેણે કયા સંજોગોમાં ચોરીઓ કરી હતી એ વિશે પણ વાત કરી અને જયોર્જને માફી આપવા માટે વિનંતી કરી. પાદરીની વિનંતીને માન આપી આખા દેવળે જયોર્જને ઉમળકાભેર માફી આપી. જયોર્જ તેનો જેલવાસ પૂરો કરીને બહાર આવ્યો ત્યારે તો તેને આવકારવા માટે દેવળનાં બધા જ સભ્યો હાથમાં પુષ્પો સાથે જેલનાં દરવાજે ઊભા હતાં. તેઓ બધા જ જયોર્જને જાણે કે તેનાં સ્વજનો હોય એમ ભેટયા અને બધાએ જયોર્જને તેમનાં દેવળનાં એક નવા સભ્ય તરીકે વધાવી લીધો.

હવેથી જયોર્જને ચોરી કરવાની જરૂર ના પડે એ માટે એ સભ્યોએ તેના માટે ઘરની વ્યવસ્થા કરી દીધી. તેના માટે ત્રણ નોકરીઓ તૈયાર હતી. કેટલાક સભ્યોએ અલ સાલ્વાડોરમાં રહેતી તેની માતાને મોકલવા માટે સારા એવા નાણાંની જોગવાઈ પણ કરી દીધી. જયોર્જને દેવળનાં લોકોએ દર્શાવેલા પ્રેમમાં ગજબનો અનુભવ થયો અને એ જ પળે તેનું જીવન બદલાઈ ગયું. હવે તેણે ધર્મગુરુ બનવાનો નિર્ણય કર્યો. તેને દેવળનાં સભ્યોએ એક જાણીતી આધ્યાત્મિક કોલેજમાં મોકલી આપ્યો. તે થોડાંક વર્ષો બાદ ધર્મગુરુ બનીને કોલેજમાંથી બહાર આવ્યો. જે દેવળમાં લૂંટફાટ કરી હતી એ જ દેવળનાં પાદરી તરીકે તેને નિમણૂક મળી અને તેણે એ જ દેવળમાં પ્રેમ થકી શક્ય બનતા એક ગુનેગારના જીવન પરિવર્તન વિશે સંદેશ આપ્યો.

[email protected]