ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂ વિરુદ્ધ લાંચ અને છેતરપિંડી જેવા આક્ષેપ - Sandesh
  • Home
  • Newspaper
  • ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂ વિરુદ્ધ લાંચ અને છેતરપિંડી જેવા આક્ષેપ

ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂ વિરુદ્ધ લાંચ અને છેતરપિંડી જેવા આક્ષેપ

 | 3:08 am IST

। યેરૂસાલેમ  ।

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાના આક્ષેપ થયા છે. દેશના ઇતિહાસમાં પહેલી જ વાર કોઇક વડા પ્રધાન સામે આવા ગંભીર આક્ષેપ થયા છે. એટર્ની જનરલ એવિશાય મંડેલબ્લિટે ગુરુવારે નેતન્યાહૂ વિરુદ્ધ કોર્ટમાં ૬૩ પાનાનું આરોપનામું રજૂ કર્યું હતું. ત્રણ મહિનાની તપાસને અંતે આ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું છે. નેતન્યાહૂ ઇઝરાયેલમાં સૌથી વધુ સમય માટે વડા પ્રધાન પદ ધરાવનારા નેતા છે. આરોપપત્રમાં જણાવ્યા મુજબ નેતન્યાહૂ અને તેમના પત્ની સારાને અન્યને રાજકીય લાભ પહોંચાડવા બદલ રૂપિયા ૧.૮૬ કરોડ (૨.૬ લાખ ડોલર) જેટલી કિંમતની મોંઘી ભેટો મળી હતી. તેમણે હકારાત્મક સમાચાર છપાવવા માટે બે મીડિયા હાઉસની મધ્યસ્થતા પણ કરી હતી. મીડિયા હાઉસને લાભ પહોંચાડવા સાંસદો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

નેતન્યાહૂએ આરોપો ફગાવી દીધા 

નેતન્યાહૂ પોતાના પર લાગેલા આરોપોને હંમેશાં ફગાવતા આવ્યા છે. પોતે રાજકીય ષડયંત્રનો ભોગ બન્યા હોવાનું કહીને નેતન્યાહૂ હંમેશાં પોતાનો બચાવ કરતા આવ્યા છે. ઓક્ટોબરમાં તેમની કાનૂની ટીમે પ્રોસિક્યુટર્સ સાથે ચાર દિવસ સુધી દલીલો પણ કરી હતી. તેમની કાનૂન ટીમે વડા પ્રધાન પર લાગેલા આક્ષેપ રદ કરવા કે ઘટાડવાની માગણી કરી હતી. તેમ છતાં કેસમાં કોઇ ફેરફાર નથી થયો.

મેં ભારે મને નિર્ણય લીધો : એટર્ની જનરલ

એટર્ની જનરલ મંડેલબ્લિટે આરોપપત્ર દાખલ કરતાં જણાવ્યું હતું કે , ‘મેં ખુબ ભારે મને આ નિર્ણય લીધો છે, પરંતુ નિર્ણય કાયદા પ્રતિની પૂરી પ્રતિબદ્ધતા સાથે લેવાયો છે. મારી ફરજ બની રહે છે કે ઇઝરાયલના લોકો માટે તે સુનિશ્ચિત કરું કે તેઓ એક એવા દેશમાં રહે છે કે જ્યાં કાયદાથી ઉપર કોઇ નથી. ભ્રષ્ટાચાર સંબંધી શંકાઓની પૂરી તપાસ થતી હોય છે. કાયદાનું પાલન કરવામાં વિવેકને સ્થાન નથી. કાયદાનું પાલન કરવું બધા માટે ફરજિયાત છે, અને તમામે તેમ માનવું જોઇએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન