વડા પ્રધાનની નેપાળ મુલાકાત : પાડોશી દેશને રીઝવવાનો પ્રયાસ - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • વડા પ્રધાનની નેપાળ મુલાકાત : પાડોશી દેશને રીઝવવાનો પ્રયાસ

વડા પ્રધાનની નેપાળ મુલાકાત : પાડોશી દેશને રીઝવવાનો પ્રયાસ

 | 4:20 am IST

ઓવર વ્યૂ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પાડોશી દેશ નેપાળની મુલાકાત લીધી. નેપાળની મુલાકાત વખતે તેઓ એક શક્તિશાળી દેશનાં વડા પ્રધાન ઓછા અને એક હિંદુ શ્રદ્ધાળુ વધુ નજર આવ્યા. પ્રાચીન મિથીલાનગરીમાં રામ જાનકી મંદિરમાં દર્શન કર્યા ઉપરાંત તેમણે નાગરિક અભિવાદન કાર્યક્રમમાં પણ ભાગ લીધો. તે પછી કાઠમાંડુ પહોંચીને સ્પષ્ટ એજન્ડા સાથે રાજદ્વારી કાર્યો પણ કર્યા. ભારત પાછા ફરતા સુધીમાં તેમણે આ પાડોશી દેશને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે ભારત પોતાના ભૂતકાળના રાજદ્વારી વલણોમાં ફેરફાર કરવા માગે છે. તેમણે એવો સંદેશો પણ આપ્યો કે નેપાળમાં વધી રહેલી ચીની વગને રોકવા માટે પગલાં લેવા ભારત માટે મહત્ત્વના છે. જોકે વડા પ્રધાન મોદીની નેપાળ મુલાકાતની ફળશ્રુતિ શી રહી તે કહેવું હજી વહેલું કહેવાશે.

એક યાત્રાળુના રૂપમાં નેપાળ પહોંચ્યા હોવાની છાપ છોડવી વડા પ્રધાન મોદી માટે ખૂબ જરૂરી હતું. વર્ષ ૨૦૧૫ -૨૦૧૬મા ભારતે નેપાળ પર આર્થિક બ્લોકેડ લાદ્યા ત્યારે નેપાળવાસીઓએ પાંચ મહિના માટે વેઠેલી મુશ્કેલીઓથી તેઓ પરિચિત હતા. મોદીનાં તે પગલાંએ નેપાળમાં તેમની છબીને ખરડી હતી. મોદીની નેપાળયાત્રા દરમિયાન નેપાળી પોલીસ દ્વારા જપ્ત થયેલા કેટલાંક પોસ્ટરોમાં લખેલું હતું કે, ‘મોદી તમારું સ્વાગત છે પરંતુ બ્લોકેડને અમે ભૂલ્યા નથી.’ આવું એક પોસ્ટર વિવેકશીલ સજહા પાર્ટીના કાર્યાલયે પણ લાગેલું હતું. ભારતનાં વડા પ્રધાન નેપાળની મુલાકાત લે તે પહેલાં ટોચના માઓવાદી નેતા સી.પી.ગાજુરેલની ધરપકડ પણ કરવામાં આવી હતી. બ્લોકેડના સમયમાં વડા પ્રધાન કે.પી.ઓલી ચીન તરફી અને ભારત વિરોધી હોય તેવી માન્યતા સામે આવી હતી. તેમ છતાં મોદીની નેપાળ મુલાકાત વખતે કોઈ અશાંતિ ના સર્જાય તે માટે પ્રયાસશીલ રહ્યા. મોદીની આ મુલાકાત વખતે ઓલીના વલણો સપાટી પર આવ્યા. લાગ્યું કે, નેપાળને ફરી ભારત તરફ વાળવા અને ભારતના મિત્ર બની રહેવા તેઓ તૈયાર છે. મોદીએ બ્લોકેડ વિષે સીધી વાત ના કરી અને તે માટે કોઈ અફસોસ પણ જાહેર ના કર્યો. પરંતુ તે પ્રકરણ સંદર્ભમાં એટલું જ કહ્યું કે,’અનેક આવશે અને જશે પણ ભારત -નેપાળના સંબંધો હંમેશાં જળવાઈ રહેશે.’ વડા પ્રધાન મોદીએ આ પ્રવાસ દરમિયાન જોમસોમ ખાતે આવેલા મુક્તિધામની પણ મુલાકાત લીધી હતી. પરંપરાને અવગણીને વડા પ્રધાન મંદિરના પવિત્ર ગર્ભગૃહમાં પ્રવેશતાં સ્થાનિકોએ વિરોધ પણ કર્યો હતો. મંદિરમાં તેમની તસવીરો લેવાઈ અને જીવંત પ્રસારણ થયું તે સામે પણ વિરોધ થયો. પરંતુ મોદી એક જ સંદેશ આપતા રહ્યાં કે રાજકારણીના તમામ કાર્ય રાજકીય સંદેશ આપે છે.

ઓલી અને મોદીએ રિમોટ સિસ્ટમથી રૂપિયા ૬,૦૦૦ કરોડના ખર્ચે ઊભા થનારા હાઈડ્રોપાવર પ્લાન્ટનો સિલાન્યાસ પણ કર્યો. ૯૦૦ મેગાવોટના આ પ્રોજેક્ટ ઉપરાંત અન્ય વચનોની પણ આપલે થઈ. નેપાળના વિમાનને વધારાની એરસ્પેસ આપવા પણ વિચારણા થઈ. ઓલીએ ગયા મહિને દિલ્હીની મુલાકાત લીધી ત્યારે બિહારના રક્સોલ અને કાઠમાંડુને રેલવે દ્વારા જોડવાના મુદ્દા પર જે વાતચીત થઈ હતી તેના પર પણ ભાર મુકાયો. કાઠમાંડુ ખાતે લોકોને સંબોધતાં તેમણે કહ્યું કે બેઝ કેમ્પથી માઉન્ટ એવરેસ્ટના શિખર સુધી શેરપા ગાઈડની ભૂમિકા નિભાવવા ભારત તૈયાર છે. જનકપુર ખાતે મોદીએ સ્પષ્ટતા કરી કે તેમણે વિસ્તારના વિકાસ માટે રૂપિયા ૧૦૦ કરોડનું જે વચન આપ્યું છે તે વાયા કાઠમાંડુ પહોંચશે, સીધા દિલ્હીથી જનકપુર નહીં પહોંચે. આમ તો ભારતના કોઈ વડા પ્રધાનની નેપાળ મુલાકાત વિવાદ વિહોણી નથી રહેતી. મોદી હજી નેપાળમાં જ હતા ત્યારે ભાજપના સાંસદ કીર્તિ આઝાદે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે’મોદીએ જનકપુરને પાછું ભારતમાં લાવવું જોઈએ.’ યજમાન દેશમાં તેથી કરીને વલયો સર્જાયા. આઝાદે દાવો કર્યો હતો કે ૨૦૦ વર્ષ પહેલાં બ્રિટને જનકપુર નેપાળને સોંપ્યું હતું. આઝાદે કોઈ ઐતિહાસિક પુરાવા વિના જ દાવો કરી દીધો હતો. નેપાળ કોંગ્રેસના નાયબ વડા પ્રધાન બિમલેન્દ્ર નિધિએ પ્રતિક્રિયા આપી હતી કે કીર્તિ આઝાદને દેશના શત્રુ જાહેર કરવામાં આવે. તો જનકપુરના મુખ્ય પ્રધાન મહમદ લાલબાબુ રાઉતે મોદીને ફરિયાદ કરી હતી કે નેપાળનું બંધારણ મધેસી તરફ પક્ષપાતી વલણ ધરાવે છે. મોદીની જાહેરસભા વખતે કેટલાંક લોકો ‘ફ્રી મધેસ’ના પ્લેકાર્ડ સાથે પણ પહોંચી ગયા હતા.

;