Prithviraj Chavan Says NCP-Congress Talks Fruitful, Shiva Sena Confused
  • Home
  • Featured
  • શિવસેનાનું ભાવી અદ્ધરતાલ, કોંગ્રેસ-એનસીપીની બેઠકમાં કોઈ નિર્ણય જ ના લેવાયો

શિવસેનાનું ભાવી અદ્ધરતાલ, કોંગ્રેસ-એનસીપીની બેઠકમાં કોઈ નિર્ણય જ ના લેવાયો

 | 11:27 pm IST

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને છેલ્લા કેટલાક દિવસથી પ્રયાસ કરી રહેલા શિવસેના-એનસીપી-કોંગ્રેસ આજે આગળ વધતા જણાયા. દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે બેઠક બાદ કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચોહાણે કહ્યું હતું કે અમારી વચ્ચે સકારાત્મક વાત થઈ છે. જોકે પૃથ્વીરાજ ચૌહાણે શિવસેના સાથે ગઠબંધન પર સહમતિને લઈને કોઈ સચોટ જવાબ આપ્યો નહોતો.

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ અને એનસીપી નેતાઓ વચ્ચે મુલાકાત થઇ. તેમાં અહેમદ પટેલ, વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, એ.કે.એન્ટની અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ઉપસ્થિત હતા.બેઠક બાદ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે, કોંગ્રેસ એનસીપી વચ્ચે આજે લાંબી અને સકારાત્મક વાતચીત થઇ. વાતચીત આગળ પણ ચાલુ રહેશે. મને આશા છે કે અમે ટૂંક સમયમાં જ મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકાર બનાવવામાં સફળ થઇશું.

પૃથ્વીરાજ ચવાણે ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલી અસ્થિરતા અને સરકાર રચવાને લઈ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ. હજી પણ આ મામલે વાતચીત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકારની જરૂર છે. છેલ્લા 20 દિવસથી રાજ્યમાં અસ્થિરતા વ્યાપેલી છે. હજી સરકાર રચવાને લઈને કેટલાક મુદ્દે વાતચીત બાકી છે, જેના પર આજ કે કાલ સુધીમાં ચર્ચા થશે.

આ પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પવારે પ્રધાનમંત્રીને આપેલા પત્રમાં લખ્યું હતું કે, મેં બે જિલ્લા(મરાઠવાડા અને વિદર્ભ)માં ભારે વરસાદના લીધે બરબાદ થયેલા પાકનો ડેટા એકત્ર કર્યો હતો. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે તેથી તમારે આ મામલામાં દખલ આપવી જરૂરી છે. જો તમે પ્રભાવિત ખેડૂતોની મદદ માટે કોઇ ત્વરિત નિર્ણય લેશો તો હું તમારો આભારી રહીશ. આ વિષય પર હું હજુ વધુ જાણકારી એકઠી કરી રહ્યો છું. તમને જલ્દીથી મોકલીશ.

રાઉતે ભર્યો હુંકાર

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, ગુરૂવાર સુધી સરકાર ગઠનને લઇને સ્થિતિ સ્પષટ થઇ જશે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં નવી સરકારનું ગઠન થઇ જશે. તેમણે કહ્યું કે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી ભાજપ સ્થિર સરકાર નથી આપી શકતી. તેથી અન્ય પાર્ટીઓ પર આ જવાબદારી આવી જાય છે કે તેઓ રાજ્યમાં સ્થિર સરકાર આપે.

શરદ પવાર અને પ્રધાનમંત્રી મોદીની મુલાકાત વિશે પૂછવામાં આવતા કહ્યું કે જો પીએમથી કોઇ નેતા મળે છે તો શું માત્ર ખિચડી જ બનતી હોય છે ? કાલે જો ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના મુદ્દે તેમને મળો તો શું માત્ર ખિચડી રંધાય છે ? શરદ પવાર કૃષિ ક્ષેત્રના જાણકાર વ્યક્તિ છે અને બે દિવસ પહેલા અમે તેમને આગ્રહ કર્યો હતો કે તેઓ રાજ્યના ખેડૂતોની સમસ્યાઓ પીએમ મોદી સમક્ષ રાખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન