Priyanka and Indira Sari's photos viral at Surat in Gujarat
  • Home
  • Gujarat
  • વડાપ્રધાન મોદી પ્રિન્ટની સાડીએ ધૂમ મચાવતા કોંગ્રેસે કરી આવી નકલ

વડાપ્રધાન મોદી પ્રિન્ટની સાડીએ ધૂમ મચાવતા કોંગ્રેસે કરી આવી નકલ

 | 8:55 am IST

તાજેતરમાં પ્રસિધ્ધ થએલા મોદી સાડીના અહેવાલો પછી કોંગ્રેસના ખેમામાં અનુકરણની સ્પર્ધાનો ઉચાટ દેખાયો છે. કોંગ્રેસ સમર્થક કેટલાક સોશ્યલ મિડીયા ગૃપમાં પ્રિયંકાજી અને ઇન્દિરા ગાંધીની તસવીરોવાળી પ્રિન્ટ સાડી વાઇરલ થઇ રહી છે. અલબત વાસ્તવિકતાની તપાસ કરતા આવી સાડીઓ બજારમાં કયાંય જોવા મળતી નથી.

શહેરના કાપડ માર્કેટ સાથે સંકળાયેલાઓમાં છેલ્લા બે દિવસથી પ્રિયંકા-ઇન્દિરા સાડીના ફોટા વાયરલ થયા છે. તસવીરમાં દેખાતી આ સાડીમાં હાલમાં જ કોંગ્રેસના રાષ્ટ્રિય મહામંત્રી તરીકેની જવાબદારી સ્વીકારનારા પ્રિયંકા ગાંધીની લાલ સાડી સાથેની તસ્વીર પ્રિન્ટ કરાઇ છે. જેની સાથે તેમના દાદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની તસ્વીર પણ દર્શાવાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષના નિશાન પંજાને પણ આવરી લેવાયો છે. અન્ય એક સાડીની ડિઝાઇનમાં પ્રિયંકા ગાંધીના જુદા જુદા પોઝ સાથેના ફોટા લેવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના મહાકાય ટેકસટાઇલ માર્કેટમાં કયાંય આવી કોઇ દુકાનમાં સમ ખાવા પુરતી પણ દેખાતી નથી. સુરતમાં ડીજીટલ પ્રિન્ટનું કામ કરતા સાડી ઉત્પાદકો આવી કોઇ કોંગ્રેસી સાડીના ઓર્ડર મળ્યા હોવાનો ઇનકાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ડીજીટલ પ્રિન્ટની સાડીનું ઉત્પાદન દેશના ઘણા ભાગોમાં થાય છે.

ત્યા કોઇ આવી સાડી કોંગ્રેસના ઓર્ડરથી પ્રિન્ટ થઇ હોય તો તેની વિગતો પ્રાપ્ત નથી. બાકી સુરતના બજારમાં પ્રિયંકા-ઇન્દિરા સાડી ફકત સોશ્યલ મિડીયાની તસવીરોમાં ઉપલબ્ધ છે. જાણકાર રાજકીય સમીક્ષકો આ અંગે રમુજ કરતા કહી રહ્યા છે કે વાઇરલ થએલી પ્રિયંકા-ઇન્દિરા સાડી વાસ્તવિક ફલક પર કોંગ્રેસના અસ્તિત્વ જેવી જ છે.

ફોસ્ટાના રંગનાથ શારદાએ જણાવ્યુ હતુ કે, ડિજીટલ પ્રિન્ટ દ્વારા સાડી તૈયાર કરાઇ હોવાનુ જણાય છે. પરંતુ, કોના દ્વારા આ સાડી તૈયાર કરવામાં આવી તેની કોઇ માહિતી નથી. વેપારીઓના ગૃપ ફોસ્ટામાં આ ફોટા પોસ્ટ કરનારા વેપારી સંજય સોનીએ જણાવ્યુ હતુ કે, ફોટા અને માર્કેટની દુકાનની ડિઝાઇન જોતા સુરત બહારના અન્ય કોઇ માર્કેટની શોપ હોય તેવું જણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન