Priyanka Gandhi Active ahead of Uttar Pradesh Election
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીની મહેનત રંગ લાવશે?

શું ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીની મહેનત રંગ લાવશે?

 | 10:55 pm IST
  • Share

  • લખીમપુર ખીરી કાંડ બાદ ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા
  • શું પ્રિયંકા ગાંધીની આક્રમક્તાનો કોંગ્રેસને ફાયદો થશે?
  • આ વખતની ચૂંટણીમાં સપાએ છોડ્યો કોંગ્રેસનો સાથ

એવું કહેવાય છે કે, દિલ્હીમાં સત્તાનો માર્ગ ઉત્તર પ્રદેશ થઈને જ જાય છે. આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના પગલે તમામ રાજકીય પાર્ટીઓ વર્તમાન યોગી સરકારને ઘેરવાની કોઈ તક જતી કરવા નથી માંગતી. લખીમપુર ખીરી હિંસા કાંડ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની સક્રિયતાએ સૌ કોઈનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે.

આગામી વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી કાંડ બાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં પ્રિયંકા ગાંધીની છબીને એક આક્રામક નેતા તરીકે ઉભરી છે. તેઓ રાજ્યની સત્તાધારી પાર્ટીને સતત આડેહાથ લઈ રહી છે. એવામાં સવાલ એ થાય કે, શું પ્રિયંકા ગાંધીની આક્રામક્તાનો આવનારા દિવસમાં કોંગ્રેસને ફાયદો થશે?

લખીમપુર ખીરીમાં 8 લોકોના મોત બાદ 3 ઑક્ટોબરની રાત્રે પ્રિયંકા ગાંધી લખનઉ પહોંચી ગયા હતા. જ્યાં ઉત્તર પ્રદેશ પોલીસની મનાઈ હોવા છતાં તેઓ નીકળી પડ્યા. જો કે બાદમાં 10 કલાક બાદ લખીમપુરના પાડોશી જિલ્લા સીતાપુરમાંથી પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી.

લગભગ 60 કલાક સુધી અટકાયતમાં રહેવા દરમિયાન પણ પ્રિયંકા ગાંધી સતત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના સંપર્કમાં રહ્યાં. આ દરમિયાન તેમની એક પોસ્ટમાં તેઓ પોલીસ ગેસ્ટ હાઉસમાં કચરો વાળતા જોવા મળ્યા હતા. જો કે પાછળથી પ્રિયંકા ગાંધીને છોડી મૂકવામાં આવ્યા. પ્રિયંકા ગાંધીએ છૂટ્યા બાદ પણ દલિતોની વસાહતમાં જઈને કચરો વાળ્યો જેની ખૂબ જ ચર્ચા પણ થઈ. આ સાથે જ તેમણે ભાજપ નેતાઓને આડેહાથ લેતા કહ્યું કે, તેઓ દલિત વિરોધી છે.

લખીમપુર ખીરી હિંસામાં પીડિત ખેડૂતોના પરિવારને પણ પ્રિયંકા ગાંધી મળવા પહોંચ્યા. જ્યાં તેમણે હિંસામાં મોતને ભેટેલા પત્રકારોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી. આટલું જ નહીં, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેઓ ભાજપના એ કાર્યકર્તાઓને પણ મળવા માંગે છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રિયંકા ગાંધી વડાપ્રધાન મોદીના સંસદીય વિસ્તાર એવા વારાણસી પણ જઈ આવ્યા, જ્યાં કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને પૂજા પણ કરી.

સ્વાભાવિક છે કે, લખીમપુર હિંસા બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં કોંગ્રેસની અંદર નવા પ્રાણ ફૂંકાયા છે. ખાસ કરીને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં પાર્ટીએ ગુમાવેલો જનાધાર પરત મેળવવા માટે કોઈ કસર છોડવા નથી માંગતા. પ્રિયંકા ગાંધીની મહેનતથી કોંગ્રેસને એક મોટો ફાયદો એ થયો કે, મીડિયા અને પબ્લિકમાં કોંગ્રેસની ચર્ચા થવા લાગી. જો કે એ જોવું રસપ્રદ રહેશે કે, આગામી 5 મહિના સુધી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં કોંગ્રેસની રણનીતિ કેટલી અસરકારક રહે છે?

વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જો કે આ વખતે પરિસ્થિતિ એવી નથી અને સપાએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. એવામાં સ્પષ્ટ છે કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધી પર જ આધાર રાખવાનો રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો