ઈનામો અને આશ્વાસન ઈનામો - Sandesh

ઈનામો અને આશ્વાસન ઈનામો

 | 12:15 am IST

લાઉડમાઉથ :- સૌરભ શાહ

આપણે દોટ મૂકીએ છીએ ગોલ્ડ મેડલ મેળવવા. પ્રથમ ક્રમાંકે ન આવીએ ત્યારે બીજો નંબર મેળવીને ખુશ થઈએ છીએ અને બીજા ન આવીએ ત્યારે ત્રીજો-કાંસાનો ચંદ્રક લઈને ખુશ થઈએ છીએ. ક્યારેક આ ત્રણેય ઈનામો લાયક ન હોઈએ તો કોન્સોલેશન પ્રાઈઝ મળી જતું હોય છે, આશ્વાસન ઈનામ. આશાઓનો ભંગ થાય છે ત્યારે આશ્વાસનની જરૂર પડતી હોય છે. આશાઓ ઈનામની. આશાઓ સ્વીકૃતિ પામવાની.

તમે શું માનો છો કે સાહિત્યનું નોબેલ પ્રાઈઝ જેમને જેમને મળ્યું છે એ જ લેખકો-કવિઓએ ઉત્તમ સાહિત્ય રચ્યું છે? ઈનામ-અકરામો ન મળ્યાં હોય એવા અનેક ઉત્તમ સાહિત્યકારોએ વાચકોને ન્યાલ કર્યા છે. ઓસ્કાર કે ફિલ્મફેર એવોડ્સ જેમને ન મળ્યાં હોય એવાં ફિલ્મ દિગ્દર્શક, અભિનેતા, અભિનેત્રી, સંગીતકાર વગેરેએ ફિલ્મ દુનિયાને ઘણી મોટી સમૃદ્ધિ આપી છે. આજની તારીખે હોલિવુડની ટોપની સો ફિલ્મોની યાદીમાં અચૂક સિંગલ ડિજિટમાં જેને સ્થાન મળે છે એ ‘શો શેન્ક રિડેમ્પશન’ને એક પણ ઓસ્કાર અવોર્ડ મળ્યો નહોતો અને સાહિત્યનું નોબેલ પારિતોષિક જેમને નથી મળ્યું એવા સાહિત્યકારોની યાદીમાં ર્વિજનિયા વુલ્ફથી માંડીને રોબર્ટ ફ્રોસ્ટ સુધીના અનેક ઉચ્ચ કક્ષાના તથા લોકપ્રિય લેખકો-કવિઓનો સમાવેશ થાય છે.

તો પછી શા માટે ઈનામની આશા રાખવી? શા માટે ઈનામ ન મળે ત્યારે આશ્વાસન ઈનામ લઈને ખુશ થવું? ગોલ્ડ મેડલ મેળવવા માટે સ્ટિરોઈડ અને ડ્રગ્સનો ઉપયોગ કરનારા એથ્લીટ્સથી માંડીને સાયકલવીરોનાં નામ તમને ખબર છે. લક્ષ્ય માત્ર ઈનામ મેળવવાનું જ હોય છે ત્યારે તમારા કામની, તમારી પ્રવૃત્તિની ગુણવત્તા સેકન્ડરી બની જાય છે. તમે માનવા માંડો છો કે મારી પાસે ઉચ્ચતમ કક્ષાની ટેલન્ટ નહીં હોય તોય હું લાગવગથી કે બીજા કોઈપણ ઉપાયથી એ ઈનામ હાંસલ કરી લઈશ. આવું થાય છે ત્યારે ભગવાને તમને જે કંઈ ટેલન્ટ આપી છે એને તમે વેડફી દો છો. એ ટેલન્ટની ધાર કાઢવાને બદલે એને બુઠ્ઠી થવા દો છો. કારણકે તમને ખબર છે કે તમારે તમારી ટેલન્ટ દ્વારા નહીં પણ લાગવગ વાપરીને કે પછી અન્ય કોઈ રસ્તે ચંદ્રકો ઈનામો-પારિતોષિકો મેળવવાનાં છે.

ઈનામો વગેરે દ્વારા મળતું રેકગ્નિશન તકલાદી છે, કામચલાઉ છે. તાળીઓનો ગડગડાટ શમી ગયા પછી ઘણી લાંબી મજલ કાપવાની હોય છે તમારે. ગળામાં પહેરેલી ફૂલવાળાઓ કરમાઈ ગયા પછી પણ તમારે તમારી શ્રેષ્ઠતા સતત પુરવાર કરવાની હોય છે અને ગુણવત્તાની આ કક્ષા માત્ર ડ્રોંઈગરૂમમાં શોભતી ટ્રોફીઓ કે ફ્રેમમાં જડાવેલાં મેડલોથી નથી મેળવી શકાતી. ઉચ્ચતમ કક્ષાનું સર્જન કરવા માટે, ઉચ્ચતમ કક્ષાનું કોઈપણ કામ કરવા માટે તપસ્યાની જરૂર પડે, દિવસરાતની સાધનાની જરૂર પડે. ઈનામ-વિજેતાઓમાં અને આવા સાધકોમાં ફરક હોય છે. બંનેના કામની ગુણવત્તામાં ફરક હોય છે. માર્કેટિંગ કરવાવાળાઓને ઈનામ વિજેતાઓ વહાલા લાગશે કારણ કે તેઓ ઓછી મહેનતે વધુ કમાણી કરાવી આપશે. સાધકોનું સર્જન વિશાળ જનસમુદાય સુધી પહોંચતાં વાર લગાડશે. જ્યારે પહોંચશે ત્યારે તે ચાર્લ્સ ડિકન્સ, આર્થર કોનન ડોયલ કે પછી પ્રેમચંદ, દુષ્યન્તકુમારના સર્જનની જેમ અમરત્વ પ્રાપ્ત કરશે.

લીંબુચમચાની દોડમાં ભાગ લેવાની ઉંમર હોય ત્યારે ઈનામો મેળવવાની કે રેક્ગ્નિશન મેળવવાની લાલસા હોય તે ઠીક છે. એ ઉંમર વટાવી ગયા પછી પ્રથમ ક્રમાંક મેળવવાની ઈચ્છાને તિલાંજલિ આપી દેવાની. બધું જ ધ્યાન કામની ગુણવત્તા વધુ ને વધુ શાર્પ બનતી જાય એમાં પરોવવાનું.

ઈનામો મેળવવાં કે બીજાઓની પાસેથી માન્યતા પ્રાપ્ત કરવાનું કામ જીવનમાં ગૌણ છે. મહત્ત્વની વાત પોતાના કામની ગુણવત્તાને વધુ ને વધુ ઉપર લઈ જવાની છે. આ વાત જીવનમાં જેટલી વહેલી સમજાઈ જાય એટલું સારું. ઈનામો કે રેક્ગ્નિશનની આશામાં રહો છો અને એ પ્રાપ્ત નથી થતાં ત્યારે તમને તમારા પોતાના પર, તમારી ટેલન્ટ પર શંકા જવા માંડે છે. તમારું કામ ગુણવત્તાભર્યું નથી એવું તમને લાગવા માંડે છે. ધીમે ધીમે તમે તમારા કામ માટેની નિષ્ઠા ગુમાવવા માંડો છો. છેવટે તમને તમારું કામ અને તમારું જીવન નિરર્થક લાગવા માંડે છે. ઈનામોની આશામાં, રેક્ગ્નાઈઝ થવાની આશામાં જિંદગી વેડફાઈ જતી હોય છે. પછી જે મામૂલી ઈનામ હાથમાં આવે તેનાથી, આશ્વાસન ઈનામોથી રાજી રાજી થઈ જવાનું રહે છે. બીજાઓ તમને માનથી જુએ એના કરતાં વધારે જરૂરી એ છે કે આપણે આપણા પ્રત્યે માનની નજરે જોતા થઈએ, આપણે આપણી ટેલન્ટને ઓળખીને એનો આદર કરીએ. આવો આદર કેળવાય છે ત્યારે જે સ્વીકૃતિ પામીએ છીએ તે જિંદગી આખી આપણી સાથે રહે છે.

સાયલન્સ પ્લીઝ! 

તમારા કામ બદલ તમને પ્રતિષ્ઠા મળે છે કે નહીં એની પરવા નથી હોતી ત્યારે સર્વોચ્ચ કોટિનું કામ કરવાની શક્તિ પ્રાપ્ત થતી હોય છે.

  • હેરી ટ્રુમેન (અમેરિકાના ૩૩મા પ્રેસિડન્ટ)

www.facebook.com/Saurabh.a.shah

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન