સમસ્યાલક્ષી વિચારણાઓ વિશ્વને એક માળામાં પરોવશે - Sandesh
  • Home
  • Columnist
  • સમસ્યાલક્ષી વિચારણાઓ વિશ્વને એક માળામાં પરોવશે

સમસ્યાલક્ષી વિચારણાઓ વિશ્વને એક માળામાં પરોવશે

 | 2:46 am IST

થોટ પ્રોસેસ

આ યુગ ભાગીદારીનો છે. આપણી લાગણીઓનું મોટા પાયે ધ્રુવીકરણ થઇ ચૂક્યું હોવાથી આપણું વ્યક્તિત્વ અનેક ભાગોમાં વહેંચાઇ ગયેલું જોવા મળે છે. આપણને શીખવાડવામાં આવે છે કે કોણ આપણા જેવું વિચારી રહ્યું છે કે કોની સાથે આપણે વૈચારિક સંબંધો બાંધવા જોઇએ તે નક્કી કરવા માટે આપણે ડાબેરી અને જમણેરી વિચારધારાના ભેદ પર વિશ્વાસ કરવો જોઇએ. કોઇ પક્ષનું અનુસરણ તે માત્ર એવું દિશાસૂચક પરિમાણ નથી કે જે દિશામાં તમારી માન્યતા કે ઓળખ રાજકીય રીતે ડાબેરી કે જમણેરી તરીકેના માળખામાં ઢળતી હોય. કોઇ પક્ષના અનુસરણની પ્રક્રિયામાં કેટલાંક એવાં પાસાં પણ છે કે જે પાસાંને આપણી માન્યતા અને ઓળખની તાલાવેલી પારખવાનું ચૂકી જાય છે.

આ સંદર્ભમાં વાત કરવી હોય તો કહી શકાય કે એક વ્યક્તિ ડાબેરી રાજકીય વિચારધારાનો સંગીન સમર્થક બની શકે તો બીજી વ્યક્તિ ભલે રાજકીય જમણેરી વિચારધારા ધરાવતી હોય પરંતુ રૂઢિચુસ્ત પક્ષો સાથે સંબંધ ધરાવવાને બદલે વૈકલ્પિક મંતવ્યોને પણ કદાચ અનુસરતી હોઇ શકે. તેથી જ આપણે જ્યારે રાજકીય પક્ષના સમર્થનની વાત કરતા હોઇએ ત્યારે ડાબેરી કે જમણેરી જેવા શબ્દ પૂરતા નથી. આપણે ડાબેરી કે જમણેરી એમ બંનેના અંતિમ બિંદુ અને ભેદરેખાઓને પણ સમજવી પડે.

અમેરિકી વિચારક એરિક હોફરનું માનવું છે કે લોકો અંતિમ છેડાની વૈચારિક ઓળખ કઇ રીતે ધારણા કરતા ગયા તેનો અભ્યાસ કરવામાં આવે તો માનવ ઇતિહાસ, માનસશાસ્ત્ર અને રાજકારણનો સઘન અભ્યાસ સંભવ બની શકે.

પોતાના જાણીતા પુસ્તક ‘ધ ટ્રુ બિલિવર'(૧૯૫૧)માં હોફર દલીલ કરે છે કે કોઇપણ રાજકીય પક્ષ કે વિચારધારાને ચરમસીમાએ સમર્થન આપવા જતાં એવા માનસનું સર્જન થતું હોય છે કે તે વ્યક્તિ કોઇપણ બીજા વૈચારિક જૂથ સાથે જોડાવાને મુદ્દે શંકા સેવતી થઇ જાય છે, પછી ભલે તે બીજું જૂથ ગમે તે માન્યતા ધરાવતું હોય. તેઓ લખે છે કે, ‘તમામ ચળવળો, ભલે પછી તમેની વિચારધારા અને ધ્યેય અલગ અલગ હોય તો પણ આરંભે સમાજના સમાન જૂથમાંથી જ તેને ટેકેદારો મળતા રહ્યા છે. તે વિચારધારાઓ ભલે અલગ અલગ હોય પરંતુ એક જ પ્રકારના માનસને તે પ્રભાવિત કરી શકી છે.’

દરેકના માનસમાં એવી તો કઇ ખાસિયત હોય છે કે જે ચરમપંથને મુદ્દે વિચારવામાં શંકાશીલ બની જતું હોય છે? હોફર અનુમાન કરે છે કે પોતાની જાત પરનો જ ઓછો વિશ્વાસ અને વ્યક્તિગત હતાશાઓ તે વૈચારિક અંતિમવાદ માટે મહદઅંશે જવાબદાર હોય છે. કેટલાક સંશોધકોએ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આ પ્રશ્નનો ઉત્તર શોધી કાઢવા આધુનિક અભિગમ સાથે અભ્યાસ પણ કર્યો હતો.

સંશોધકોએ વૈચારિક માનસ તેમજ તેમણે કરેલા અનુમાનોનો અભ્યાસ કરવા ખાસ અભ્યાસ કર્યો હતો. તેમણે તે અનુમાનની ચકાસણી કરવા પ્રયાસ કર્યો હતો કે પક્ષવાદી જડતા કે તેવી ચરમપંથી વિચારણા તે કોઇક વ્યક્તિના મળતી માહિતીને છૂટછાટ લીધા વિના જ પ્રોસેસ કરવાના માનસિક વલણમાંથી જન્મતી હોય છે. ન્યુરોસાયકોલોજીકલ સાહિત્યમાં જણાવ્યા મુજબ જે વ્યક્તિ કોઇપણ બાબતનો કોઇ પણ ફેરફાર વિના યથાસ્વરૂપ સ્વીકાર કરી લેવાનું જડ વલણ ધરાવતી હોય છે તેઓ અન્ય પ્રકારની વિચારણા તરફ આગળ વધવામાં કે પછી બદલાતા વૈચારિક પર્યાવરણ તરફ પરિવર્તન સાધવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. આવા લોકો પોતાની રાજકીય ઓળખ અને રાજકીય માન્યતાઓને મુદ્દે ખૂબ જ જડ વલણ ધરાવતા હોય છે.

આ પ્રકારની માનસિક જડતા કે પછી છૂટછાટ સાથે વિવિધ દિશામાં વિચારણા કરવાના માનસિક વલણોની વ્યક્તિગત ક્ષમતા જાણવા માટે ૭૫૦ જેટલા અમેરિકી નાગરિકો પર ન્યૂરોસાયકોલોજીકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે જે કોઇ વ્યક્તિ ડેમોક્રેટિક કે રિપબ્લિકન પાર્ટી જેવા પક્ષ સાથે ખાસ સંકળાયેલા નહોતા તેને મુકાબલે જે લોકો રાજકીય પક્ષો સાથે ખૂબ નજીકથી સંકળાયેલા હતા તેમનામાં આવી જડતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. વ્યક્તિની વિચારની દિશા કે રાજકીય માન્યતા ગમે તે હોય તો પણ તેમની વિચારણામાં જડતા જોવા મળતી હતી.

આ બાબત સૂચવે છે કે પક્ષવાદી માનસનું એક ખાસ માનસિક મહત્ત્વ છે. કોઇ રાજકીય વિચારધારા સાથે તમે કેટલી સઘનતાથી જોડાઇએ છીએ તે બાબત તમારા માનસમાં પ્રતિબિંબિત થાય છે. અભ્યાસ કરતી વખતે સરવેમાં ભાગ લેનારાઓ વિષે જ ડાબેરી કે જમણેરી જેવા ભેદ રાખીને વિચારવામાં આવ્યું હોત તો આ તારણ પણ છુપાયેલું રહ્યું હોત.

આ તારણો આપણા મગજ અને આપણા રાજકારણ વચ્ચેના સંબંધો સામે સવાલ ખડા કરે છે. પ્રશ્ન થાય છે કે કોઇક ચરમપંથી વિચારધારા સાથે સંકળાઇ જવાથી શું માનસિક જડતા જન્મતી હોય છે? કે પછી આગળ પાછળનું કાંઇ વિચારવાની છૂટછાટ લીધા વિના જ કોઇ પણ બાબતનો યથાસ્વરૂપ સ્વીકાર કરી લેવાની વૃત્તિ આપણને વૈચારિક અંતિમવાદ તરફ દોરી જાય છે? આ પ્રશ્નોના ઉત્તર શોધવા કાર્ય કારણના ઊંડા અભ્યાસની જરૂર છે.

આ અભ્યાસનાં તારણો આપણને પક્ષાપક્ષીના આ યુગમાં સર્જાતા રહેતા કેટલાક નકારાત્મક પરિમાણોનો સામનો કરવામાં મદદરૂપ બની શકે કે કેમ તે પણ વિચારવું રહ્યું. અભ્યાસના તારણમાં કહેવામાં આવ્યું છે કે તાલીમ અને શિક્ષણ માનસિક ફ્લેક્સિબિલિટીમાં વધારો કરવામાં મદદરૂપ બની શકે. આ ફ્લેક્સિબિલિટી વધે તો જ વિવિધ વિચારધારાઓ વચ્ચે વિહરવું સરળ બને અને અનિિૃતતાઓ અને આવી રહેલા પરિવર્તનો વચ્ચે કયા વલણોને અનુસરવું તે વિષે નિર્ણય લઇ શકીએ.

આપણી માન્યતાની કટ્ટરતા, રૂઢિચુસ્તતા કે ઉદારમતવાદિતા આપણને અન્યોન્યથી અલગ રાખે છે. પરંતુ ફ્લેક્સિબિલિટી અને નવી બાબતનો સ્વીકાર કરવાની ક્ષમતા આપણને એક કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન