યોગ્ય તૈયારીથી પ્રાકૃતિક આપત્તિઓનો કરો સામનો - Sandesh
  • Home
  • Columnist
  • યોગ્ય તૈયારીથી પ્રાકૃતિક આપત્તિઓનો કરો સામનો

યોગ્ય તૈયારીથી પ્રાકૃતિક આપત્તિઓનો કરો સામનો

 | 2:31 am IST

મારો મત  :- વરુણ ગાંધી

અરબ સાગર અને પશ્ચિમ ઘાટ વચ્ચેના કિનારાના મેદાની અને પહાડી પ્રદેશનું બનેલું આ રાજ્ય છે. રાજ્ય અનેક પ્રાકૃતિક સંકટોથી ઘેરાયેલું છે અને તેમાં ભૂસ્ખલન, પૂર અને સાગર તટ વિસ્તારનું ધોવાણ તે સૌથી મોટા સંકટરૂપ છે. માનવીય હસ્તક્ષેપ વધતાં ખાસ કરીને પૂરસંકટ વધ્યું છે. વર્તમાનમાં અનુભવાયેલા જળપ્રલયે ૧૦ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પાડી હતી. તેમને ૩,૦૦૦થી વધુ રાહતશિબિરોમાં રાખવામાં આવ્યા છે. પૂરને કારણે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

માધવ ગાડગીલના નેતૃત્વમાં બનેલી પશ્ચિમ ઘાટ વિશેષજ્ઞા પેનલે પશ્ચિમ ઘાટમાં લગભગ ૧૪ લાખ વર્ગ કિ.મી. વિસ્તારમાં ત્રણ સંવેદનશીલ વિસ્તાર જાહેર કરવાની ભલામણ કરી હતી. તેમણે ભલામણ કરી હતી કે તે વિસ્તારમાં બાંધકામ કે ખનન પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. રાજ્ય સરકારે અહેવાલને જ ફગાવી દીધો. કુદરતી આપત્તિની દૃષ્ટિએ ભારત ખૂબ સંવેદનશીલ છે. તેનો ૭૦ ટકા ભૂભાગ સુનામી અને ચક્રવાતની દૃષ્ટિએ સંવેદનશીલ છે.

૬૦ ટકા ભાગ ભૂકંપની સંભાવના ધરાવે છે અને ૧૨ ટકા વિસ્તાર પૂરપ્રકોપનો ભય ધરાવે છે. શહેરી ભારતમાં વર્તમાનમાં પિલર અને ઈંટોની દીવાલની ફ્રેમ ધરાવતી બહુમાળી ઇમારતો મોટા પ્રમાણમાં બની છે. પાર્કિંગ સ્પેસને નજરઅંદાજ કરીને મોટા ખર્ચે આ ઇમારતો બની હોવા છતાં તેના રેટ્રોફિટિંગની આવશ્યકતા છે.

મોટાભાગના ભારતીય ઘર પથ્થર કે કાચી – પાકી ઈંટથી ચણાલેયી દીવાલોથી બન્યા છે. તેમ છતાં ભાગ્યે જ કોઈ સિવિલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં આ સામગ્રીઓ પર વિચાર થતો હોય છે. તેના બદલે રિઇન્ફોર્સ્ડ સિમેન્ટ અને કોંક્રિટ પર વધુ ધ્યાન અપાય છે. ગણતરીના વિશ્વ વિદ્યાલયોમાં જ ભૂકંપ એન્જિનિયરિંગને વિશેષ અભ્યાસક્રમના રૂપમાં ભણાવવામાં આવે છે. તેને કારણે રેટ્રોફિટિંગ માટે પ્રશિક્ષિત મેનપાવરની અછત છે. રિસ્ક મેનેજમેન્ટ હાલમાં આરંભિક તબક્કામાં છે. નેપાળમાં આવેલા ભૂકંપની ભારતની ભૂકંપ ચેતવણી પ્રણાલી એક્સેલેરોગ્રાફે ખૂબ મુશ્કેલથી નોંધ લીધી. નેશનલ સિસ્મોલોજી સેન્ટર બેકાર થઈ જવા છતાં ભંડોળની અછતને કારણે સેન્ટરને નવા સેટમાં તબદીલ કરવામાં વિલંબ થયો. સ્થિતિનો સમાનો કરવા વિકસિત રાજ્ય પણ કાંઈ નથી કરી રહ્યા.

ગૃહમંત્રાલયે એપ્રિલ ૨૦૦૩માં કુદરતી હોનારતોથી બચાવ માટે સીઆઈએસએફ અને આઈટીબીપીમાંથી ચાર બટાલિયન અલગ કરીને વિશેષ ટીમ બનાવવાની દરખાસ્ત મૂકી હતી. તે દરખાસ્ત મુજબ કેરળે એક રાજ્યકક્ષાની પ્રશિક્ષણ સંસ્થા અને પોલીસ સ્તરની બટાલિયનોની ઓળખ કરવાની હતી. રાજ્યે હજી સુધી આ દરખાસ્તનો જવાબ નથી આપ્યો.

એટલે સુધી કે વીતેલા વર્ષમાં ફૂંકાયેલા ઓખી તોફાન પછી ૬૦૦થી વધુ સભ્યોની એક વિશેષ ટીમ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ચરણમાં ૩૦ કરોડ રૂપિયાની મંજૂરી સાથે એક દરખાસ્ત આપવામાં આવ્યી હતી. તે દરખાસ્ત પણ રાજ્ય સરકારની મંજૂરીની પ્રતીક્ષા કરી રહી છે. આપણે દરેક વર્ષે આવતી આપત્તિઓની ભવિષ્યવાણી કરવામાં પણ ખૂબ પાછળ છીએ.

કેદારનાથ હોનારતના વર્ષો પછી આજે પણ ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની કે ભારે વરસાદની છ કલાક પહેલાં આગાહી કરી શકતા ગણતરીના ડોપલર રડાર ભાગ્યે જ હશે. પૂરતી સંખ્યામાં હેલિપેડની વાત તો જવા દો પણ સુરક્ષિત પ્રદેશના નકશામાં પૂર સંભવિત વિસ્તારોમાં બાંધકામ સંબંધી સૂચનાઓ પણ મુશ્કેલીથી મળી છે. પહાડોમાં મોટા બંધ મંજૂર થાય છે અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખામોશ રહે છે.

ભારતના ૫,૦૦૦ બંધ પૈકી માત્ર ૨૦૦ બંધ માટે જ રાજ્યોએ કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કર્યો છે. બાકીના ૪,૮૦૦ બંધ વિષે કાંઈ જ થયું નથી. હાલમાં ૩૦ ટકા જળાશયો અને બેરેજ માટે ઇનફ્લો પૂર્વાનુમાન ઉપલબ્ધ છે. વેધશાળા નેટવર્કના અપગ્રેડેશન માટે ભાગ્યે જ ક્યારેક કોઈ પરિયોજના શરૂ થઈ હશે.

કેરળમાં સારું કામ કર્યું હોવા છતાં હકીકત એ છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ક્ષમતાઓ તાલીમબદ્ધ મેનપાવરની અછત, માળખાકીય સુવિધાઓ અને ઉપકરણોની અછતને કારણે બાધિત છે. કેગનું પણ કહેવું છે કે મુખ્ય શહેરો માટે ખતરાના મૂલ્યાંકન અને તેના ઉકેલ જેવી યોજના ઘડી કાઢવામાં એનડીએમએનો દેખાવ સારો નથી.

આપણે ભારતમાં આપત્તિ રાહત માપદંડોમાં પણ પરિવર્તન કરવાની જરૂર છે. દરેક રાજ્ય અને જિલ્લામાં શ્રમ અને નિર્માણનું ખર્ચ અલગ અલગ હોય છે. તેને કારણે રાહતની એક સમાન રકમની ફાળવણી પણ યોગ્ય નથી. જ્યોર્જ પોલે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે કેરળમાં તાજેતરમાં આવેલા પૂરમાં સૌ પહેલાં પ્રભાવિત થયેલા કટ્ટુનાદ વિસ્તારમાં પૂરાપૂરા નષ્ટ થયેલા મકાન માટે રૂપિયા ૯૨,૦૦૦નું વળતર આપવામાં આવ્યું. આ જ રકમ અન્ય રાજ્યો માટે પ્રાસંગિક ના રહી શકે. વર્તમાન ડિઝાસ્ટર માપદંડો રાજ્યો વચ્ચે ભેદરેખા નથી આંકતા. બુંદેલખંડમાં આપત્તિ રાહત માટે પ્રતિ એકમ જે રકમ આપવામાં આવે છે તેટલી જ રકમ ગોવામાં આપવામાં આવે છે. આ પ્રકારે પ્રભાવિત વિસ્તારોનું પુનઃવસન સંભવ નથી. રાહતનું લક્ષ્ય ગામડા પર વધુ હોય છે અને તે રીતે ખેતી,માછલી ઉછેર,પશુધન અને હસ્તશિલ્પ તરફ વધુ ધ્યાન અપાય છે.

સામાન્યપણે આપત્તિ પછી રાજસ્વ અધિકારીઓ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરીને રાહત માટે લોકોની ઓળખ કરવા માટે જવાબદાર હોય છે. આ બાબત રાહતસામગ્રીના દુરુપયોગ અને ભ્રષ્ટાચારની તક આપે છે. ઉપરાંત કોઈપણ પ્રકારની રાહત વ્યવસ્થા અનધિકૃત ક્ષેત્રમાં રહેનારી કોઈપણ વ્યક્તિને વંચિત રાખશે.

આ પ્રકારના માપદંડ માત્ર નાના અને મોટા ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરીને ખેતમજૂરોની ઉપેક્ષા કરે છે.આપદા રાહત કોષના નિર્દેશોમાં જેનો ઉલ્લેખ નથી તેવી કોઈપણ અસૂચિબદ્ધ આપત્તિ માટે ર્વાિષક ફાળવણીના ૧૦ ટકા સુધી સીમિત છે.

જાપાનને જુઓ તો જોવા મળશે કે તે ભૂકંપનો સરળતાથી સામનો કરી શકે છે. ધ ઈન્ડિયા ડિઝાસ્ટર રિસોર્સ નેટવર્કને માહિતી અને ઉપકરણો પ્રાપ્ત કરવાની જવાબદારી સંસ્થાગત રીતે સોંપી દેવી જોઈએ. દેશને એક મજબૂત આપદા પ્રબંધનની જરૂર છે. આપત્તિનો સામનો કરવાની તૈયારીના ભાગરૂપે વર્તમાન આકસ્મિકતાને પૂરી કરવા સાથે માનવીય સ્વભાવને સમજતાં સુવિચારિત લાંબા ગાળાના પુનર્વાસ વ્યૂહ અમલી બનાવવા પર ધ્યાન અપાવું જોઈએ. તે વ્યૂહ દીર્ઘદૃષ્ટિ અને અભ્યાસોની સાથે પ્રબંધન પર ધ્યાન આપનારા હોવા જોઈએ. તેમાં નાગરિક જાગ્રતિ પર પણ ધ્યાન અપાવું જોઈએ. એનડીઆરએફમાં વિશેષજ્ઞાોની ખાલી જગ્યાઓ ભરવી પડશે. તે ઉપરાંત પોતાના કર્મચારીઓની બદલી અને નિમણૂકને નિયંત્રિત રાખવા પડશે.

આ સુધારા વિના આપત્તિના સંજોગોમાં સૈન્ય અને અર્ધસૈનિક દળો જ આપત્તિનો પ્રથમ મુકાબલો કરનારા બની રહેશે અને રાજ્યો રાહતના રોદણા રોતા રહેશે. કદાચ કુદરતી આપત્તિ આવી પડે તેને બદલે કુદરતી આપત્તિ આવ્યા પહેલાં તેની તૈયારી કરી લેવાનો આ સાચો સમય છે.

;