સંપત્તિની કદર થશે તો જ એ વૃદ્ધિ પામશે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સંપત્તિની કદર થશે તો જ એ વૃદ્ધિ પામશે

સંપત્તિની કદર થશે તો જ એ વૃદ્ધિ પામશે

 | 3:24 am IST

યોગિક વેલ્થઃ ગૌરવ મશરૂવાળા

શરાબ બનાવતી એક કંપનીના માલિકે થોડાં વર્ષ પહેલાં પોતાનો જન્મદિન નહીં, પણ જન્મ-સપ્તાહ ઊજવ્યું હતું. આખી દુનિયામાંથી મહેમાનોને પ્રાઈવેટ જેટમાં તેડાવવામાં આવ્યા હતા. લગલગાટ સાત દિવસ અને સાત રાત સુધી ખાણી-પીણી, મોજમજા અને થીમ પાર્ટીઓનો દોર ચાલતો રહ્યો. જાતજાતના દારૂઓની રીતસર નદીઓ વહી. ચિક્કાર ખર્ચ કરવામાં આવ્યો. દેખીતું છે કે આ બધામાં ખાવા-પીવાની ચીજવસ્તુઓનો ખૂબ બગાડ થયો હતો અને કેટલાય કુદરતી સંસાધનોનો પણ ખુડદો બોલી ગયો. નોંધવા જેવી વાત એ હતી કે આવી ભવ્યાતિભવ્ય પાર્ટી આપનારા પેલા બિઝનેસમેને પોતાની એક કંપનીના કર્મચારીઓને મહિનાઓથી પગાર નહોતો ચૂકવ્યો. કેટલાય કર્મચારીઓએ હોમલોનના હપ્તા ચૂકવવાના હતા. તો કોઈક પોતાના પરિવારના બીમાર સભ્યની સારવાર કરાવવાની હતી. એવી જ રીતે કેટલાય કર્મચારીઓએ રોજિંદું ગાડું ગબડાવવા પૈસા ઉધાર લેવા પડેલા. તમને લાગે છે કે આ બિઝનેસમેનની સંપત્તિ ટકી શકશે? કયા પ્રકારની લાગણીઓથી પ્રેરાઈને એ માણસે આવી જીવનશૈલી અપનાવી હશે- અહંકાર, લોભ, અદેખાઈ, ઘમંડ?

યાદ કરો એ વ્યક્તિઓ, કોર્પોરેટ ગૃહો અને જ્ઞાાતિઓને જેમની પાસે થોડાક દાયકા જ નહીં, પણ કેટલીય પેઢી સુધી સંપત્તિ ટકી રહી છે. સંપત્તિ માટે તેમને કેટલો આદરભાવ છે તે યાદ કરો. સમૃદ્ધિનો વરસાદ કંઈ બધા પર વરસતો નથી. જેમના પર ઐશ્વર્યની કૃપા ઊતરે છે એમણે જરૂર ભૂતકાળમાં અથવા પૂર્વજન્મમાં સત્કર્મો કર્યાં હશે. કદાચ તેમને એમના વડીલોનાં પુણ્યોનો બદલો મળ્યો હોય. આથી સમૃદ્ધિ પ્રાપ્ત કરનારની ફરજ બની જાય છે કે એ પણ સારાં કર્મો કરવાનું ચાલુ રાખે. સંપત્તિની ખરી કદર આ રીતે થાય.

અલબત્ત, ધનદોલતનો ઉપયોગ આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે માલસામાન ખરીદવામાં તેમ જ જુદી જુદી સેવાઓ મેળવવામાં કરવાનો જ હોય. આપણી આસપાસનો માહોલ તેમ જ સમાજના ભલા માટે પણ પૈસા વપરાય તે જરૂરી છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે સગવડ કે જીવનશૈલીના નામે નાણાંનો વેડફાટ થવા લાગે છે. આ રીતે આપણે સંપત્તિની કદર કરવાનું ચૂકી જઈએ છીએ.

પેઢી બદલાય ત્યારે સામાન્યપણે જીવનશૈલી પણ બદલાતી હોય છે. દરેક નવી પેઢી બહેતર જીવનશૈલીવાળા માહોલમાં જન્મે છે. તેમના જીવનકાળ દરમિયાન જીવનધોરણ ઓર વધારે ઉપર ચડે છે. અલબત્ત, કયાંક કોઈક રીતે સંપત્તિનો વેડફાટ અને સંપત્તિની કદર ન કરવાની ભાવના જન્મે છે ત્યારે તકલીફો શરૂ થઈ જાય છે.

હું જન્મ્યો ત્યારે અમારે ત્યાં મોટર નહોતી. હું બીજા ધોરણમાં આવ્યો ત્યારે અમારી પહેલી કાર આવી. અમારો ફેમિલી બિઝનેસ હતો અને મારા કાકાઓ અને પિતાજી સાથે કામ કરતા હતા. અમારી ખુદની કાર નહોતી ત્યારે અમે કાકાઓની ગાડીમાં આવતા જતા. મારી દીકરી જન્મી ત્યારે મારા ઘરે ઓલરેડી બે કાર હતી. અગાઉ કાર ઘરમાં હાજર છે કે નહીં તેના આધારે બહાર જવાનો કાર્યક્રમ બનતો. આજે હવે અમે એ વાતે સતર્ક રહીએ છીએ કે એક કાર હંમેશાં સેવામાં હાજર હોય છે માત્ર તેના કારણે બિનજરૂરી વેડફાટ ન થાય.

એક જ ઓરડાના ઘરમાં રહેતા હોઈએ ત્યારે બહાર જતાં પહેલાં લાઈટ-પંખા બંધ કરવાનું હંમેશાં યાદ રહે છે. વીજળીનો વેડફાટ ન થાય તે સુનિશ્ચિત કરવાની જરૂર ત્યારે પડે છે જ્યારે આપણે ચાર બેડરૂમના ઘરમાં રહેતા હોઈએ. આવાં ઘણાં ઉદાહરણ આપી શકાય.

સંપત્તિની કદર કરવી એટલે પૈસાનો વેડફાટ ન થાય તેની તકેદારી લેવી. માણસની ખર્ચ કરવાની એક મર્યાદા હોવી જોઈએ. સમૃદ્ધિ વધે ત્યારે આપણે વધારે સતર્ક બનવું જોઈએ. નાણું ન હોય ત્યારે સાદગીથી જીવવું સહેલું છે. કસોટી ત્યારે થાય છે જ્યારે આપણી પાસે પૈસાની છૂટ હોય. અઢળક ધનદોલત આવી ગયાં હોય ત્યારે જ આપણા સિદ્ધાંતોની પરીક્ષા થતી હોય છે.

સંસ્કૃતમાં એક ઉક્તિ છે. અશક્તિમાન ભવેત સાધુ અર્થાત્ જે કશુંક કરી શકે એમ ન હોય એ કહી દે કે, ‘હું સાધુ છું.’ આવી વ્યક્તિ આડંબરવિહીન તો નહીં પણ સાધારણ જીવન જીવે છે. આડંબરવિહીન જીવન અને સાદા જીવન વચ્ચે ભેદ છે. વૈભવી જીવન જીવી શકવાની ક્ષમતા હોવા છતાં માણસ સાદગીપૂર્ણ જીવનશૈલી અપનાવે તો એના જીવનને આડંબરવિહીન જીવન કહી શકાય. વૈભવી જીવન જીવવાના ધખારા તો બહુ હોય, પણ આર્થિક ત્રેવડ ન હોવાને કારણે ધરાર સાદગી રાખવી પડતી હોય તો તેને સાધારણ જીવન કહેવાય. આવી વ્યક્તિના મનમાં જાતજાતની ઈચ્છાઓ ઉપરાંત લાલચ અને અદેખાઈ પણ ખૂબ હોય છે.

પૈસાની કદર કરવાનો મુદે ત્યારે ઊભો થાય છે જ્યારે માણસ પાસે પૈસાની છૂટ હોય. પૈસાની રેલમછેલ હોય ત્યારે જ મનને સંતુલિત અને સ્થિર રાખવાની તેમ જ પૈસાની કદર કરવાની આવશ્યકતા ઊભી થાય છે. આપણે મોંઘીદાટ બ્રાન્ડ્સ વિશે જાણતાં હોઈએ, તે ખરીદવાની આપણી ત્રેવડ પણ હોય છતાંય સ્વસ્થપણે તે ચીજવસ્તુઓથી દૂર રહીએ ત્યારે અસલી કસોટીમાંથી પસાર થયા કહેવાઈએ.

મારા એક કલાયન્ટ એવા માણસોનો હંમેશાં વિરોધ કરતા જે શિસ્તમાં ન રહેતા હોય, નિયમોનું ઉલ્લંઘન કરતા હોય અથવા પોતાના લાભ માટે નિયમોને તોડતા-મરોડતા હોય. આવા લોકોને તેઓ નીચી નજરે જોતા. તાજેતરમાં એમને એના દાદા તરફથી વારસામાં તગડી રકમ મળી. હવે એને શહેરની એક કલબના મેમ્બર બનવાની તાલાવેલી ઊપડી. કલબનો નિયમ એવો હતો કે જો તમે કલબથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા હો તો જ સભ્યપદ મળી શકે. કલબની જોઈનિંગ ફી હતી ત્રણ લાખ રૂપિયા. સભ્યપદ મેળવવા માટેનો કુલ ખર્ચ પચ્ચીસ લાખ રૂપિયા સુધી પહોંચી જતો હતો. એમણે મને ફોન કરીને પૂછયું: તમે એવા કોઈને જાણો છો જે કલબથી પાંચ કિલોમીટરની ત્રિજયામાં રહેતું હોય?

એમનો ઈરાદો એવો હતો કે બીજા કોઈના સરનામાનો ઉપયોગ કરીને મેમ્બરશિપ લઈ લેવી ને થોડાં વર્ષ પછી ચેન્જ-ઓફ-રેસિડન્સ માટેની અરજી કરી નાખવી. સામાન્ય સંજોગોમાં મારા આ ક્લાયન્ટને કલબની મેમ્બરશિપ પરવડી જ ન હોત. વળી, હું એમને જેટલા ઓળખું છું તેના આધારે કહી શકું કે જો બીજા કોઈએ આવાં ગતકડાં કર્યાં હોય તો એમણે ટીકાનો વરસાદ વરસાવી દીધો હોત. હવે ઓચિંતા પૈસા દેખાયા એટલે તેઓ ખુદ આ બધું કરવા તૈયાર થઈ ગયા હતા. ધનદોલતની રેલમછેલ હોય ત્યારે નીતિમૂલ્યોને વળગી રહેવું હંમેશાં અઘરું હોય છે.

જેમ કોઈપણ પ્રકારનો વેડફાટ સંપત્તિની કદર ન કરવાની ચેષ્ટા છે, તે જ રીતે બીજા કોઈનો અધિકાર છીનવી લેવો કે અન્યને એના અધિકારથી વંચિત રાખવા તે પણ સંપત્તિની કદર ન કરવાનો જ એક પ્રકાર કહેવાય. નિયમોમાં ગોબાચારી માટે પણ આમ કહી શકાય.