Protests erupted over Pratik Gandhi's film Bhavai
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધીની ધરપકડ કરવાની ઉઠી માંગ

ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધીની ધરપકડ કરવાની ઉઠી માંગ

 | 7:48 pm IST
  • Share

તમે પ્રતિક ગાંધીને ઓળખતા જ હશો. વેબ સિરીઝ ‘સ્કેમ 1992’થી દેશભરમાં લોકપ્રિય થનારા ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધીની ધરપકડ કરવાની માંગ સોશિયલ મીડિયા પર ઉઠી છે. ફિલ્મ ‘ભવાઈ’ પહેલી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નામ પહેલાં ‘રાવણ લીલા’ હતું. જોકે, વિવાદ થતાં આ ફિલ્મનું નામ બદલીને ‘ભવાઈ’ કરી દેવામાં આવ્યું છે.

ફિલ્મનું નામ બદલાવવા છતા વિવાદ હજી પણ ચાલુ જ છે અને સોશિયલ મીડિયામાં #Ban RavanLeela_Bhavai અને #ArrestPratikGandhi જેવા હેશટૅગ ટ્રેન્ડ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં યુઝર્સે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. યુઝર્સનું કહેવું છે કે ફિલ્મમાં શ્રીરામ તથા રાવણની તુલના કરવામાં આવી છે અને આ ખોટું છે. કેટલાક યુઝર માને છે કે બોલિવૂડમાં રાવણનો મહિમા તથા ભગવાન રામ તથા હનુમાનજીનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

પ્રતિક ગાંધીની આ ફિલ્મ ‘ભવાઈ’નું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મનો વિવાદ થઈ રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યૂસર તથા રાઇટરને વિવાદને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. તેમના પર ભગવાન રામ અંગે ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ ટ્રેલરમાં કેટલાંક સંવાદોમાં રાવણને સારો બતાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

ફિલ્મમાં પ્રતીક ગાંધી ઉપરાંત એન્દ્રિતા રે, અંકુર ભાટિયા, અભિમન્યુ સિંહ, રાજેશ શર્મા, અંકુર વિકલ, રાજેન્દ્ર ગુપ્તા, ગોપાલ સિંહ, ફ્લોરા સૈની, અનિલ રસ્તોગી તથા કૃષ્ણા બિસ્ટ છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતના કચ્છમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના રાઇટર તથા ડિરેક્ટર હાર્દિક ગજ્જર છે જ્યારે આ ફિલ્મ ધવન-અક્ષય, પાર્થ ગજ્જર, હાર્દિક ગજ્જરે પ્રોડ્યૂસ કરી છે.

આ ફિલ્મનો વિરોધ થતા ફિલ્મના અભિનેતા પ્રતીક ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ ફિલ્મમાં લોકોની લાગણીને ઠેસ પહોંચે તેવું કંઈ જ નથી. આ ફિલ્મમાં બે કલાકારોની પ્રેમકહાનીની વાત કરવામાં આવી છે. કોઈ પણ જાતની ગેરસમજણ તથા ખોટું અર્થઘટન ના થાય તેથી જ આખી ટીમે ફિલ્મનું નામ બદલવાનું નક્કી કર્યું હતું.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો