માનસિક ક્રાંતિ - Sandesh

માનસિક ક્રાંતિ

 | 2:17 am IST

સૂક્ષ્મ સત્ય : જે. કૃષ્ણમૂર્તિ

શું વિચારક અને વિચાર, દ્રષ્ટા અને દૃશ્ય એક જ હોય એ શક્ય છે? જો તમે આ સમસ્યાને માત્ર ઉપલક દૃષ્ટિએ જોઈને મને આનો કે તેનો હું શો અર્થ કરું છું એવો ખુલાસો માગશો તો તમે ક્યારેય તે શોધી નહીં શકો. ચોક્કસપણે, આ તમારી સમસ્યા છે, એ માત્ર મારી જ સમસ્યા નથી; તમે અહીં એ જાણવા માટે નથી આવ્યા કે હું આ સમસ્યાને અથવા સમસ્યાઓના વિશ્વને કેવી રીતે જોઉં છું. આ ભીતર ચાલતું ઘોર વિનાશક અને વિકૃત એવું અવિરત યુદ્ધ તમારી સમસ્યા છે, શું તે નથી? અને તમારામાં મૂળભૂત પરિવર્તન કેવી રીતે લાવવું અને રાજકારણમાં, અર્થશાસ્ત્રમાં અને જુદીજુદી અમલદારશાહી જેવી છીછરી ક્રાંતિઓથી સંતોષ ન પામવો એ તમારી સમસ્યા છે. તમે મને સમજવાનો કે હું જીવનને કેવી રીતે જોઉં છું તે સમજવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. તમે તમને પોતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો, અને આ તમારી સમસ્યાઓ છે કે જેનો સામનો તમારે પોતાને કરવાનો છે; તેના ઉપર આપણે એક સાથે વિચાર કરીએ, કે જે આપણે આ વાર્તાલાપમાં કરી રહ્યા છીએ, તેથી આપણે કદાચ તેને વધારે સ્પષ્ટપણે અને વધારે વિશિષ્ટપણે જોવામાં એકબીજાને મદદરૂપ થઈ શકીએ, પરંતુ માત્ર શાબ્દિક સ્તરે સ્પષ્ટપણે જોવાનું પૂરતું નથી.

તેનાથી સર્જનાત્મક માનસિક ક્રાંતિ નહીં આવે. તેના માટે આપણે શબ્દોની પેલે પાર જવું જ જોઈએ, તેના બધા સંકેતો અને તેની સંવેદનાઓ સાથે. આમ કરવાં જતાં મન સાથે, મનમાં ઉદ્ભવથી ઇચ્છાઓ, વિકારો સાથે લડવું પડે તો તે પણ કરી જ લેવું, કારણ કે તમે એ જ રીતે જાણવા પામશો કે તમે તમારા મનને બીજાં વિચારોથી કઇ રીતે મુક્ત કરી શકો છો? તમે કઇ રીતે માનસિક ક્રાંતિ માટે મનમાં ઉદ્ભવતા વિચારો ઉપર લગામ આપી શકો છો.

આ સઘળી બાબતોને બાજુએ મૂકીને આપણે મુખ્ય સમસ્યા ઉપર વિચાર કરવો જોઈએ- આ ‘હું’ (અહમ્ભાવ) કે જે સમયના બંધનમાં છે અને જેમાં પ્રેમ નથી, કરુણા નથી તેને કેવી રીતે ઓગાળવો? તેને અતિક્રમીને આગળ જવાનું ત્યારે જ શક્ય બને કે જ્યારે મન પોતાને વિચારક અને વિચાર તરીકે અલગ ન કરે. જ્યારે વિચારક અને વિચાર એક હોય, ત્યારે જ ત્યાં (મનમાં) શાંતિ સ્થપાય છે, એવી શાંતિ કે જેમાં કોઈની છાપ ધરાવવાનું કે હવે પછીના અનુભવોની રાહ જોવાનું નથી. એવી શાંતિ જ્યાં અનુભવ કરે એવો કોઈ અનુભવ કરનાર નથી, અને ત્યારે જ સર્જનાત્મક માનસિક ક્રાંતિ થાય છે. તમે વિચારોને કાબૂ ન કરો છતાં તમે તેનાથી વિચલીત ન થાવ તે જ તમારી સાચી સફળતા.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન