પેટીએમ વોરન બફેટ જેવાને કેવી રીતે આકર્ષી શકી? - Sandesh

પેટીએમ વોરન બફેટ જેવાને કેવી રીતે આકર્ષી શકી?

 | 1:04 am IST

અર્થ અને તંત્રઃ  અપૂર્વ દવે

તમે જોયું હશે કે આ કટારમાં આપણે કેટલીય વાર પેટીએમની વાત કરી છે અને તેનાં વખાણ પણ કર્યાં છે. એક કંપનીનાં આટલાં બધાં વખાણ પત્રકાર જગતમાં શંકા પણ કરાવતાં હોય છે, પણ વોરન બફેટના એક પગલાએ આપણી હરકતને સમર્થન આપી દીધું છે.

બફેટની કંપની બર્કશાયર હેથવેએ પેટીએમમાં ૨,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને તેમાં હિસ્સો ખરીદ્યો છે. આપણને પેટીએમમાં જે વિશેષતા દેખાઈ એ બર્કશાયર હેથવેને પણ દેખાઈ અને તેથી જ તેણે ભારતમાં ટેક્નોલોજી ક્ષેત્રે પોતાના રોકાણની શરૂઆત નવોદિત કહેવાતી સ્ટાર્ટઅપ કંપની પેટીએમથી કરી છે.

નોંધપાત્ર બાબત એ છે કે બર્કશાયર હેથવે અત્યાર સુધી ઇન્ટરનેટ સ્ટાર્ટઅપમાં રોકાણ કરવાનું ટાળતી આવી છે. ખાસ તો નવાં ઊભરતાં અર્થતંત્રોમાં તેણે રોકાણ કરવાનું યોગ્ય માન્યું નથી. વળી, ચીનની ઈ-કોમર્સ અને પેમેન્ટ્સ ક્ષેત્રની વિશાળ કંપની અલીબાબા ગ્રૂપમાં પણ તેણે એકેય પૈસો રોકયો નથી, જ્યારે અલીબાબાનું રોકાણ ધરાવતી પેટીએમમાં તેણે ૩-૪ ટકા હિસ્સો ખરીદ્યો છે.

વર્ષ ૨૦૧૦માં સ્થપાયેલી પેટીએમમાં અંદાજે ૩-૪ ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો એના પરથી કંપનીનું આજનું મૂલ્ય ૧૦થી ૧૨ અબજ ડોલર જેટલું આંકવામાં આવ્યું છે એમ કહી શકાય. બર્કશાયર હેથવેના વ્યૂહાત્મક રોકાણના ઇનચાર્જ ટોડ કોમ્બ્સ પેટીએમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં આવવાના છે. તેમણે પેટીએમની પ્રશંસા કરતાં કહ્યું છે કે આ કંપની ભારતમાં પેમેન્ટ્સ અને નાણાકીય સેવાના ક્ષેત્રે પરિવર્તન લાવવાની છે.

આની પહેલાં પેટીએમમાં જાપાનનું સોફ્ટબેન્ક ગ્રૂપ, સેઇફ પાર્ટનર્સ અને મીડિયા ટેક જેવા અગ્રણી રોકાણકારો પણ ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂકયા છે.

પેટીએમની સ્થાપના ઓગસ્ટ ૨૦૧૦માં થઈ હતી, પરંતુ દેશમાં નોટબંધી જાહેર થયા બાદ જ તેનું નામ ગાજ્યું અને તેણે એ તક ઝડપી લેવામાં કોઈ કચાશ રાખી નથી. ગત લગભગ બે વર્ષના ગાળામાં તેની સામે ભીમ એપ, ફ્લિપકાર્ટની ફોનપે, અમેઝોન પે, ગૂગલ પે, જેવી એપને લીધે કટ્ટર સ્પર્ધા થવા લાગી છે, છતાં પેટીએમે બફેટની કંપનીને આકર્ષી. આ એક રોકાણ દ્વારા પેટીએમ કંપની બધી પ્રતિસ્પર્ધીઓ કરતાં નોખી બની ગઈ છે.

દસ ભારતીય ભાષાઓમાં સેવા આપતી આ કંપની મોબાઇલ, ડીટીએચ રિચાર્જ, વીજળી-પાણીનાં બિલની ચુકવણી, ફિલ્મો તથા મેટ્રો રેલવેની ટિકિટની ખરીદી, વગેરે જેવી કેટલીય સુવિધાઓ આપતી થઈ ગઈ છે. તેણે પેટીએમ મોલ દ્વારા ઈ-કોમર્સ ક્ષેત્રે પણ સ્પર્ધા ઊભી કરી છે. ભારતીય રેલવેને તેણે પેમેન્ટ ગેટવે પણ પૂરું પાડ્યું છે. ઉપરાંત, તેણે પેટીએમ પેમેન્ટ્સ બેન્કની પણ સ્થાપના કરી છે. આ વોલેટ પરથી ગ્રાહકો સોનું ખરીદીને તેને વોલ્ટમાં સાચવી પણ શકે છે. બિઝનેસ માટે પણ તેણે એપ શરૂ કરી છે, જેની મદદથી વેપારીઓ પોતાનાં પેમેન્ટ પર નજર રાખી શકે છે. આટલું ઓછું હોય એમ તેણે લોન, જીવન વીમો, ક્રેડિટ કાર્ડ અને મ્યુચ્યુઅલ ફંડની સેવા પણ શરૂ કરી છે. આમ, ટોડ કોમ્બ્સે કહ્યા પ્રમાણે તેણે ભારતમાં પેમેન્ટ્સ અને નાણાકીય સેવાઓના ક્ષેત્રે પરિવર્તન લાવ્યું છે.

પેટીએમે પોતાનો વ્યાપ ઘણો જ વધાર્યો છે. જુલાઈ ૨૦૧૫માં તેની પેરન્ટ કંપની વન૯૭ કોમ્યુનિકેશન્સે ઓગસ્ટ ૨૦૧૫થી શરૂ કરીને ચાર વર્ષના ગાળા માટે ભારતની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોના ટાઇટલ સ્પોન્સરશિપના હક ખરીદી લીધા હતા. સ્થાનિક ક્રિકેટમાં રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, વગેરે માટેના હક પણ એમાં સામેલ છે. આથી ભારતની મુખ્ય રમત ક્રિકેટમાં જ્યાં જુઓ ત્યાં પેટીએમ નજરે ચડે છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક આ વર્ષના અંત સુધીમાં બેન્કિંગ માટેનાં એક લાખથી વધુ આઉટલેટ ખોલવાની તૈયારી કરી રહી છે. થોડી અતિશયોક્તિ સાથે કહી શકાય કે પેટીએમ દિવસે ન વધી એટલી રાત્રે અને રાત્રે ન વધી એટલી દિવસે વધી છે. આથી જ વોરન બફેટ જેવા મહારથીએ તેમાં રોકાણ કરવાનું પસંદ કર્યું છે.