NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2700 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પૂજારાની લડાયક સદી, ભારત ૯૧ રન પાછળ

પૂજારાની લડાયક સદી, ભારત ૯૧ રન પાછળ

 | 2:47 am IST

રાંચી, તા. ૧૮

ચેતેશ્વર પૂજારાની અણનમ સદી તેમજ મુરલી વિજય અને લોકેશ રાહુલની અર્ધી સદીની મદદથી ભારતીય ટીમે વળતી લડત આપતાં મેચના ત્રીજા દિવસે છ વિકેટ ગુમાવી ૩૬૦ રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૪૫૧ રન બનાવ્યા હતા જેને કારણે ભારતીય ટીમ હજુ ૯૧ રન પાછળ છે અને તેની ચાર વિકેટ અકબંધ છે. ત્રીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે પૂજારા ૧૩૦ રને અને સહા ૧૮ રને રમતમાં હતા.   ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધુ ચાર વિકેટ જ્યારે સ્ટીવ ઓ’કીફ અને હેઝલવૂડે ૧-૧ વિકેટ ઝડપી હતી.

ત્રીજા દિવસે ભારતે એક વિકેટે ૧૨૦ રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી જેમાં મુરલી વિજયે પોતાની ૫૦મી ટેસ્ટ મેચમાં અર્ધી સદી ફટકારી ટીમને રાહત પહોંચાડી હતી. પૂજારા અને વિજય સેટ થઈ ગયા હતા. વિજય સદીની નજીક પહોંચ્યો હતો ત્યારે ઓ’કીફેની ઓવરમાં બેજવાબદારી ભર્યો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો જેને કારણે મેથ્યુ વેડે સ્ટમ્પિંગ કરી પવેલિયન મોકલ્યો હતો. વિજયે ૮૨ રન બનાવ્યા હતા. તે પછી મેદાન પર કેપ્ટન વિરાટ કહોલી પહોંચ્યો હતો પરંતુ તે માત્ર છ રન બનાવી સ્લિપમાં સ્મિથને કેચ આપી બેઠો હતો. અજિંક્ય રહાણે પણ ૧૪ રન બનાવી આઉટ થયો હતો. કરુણ નાયરે ત્યારબાદ પૂજારાને સાથ આપતાં ૪૪ રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન પૂજારાએ પોતાની કારકિર્દીની ૧૧મી સદી પૂર્ણ કરતાં ટીમનો સ્કોર ૩૦૦ રનની પાર પહોંચાડયો હતો. ટી બ્રેક બાદ કરુણ નાયર અંગત ૨૩ રન બનાવી આઉટ થયો હતો તે પછી આવેલો અશ્વિન પણ ત્રણ રન બનાવી આઉટ થતાં ભારેતે ૩૨૮ રને છ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી પૂજારા અને સહાએ ત્રીજા દિવસની રમતના અંત સુધી અણનમ ૩૨ રન જોડયા હતા.

પૂજારા-વિજયની જોડીએ સચિન-દ્રવિડનો રેકોર્ડ તોડયો 

ચેતેશ્વર પૂજારા અને મુરલી વિજયે બીજી વિકેટ માટે ૧૦૨ રનની ભાગીદારી નોંધાવવાની સાથે આ જોડીએ સચિન-દ્રવિડનો રેકોર્ડ તોડયો હતો. પૂજારા-વિજયે ૩૭ ટેસ્ટ મેચમાં ૨,૫૦૦ રન જોડયા છે. આ પહેલાં સચિન અને દ્રવિડે ૪૨ ટેસ્ટ મેચમાં ૨,૫૦૦ રન જોડયા હતા. આ લિસ્ટમાં ત્રીજા નંબરે દ્રવિડ-સેહવાગની જોડી આવે છે. આ બંનેએ પણ ૪૨ ટેસ્ટ મેચમાં ૨,૫૦૦ રનની બનાવ્યા હતા.

પૂજારા-વિજય વચ્ચે આ સિઝનમાં છઠ્ઠી શતકીય ભાગીદારી

ચેતેશ્વર પૂજારા અને મુરલી વિજય વચ્ચે રાંચી ટેસ્ટ મેચમાં ૧૦૨ રનની ભાગીદારી નોંધાવી હતી જે બંને વચ્ચે આ સિઝનમાં છઠ્ઠી શતકીય ભાગીદારી હતી. એક સિઝનમાં સૌથી વધુ શતકીય ભાગીદારીનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન અને રિકી પોન્ટિંગના નામે છે. આ બંનેએ વર્ષ ૨૦૦૫-૦૬માં સાત શતકીય ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાએ આ સિઝનની ૧૦ ઇનિંગમાં ૯૫૪ રનની ભાગીદારી નોંધાવી છે અને તેઓ ભારત તરફથી એક સિઝનમાં સૌથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડથી સાત રન પાછળ છે. ભારત તરફથી એક સિઝનમાં સૌથી વધુ રનની ભાગીદારીનો રેકોર્ડ રાહુલ દ્રવિડ અને ગૌતમ ગંભીરના નામે છે. દ્રવિડ-ગંભીરની જોડએ ૨૦૦૮-૦૯ની સિઝનમાં ૧૪ ઇનિંગમાં ૯૬૧ રન જોડયા હતા.

સ્મિથ, મેક્સવેલે કોહલીની મજાક ઉડાવી

રાંચી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમે શનિવારે હદ વટાવતાં કોહલીને ખભામાં થયેલી  ઇજાની મજાક ઉડાવી હતી. વિરાટ કોહલીને મેચના પ્રથમ દિવસે ફિલ્ડિંગ દરમિયાન ખભામાં ઇજા થઈ હતી. તે પછી કોહલી મેદાનની બહાર જતો રહ્યો હતો. તેની ઇજા સ્વસ્થ થતાં શનિવારે બેટિંગમાં ઊતર્યો ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ અચાનક આક્રમક મૂડમાં જોવા મળી હતી. ભારતીય ઇનિંગની ૮૧મી ઓવર પેટ કમિન્સ નાખવા આવ્યો હતો. સ્ટ્રાઇક પર પૂજારા હતો તેણે બોલને લેગ સાઇડ રમ્યો હતો. બાઉન્ડરી પર બોલને જતો રોકવા મેક્સવેલે ડાઇવ લગાવી હતી. ડાઇવ લગાવ્યા બાદ ઊભા થતી વખતે મેક્સવેલે પોતાનો ખભો પકડી કોહલીને ચીડવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ રન દોડયા બાદ કોહલી સ્ટ્રાઇક પર હતો. કમિન્સના ફૂલલેન્થ બોલ પર ડ્રાઇવ લગાવવાના પ્રયાસમાં કોહલી સ્લિપમાં સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. સ્મિથે કેચ પકડી કોહલી તરફ દોડ લગાવી હતી અને તેણે પણ પોતાનો ખભો પકડી લઈ કોહલીની ઇજાની મજાક ઉડાવી હતી.