Pulwama Attack One Year : CRPF Tweet We Did Not Forget
  • Home
  • Featured
  • પુલવામા હુમલાની પહેલી વરસી: શહીદોને CRPFની સલામ, ‘અમે ભૂલ્યા નથી, અમે છોડીશું નહીં’

પુલવામા હુમલાની પહેલી વરસી: શહીદોને CRPFની સલામ, ‘અમે ભૂલ્યા નથી, અમે છોડીશું નહીં’

 | 8:37 am IST

પાકિસ્તાનની નાપાક કરતૂતના લીધે આજના જ દિવસે ગયા વર્ષે આપણે આપણા 40 જવાનોને ગુમાવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની આજે પહેલી વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યું છે. સીઆરપીએફ એ પણ પોતાના જવાનોના યાદ કર્યા અને લખ્યું છે ‘અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી’. 14મી ફેબ્રુઆરીના રોજ જ્યારે હુમલો થયો ત્યારે પણ સીઆરપીએફે કંઇક આવી જ ટ્વીટ કરી હતી.

શુક્રવારના રોજ CRPFએ ટ્વીટ કરી લખ્યું, ‘તમારા શૌર્યના ગીત, કર્કશ શોરમાં ખાવાયા નથી. ગર્વ એટલો હતો કે અમે મોડા સુધી રડયા નથી..’ આગળ લખ્યું, ‘અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી. અમે અમારા ભાઇઓને સલામ કરીએ છીએ, જેમણે પુલવામામાં દેશ માટે જીવ આપ્યો. અમે તેમના પરિવારોની સાથે ખભે ખભે લગાવી ઉભા છીએ.’

આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ પુલવામામાં હુમલો કર્યો હતો. એક ગાડી બોમ્બથી ભરેલી આવી અને CRPFના કાફલા સાથે અથડાઇ. ત્યારબાદ ધમાકાએ 40 જવાનોના જીવ લઇ લીધા.

..ત્યારે CRPFએ કહ્યું હતું, અમે ભૂલીશું નહીં!

જે રીતે ટ્વીટ આજે કરી છે, કંઇક એવી જ ટ્વીટ ગયા વર્ષે કરી હતી. જ્યારે આખો દેશ જવાનોને ગુમાવ્યાના ગમમા હતો, ત્યારે જોશ ભરવા માટે સીઆરપીએફે એક ટ્વીટ કરી હતી. ટ્વીટમાં લખ્યું હતું, ‘અમે ભૂલીશું નહીં, અમે છોડીશું નહીં. પુલવામામાં શહીદ થયેલા જવાનોને અમે સલામ કરીએ છીએ અને તેમના પરિવારોની સાથે છીએ. આ જઘન્ય ગુનાનો બદલો લેવાશે.’

સેનાએ લીધો હતો બદલો

ઉલ્લેખનીય છે કે પુલવામાનો હુમલો કરનાર આતંકીઓને સેનાએ તરત મારવાનું શરૂ કરી દીધું હતું. 100 કલાકની અંદર પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ અને જૈશના સ્થાનિક આતંકી કામરાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ થોડાંક દિવસ બાદ 27મી ફેબ્રુઆરીના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં સેંકડો આતંકીઓને માર્યાનો દાવો કર્યો હતો. આ સિવાય એ આતંકીઓનો પણ ખાત્મો કરી દીધો જેમનું નામ પુલવામાના આતંકી હુમલા સાથે જોડાયું હતું. તેમાં આદિલ અહમદ ડાર, મુદસિર ખાન, કામરાન અને સજ્જાદ ભટ્ટ જેવા નામ સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન