Punjab Political Crisis Navjot Singh Sidhu Letter to Sonia
  • Home
  • Featured
  • સિદ્ધુએ કેમ કહ્યું- ‘પંજાબમાં કોંગ્રેસ પાસે અંતિમ તક’

સિદ્ધુએ કેમ કહ્યું- ‘પંજાબમાં કોંગ્રેસ પાસે અંતિમ તક’

 | 7:29 pm IST
  • Share

  • નવજોતસિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર
  • 13 મુદ્દા સાથે મળવાનો સમય માંગ્યો
  • સોનિયા ગાંધીની શિખામણની સિદ્ધુ પર કોઈ અસર નહીં

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના નેતાઓને મીડિયાના માધ્યમથી વાત ના કહેવાની શીખામણ આપી હતી. જો કે તેના એક દિવસ બાદ જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલો પોતાનો પત્ર ટ્વીટર પર શેર કર્યો છે.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું પરત ખેંચ્યા બાદ સિદ્ધુએ હવે પત્ર લખીને સોનિયા ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. આ સાથે જ સિદ્ધુએ પોતાના પત્રમાં 13 પૉઈન્ટ હાઈલાઈટ કર્યાં છે. જેને પંજાબ સરકારને પૂરા કરવાનું કહેવામાં આવ્યું છે. સિદ્ધુના આ પત્રથી સ્પષ્ટ થઈ ગયું છે કે, પંજાબ કોંગ્રેસમાં આંતરિક કકળાટ હજુ શાંત નથી થયો.

સિદ્ધુ દ્વારા સોનિયા ગાંધીને લખવામાં આવેલો આ પત્ર 15 ઑક્ટોબરનો છે. જે સિદ્ધુએ રવિવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં 13 પોઈન્ટ હાઈલાઈટ કરવામાં આવ્યા છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટીને કામ કરવાનું કહેવામાં આવ્યું છે. સિદ્ધુ એ લખ્યું છે કે, આ કોંગ્રેસ પાસે છેલ્લી તક છે કે તે આ મુદ્દાઓ પર કામ કરે.

સિદ્ધુએ શું લખ્યું સોનિયા ગાંધીને પત્રમાં?
→ સિદ્ધુએ પોતાના પ્રથમ પૉઈન્ટમાં ગુરુ ગ્રંથ સાહિબની બેઅદબીનો મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે, આરોપીઓ વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે. આ સિવાય કોટકપુરા ફાયરિંગ પર કાર્યવાહી કરવામાં આવે.
→ પંજાબમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવતા સિદ્ધુએ કહ્યું કે, STFએ પોતાના રિપોર્ટમાં જે મોટી માછલીઓના હાથ ડ્રગ્સ ટ્રાફિકિંગમાં હોવાનું જણાવ્યું છે, તેમના પર એક્શન લેવામાં આવે.
→ પંજાબ એક કૃષિ પ્રધાન રાજ્ય છે. અહીંના ખેડૂતોની સમસ્યાને દૂર કરવામાં આવે. 3 કૃષિ કાયદા વિરુદ્ધ પાર્ટી સ્ટેન્ડ ક્લિયર કરે. કોલ્ડ સ્ટૉરેજથી લઈને કૃષિ સબંધિત અનેક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે.
→વીજ સંકટથી પંજાબને મુક્તિ મળવી જોઈએ. 24 કલાક વીજળીનો પૂરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સમસ્યાનો અંત લાવવો જોઈએ.
→ દેશમાં કોલસાની કમીને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે. પંજાબમાં વીજળીની માંગ પૂરી કરવા અને સસ્તા સૉલર પાવર પર પણ કામ કરવું જોઈએ.
→ પછાત અને શોષિત જાતિઓના વિકાસ માટે કામ કરવું જોઈએ. આપણી કેબિનેટમાં ઓછામાં ઓછો એક મજહબી શીખ કેબિનેટમાં હોવો જોઈએ. કેબિનેટમાં ઓછામાં ઓછા બે પછાત જાતિના હોવા જોઈએ. રિઝર્વ સંસદીય વિસ્તારોના વિકાસ માટે ઓછામાં ઓછા 25 કરોડ રૂપિયાનું સ્પેશિયલ પેકેજ આપવું જોઈએ. દરેક દલિતને પાકુ મકાન અને ખેતી માટે જમીન આપો.
→ હજારો સરકારી પદો ખાલી પડ્યાં છે, જેમાં ભરતી કરવી જોઈએ. 20થી વધુ યુનિયન ટીચર્સ, ડૉક્ટર્સ, નર્સ, લાઈન મેન, સફાઈ કર્મચારીઓની માંગોને પૂરી કરવી જોઈએ.
→ ઉદ્યોગો અને વેપારીઓની મદદ અને વિકાસ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગૂ કરવાની માંગ કરી છે.
→ મહિલાઓ અને યુવાઓનો વિકાસ થાય
→ પંજાબની રાજ્ય સરકારે દારૂના ધંધા પર એકાધિકાર કરવો જોઈએ, જેવો તમિલનાડુમાં છે. આવું કરવાથી રાજ્ય સરકારને 20 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે.
→ સિદ્ધુએ સેન્ડ માઈનિંગ અને રેત માફિયાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.
→ રાજ્ય સરકાર પંજાબમાં ટ્રાન્સપોર્ટની વ્યવસ્થામાં સુધારો કરે. આવું કરવાથી લોકોને સુવિધા અને રોજગારી બન્ને મળશે.
→ પંજાબમાં કેબલ માફિયાઓ પર કાર્યવાહીની માંગ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ હતુ. જો કે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના હસ્તક્ષેપ બાદ સિદ્ધુએ રાજીનામું પરત ખેંચ્યું હતુ. જો કે સિદ્ધુએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં પોતાની ઓળખ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નથી દર્શાવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો