હેતુપૂર્વક સાફસફાઈ - Sandesh

હેતુપૂર્વક સાફસફાઈ

 | 1:20 am IST

ફોકસ : વસંત કામદાર

તાજેતરમાં આપણે ત્યાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ ત્યારે ઘણા બધા લોકોએ તેને બહુ મહત્ત્વ નહોતું આપ્યું, કારણ કે આપણે ત્યાં સ્વચ્છતાએ જાહેરજીવનમાં હજુયે માનપાત્ર સ્થાન નથી મેળવ્યું. આપણે ત્યાં ઘરની સ્વચ્છતા એ તો સ્ત્રીની એક અનિવાર્ય જવાબદારી ગણાય છે. જોકે હવે આપણાં ઘરોમાં કામવાળી બાઈ કે ઘરઘાટીની જરૂરિયાત વધી રહી છે. આ બાબતે અમેરિકા સહિતના વિકસિત દેશોમાં પરિસ્થિતિ ઘણી જુદી છે. આ દેશોમાં જાહેર સ્વચ્છતાને નોંધપાત્ર મહત્ત્વ આપવામાં આવે છે અને ઘરોની તથા વ્યવસાયિક સ્થળોની સ્વચ્છતા માટે પગારદાર સફાઈકર્મીઓ પણ રાખવામાં આવે છે ત્યાં તો હવે આવા આધુનિક મશીનરી સાથેના તાલીમબદ્ધ અને પગારદાર સફાઈ કર્મચારીઓ પૂરા પાડતી કંપનીઓ પણ અસ્તિત્વમાં આવી છે.

ડેબી સારડોન નામની એક મહિલા અમેરિકા ખાતે આ ક્ષેત્રમાં ટોચનું સ્થાન ધરાવે છે. તે છેલ્લાં ૩૦ વર્ષથી ડલાસ ખાતે બકેટસ એન્ડ બોવ્સ મેઈડ ર્સિવસીસ નામની એક કંપનીનું સંચાલન કરે છે. ડેબીની આ કંપની મલ્ટિનેશનલ છે અને તે ઘરો અને ઈમારતોની સ્વચ્છતા જાળવવા ઉપરાંત સ્વચ્છતા અંગેની તાલીમ પણ પૂરી પાડે છે. વિશ્વની ૩૫૦ કરતાં વધારે કંપનીઓ તેની કન્સલ્ટન્સી મેળવે છે. તેણે વર્ષ ૨૦૧૦માં સ્પીડ ક્લીનિંગ નામની એક બીજી કંપની પણ ખરીદી છે અને એ રીતે તેણે પોતાના આ કારોબારને વધારે વિકસાવ્યો છે. તેઓ હાલમાં ૩ લાખથી વધુ ઘરોને નિયમિત ધોરણે સાફસફાઈ પૂરી પાડે છે.

વર્ષ ૨૦૦૫માં ડેબી પોતાની રોજિંદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતી અને અચાનક તેનો સેલ ફોન રણકી ઊઠયો. સામેથી કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. એ સ્ત્રીનો અવાજ મંદ હતો અને તેમાં ધ્રુજારી પણ હતી. તે હાંફી રહી હોવાથી સ્પષ્ટપણે બોલી પણ શકતી નહોતી. તેણે એવા અવાજે ડેબીને પોતાના ઘરની નિયમિત સાફસફાઈ માટે વ્યવસ્થા કરવા જણાવ્યું. ડેબીએ તેની પાસેથી પૂરી વિગત જાણ્યા પછી પોતાની કંપનીનો ચાર્જ જણાવ્યો. જોકે એ કિંમત બહુ વધારે નહોતી તેમ છતાં એ સ્ત્રીએ જણાવ્યું કે તે એક કેન્સર પેશન્ટ હોવાથી તેનો તબીબી સારવારનો માસિક ખર્ચ ખૂબ વધારે છે અને તેથી તેને ડેબીની કંપનીની ધંધાદારી સેવાઓ પોસાય તેમ નથી.

એ સ્ત્રીએ તો ફોન મૂકી દીધો અને ડેબી તેને કોઈ મદદ પણ ન કરી શકી પરંતુ એ પછીના કલાકો ડેબી જેવી સંવેદનશીલ સ્ત્રી માટે અસહ્ય બની ગયા. તે વેપારી જરૂર હતી પરંતુ તેની ભીતર પણ કરુણા અને સ્નેહથી નીતરતું કોમળ હૈયું ધબકતું હતું. એને પોતાનું બાળપણ યાદ આવી ગયું. તેની માતાને પણ કેન્સરની જીવલેણ બીમારી હતી. તેમને નિયમિતપણે કિમોથેરાપી લેવી પડતી હતી અને એના કારણે તેમનું શરીર તદ્દન નિર્બળ બની ગયું હતું. તદુપરાંત કેન્સરની દવાઓ પણ અતિશય મોંઘી હોવાથી ઘરની અડધી આવક તો એમાં જ ખર્ચાઈ જતી (પોતાના કેન્સરગ્રસ્ત વૃદ્ધ પિતા માટે ૧૪ હજાર રૂપિયાની માત્ર ૧૫ ટેબ્લેટ ખરીદતા જેની આંખમાં આંસુ આવી ગયેલાં એવા કાપડની નાની દુકાનમાં કામ કરતા અને બે નાનાં બાળકોના જુવાન પપ્પાની યાદ આવી ગઈ.)

તેણે ૨૦૦૬માં ક્લીનિંગ ફોર એ રિઝન એટલે કે હેતુપૂર્વક સાફસફાઈ નામની એક સ્વયંસેવી અને બિનનફાકારક સંસ્થાની સ્થાપના કરી. તેણે આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા ઉદ્યોગ સંગઠનના અધિવેશનમાં કેન્સરપીડિત મહિલાઓને મફત સાફસફાઈ પૂરી પાડવાની પોતાની માનવતાવાદી પ્રવૃત્તિની રજૂઆત કરી. અન્ય ૧૨૦૦ જેટલી ક્લીનિંગ કંપનીઓએ તેને ટેકો જાહેર કર્યો અને તેની પ્રવૃત્તિમાં જોડાવાની સહમતી દર્શાવી. ડેમીને પ્રાપ્ત થયેલા આ વૈશ્વિક સાથ અને સહકારના કારણે તેની પ્રવૃત્તિનો વ્યાપ વધી ગયો અને તે અમેરિકા ઉપરાંત બીજા દેશોમાં પણ પોતાની સેવાઓને વિસ્તારી શકી.

એ પછી તેની સંસ્થાને જેમ જેમ પ્રસિદ્ધિ મળતી ગઈ તેમ તેમ વધુ ને વધુ લોકો તેને આર્થિક મદદ કરવા લાગ્યા. આથી વર્ષ ૨૦૧૭માં તેણે પોતાની આ સેવાઓનો લાભ કેવળ મહિલાઓ પૂરતો જ સીમિત નહીં રાખતાં બાળકો અને પુરુષો સુધી પણ વિસ્તાર્યો. તેની કંપનીમાંથી મફત સાફસફાઈની સુવિધા મેળવવા માટે મહિનાની ૧ હજાર કરતાં વધારે અરજીઓ આવે છે અને તેમાંની મોટા ભાગની જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ મળી પણ રહે છે.

તેની આ સેવાનો લાભ લેનાર સ્ટેસી સ્ટીલ નામની એક મહિલાને ગર્ભાશયનું કેન્સર હતું. તેણે જણાવ્યું કે ડેબીએ પૂરી પાડેલી સાફસફાઈની મફત સેવાના કારણે તેની ઘરકામ સંબંધિત ઘણી બધી ચિંતાઓ ટળી ગઈ તદુપરાંત તેને એ સેવાઓ મફત મળી હોવાથી આર્થિક ભારણ પણ ઓછું થયું અને એ બધી રાહતોના કારણે કેન્સરની સારવાર એકંદરે વધારે સરળ બની રહી.

તેની આ પ્રવૃત્તિને વર્ષ ૨૦૧૪માં અમેરિકામાં થઈ રહેલી શ્રેષ્ઠ ૨૫ પ્રવૃત્તિઓમાં સન્માનજનક સ્થાન પણ પ્રાપ્ત થયું છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન