બાળકને આયાનાં ભરોસે મૂકો છો ? - Sandesh

બાળકને આયાનાં ભરોસે મૂકો છો ?

 | 12:12 am IST

ખુલ્લી વાત :- અમિતા મહેતા

સંયુક્ત કુટુંબપ્રથા દૂર થતાં વર્કિંગ વુમન પાસે બાળકોને સાચવવા માટે મેડ કે આયાનો જે વિકલ્પ બચ્યો છે. બધી જ આયાઓ ખરાબ નથી હોતી. પરંતુ એમના વાણી- વર્તનની બાળક પર અસર પડે છે. ઘરમાં પરિવારનાં અન્ય કોઈ સભ્યની હાજરી ન હોય ત્યારે તે ચોરી, બાળક પ્રત્યે લાપરવાહી, બાળકને મારપીટ કે બાળકની ખાવાની ચીજવસ્તુઓ ખાઈ જવા જેવી હરકત કરી શકે. તેથી આયાનાં રાખતા પહેલાં આટલી બાબતનું ધ્યાન રાખો.

બેક ગ્રાઉન્ડ ચકાસણી :- 

મોટા ભાગની સ્ત્રીઓ આજુબાજુનાં સર્વન્ટનાં રેફ્રન્સથી કે કોઈ એજન્સી થ્રૂ આયા રાખે છે. આયા રાખતા પહેલાં એ ક્યાં રહે છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે ? કોઈ ગુનાખોરીમાં એ સંકળાયેલી છે ? આગળની નોકરી એને કેમ છોડી ? એને કોઈ પ્રકારનો રોગ તો નથી ને ? વગેરે બાબતોની ચકાસણી કરવી જરૂરી છે. આ માટે એમ્પ્લોયીનું બેકગ્રાઉન્ડ ચેક કરતી કંપનીને હાયર કરી શકો. અથવા તો એને આપેલા એડ્રેસ પર તમે જાતે જઈને તપાસ કરી આવો. હવે ઓનલાઈન પણ અમુક કંપનીઓ આ કામ કરી આપે છે.

પુરાવા જરૂરથી રાખો 

જે આયા તમારે ત્યાં કામ કરે છે એના બે ફેટા, આધારકાર્ડ, સગાં સંબંધીઓના ફેન નંબર તથા બેન્ક એકાઉન્ટ નંબર અવશ્ય રાખો. એની વિગતો તમારા નજીકનાં પોલીસ સ્ટેશને ચોક્કસ આપો. જેથી તેઓ કોઈ ખોટું કામ કરે તો પોલીસ કમ્પલેઈનમાં સરળતા રહે.

સરપ્રાઈઝ ચેકિંગ 

મોટે ભાગે પતિ- પત્નીનાં ડયૂટી અવર્સ ફીક્સ હોય છે. તેથી આયા ઘરમાં બિન્ધાસ્ત બને છે કારણ કે એને ખબર છે કે હું કંઈપણ કરીશ કોઈ જોવાવાળું નથી. તેથી સપ્તાહમાં એકાદ- દિવસ પતિ- પત્નીમાંથી કોઈ એકે અનિશ્ચિત સમયે ઘરે આવવું જોઈએ. તે શક્ય ન બને તો આજુ-બાજુ રહેતાં મિત્ર કે સંબંધીને વિના જણાવ્યે આંટો મારવાનું કહો. પાડોશીને પણ કોઈ બહાને ઘરે એકાદવાર ડોકિયું મારવાનું જણાવી શકો. જેથી એનાં વર્તનની ચકાસણી થઈ શકે.

ડર રાખો, પરંતુ માનવતા ન ભૂલો 

મોટે ભાગે માણસ ખોટું કામ અભાવમાંથી કરે છે. અગર તમે એને ખાવા પીવાનું કે પગાર ઓછો આપશો, એની વાજબી વાતને ન સાંભળશો કે એનાં સુખ -દુઃખમાં સપોર્ટ ન કરશો તો એનો અભાવ અને ગુસ્સો ઈર્ષ્યામાં પરિર્વિતત થશે અને આ ઈર્ષ્યા બાળકને નુકસાન પહોંચાડવા સુધી જઈ શકે. દરેક વ્યક્તિ પેટમાં જાય એટલું જ ખાય છે તેથી ખાવા- પીવાની કચકચ ઓછી કરો. વારે- તહેવારે નાની ગિફ્ટ આપો અને એનાં સારા કામની પ્રશંસા કરો. અંદરથી એને સંતોષ થશે અને એની કદર થશે તો એ બાળકને નુકસાન નહીં પહોંચાડે છતાં ખોટું કરશે તો ચલાવી ન જ લેવાય એવો ડર ઊભો કરવો પણ જરૂરી છે.

ઘરમાં કેમેરા રાખવા 

બજારમાં આજે એનાલોગ અને આઈ.પી. યાને ઈન્ટરનેટ પ્રોટોકોલ કેમેરા બંને ઉપલબ્ધ છે. એનાલોગ કેમેરા વાયરથી જોડાયેલા હોય છે એને એને ડિજીટલ વીડિયો રેકોર્ડરથી જોડાય છે અને એને ઈન્ટરનેટ દ્વારા ક્યાંય પણ જોઈ શકાય છે. આઈ.પી. કેમેરા વાયરલેસ પણ હોય છે. એમાં કમ્પ્યૂટર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને તમે લેપટોપ, ઓફ્સિ કમ્પ્યૂટર અને ફેન દ્વારા ઘર પર નજર રાખી શકો છો. આ કેમેરા કબાટમાં, દરવાજામાં કે ગુલદસ્તામાં નજરે ન પડે એ રીતે પણ મૂકી શકાય છે.

બેબી મોનિટરથી બાળકની નજીક રહો 

સી.સી.ટી.વી. કેમેરા ઉપરાંત બેબી મોનિટર કેમેરા પણ બજારમાં ઉપલબ્ધ છે. જેનાં દ્વારા માતા- પિતા ન માત્ર પોતાની નાના બાળકો પર નજર રાખી શકે છે. પરંતુ એની સાથે વાત પણ કરી શકે છે. માતા- પિતા આ મોનિટર્સ દ્વારા બાળકોનાં અવાજ -શ્વાસ પર નજર રાખી શકે છે. બાળક ઊઠે એની પણ ખબર પડી શકે છે. આ મોનિટર પેરેન્ટસ્ની સાથે ડોકટર્સનાં ફેન કે પી.સી. સાથે કનેક્ટ કરી શકાય. જે બાળકની શરદી, ખાંસી, રેશિઝ કે અન્ય સમસ્યાઓને આરામથી જોઈ શકે.

[email protected]