પીવી સિંધુ, શ્રીકાંત અને પ્રણોય બીજા રાઉન્ડમાં, સમીર બહાર - Sandesh
  • Home
  • Newspaper
  • પીવી સિંધુ, શ્રીકાંત અને પ્રણોય બીજા રાઉન્ડમાં, સમીર બહાર

પીવી સિંધુ, શ્રીકાંત અને પ્રણોય બીજા રાઉન્ડમાં, સમીર બહાર

 | 2:27 am IST

। ટોકિયો ।

ભારતીય બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ, એચ. એસ પ્રણોય અને કિદાંબી શ્રીકાંતે જાપાન ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજયી પ્રારંભ કરતાં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. મહિલા સિંગલ્સમાં વૈષ્ણવી રેડ્ડી જક્કા અને પુરુષ સિંગલ્સમાં સમીર વર્માનો પરાજય થતાં બહાર થઈ ગયા છે.

પી. વી. સિંધુએ સ્થાનિક ખેલાડી સયાકા તાકાહાશીને ૫૩ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૭, ૭-૨૧, ૨૧-૧૩થી પરાજય આપ્યો હતો. સિંધુનો તાકાહાશી સામે આ પાંચમો મુકાબલો હતો જેમાં ત્રીજી વખત જીત મેળવી હતી. બીજા રાઉન્ડમાં સિંધુનો સામનો ચીનની ગાઓ ફેંગજી સામે થશે જેણે બીજા રાઉન્ડમાં ભારતની વૈષ્ણવી રેડ્ડી જક્કાને ૨૧-૧૦, ૨૧-૮થી પરાજય આપ્યો હતો.

પુરુષ સિંગલ્સમાં એચ. એસ. પ્રણોયે પ્રથમ રાઉન્ડમાં એશિયન ગેમ્સમાં પુરુષ સિંગલ્સના ગોલ્ડ મેડલ વિજેતા ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને ૨૧-૧૮, ૨૧-૧૭થી હાર આપી હતી. પ્રણોયનો ક્રિસ્ટી સામે આ બીજો વિજય છે. આ પહેલાં પ્રણોયે એશિયન ગેમ્સની ટીમ ઇવેન્ટમાં પણ ક્રિસ્ટીને પરાજય આપ્યો હતો. બીજા રાઉન્ડમાં પ્રણોયનો સામનો ઇન્ડોનેશિયાના એન્થની સિનિસુકા ગિટિંગ્સ સામે થશે.  કિદાંબી શ્રીકાંતે ચીનના હુઆંગ યુઝિયાંગને ૨૧-૧૩, ૨૧-૧૫થી હરાવ્યો હતો. શ્રીકાંતનો યુઝિયાંગ સામે આ ચોથા મુકાબલા પૈકી આ ત્રીજો વિજય હતો. બીજા રાઉન્ડમાં શ્રીકાંતનો સામનો વાંગ વિંગ કી વિન્સેન્ટ સામે થશે. ગત અઠવાડિયે હૈદરાબાદ ઓપનનું ટાઇટલ જીતનાર સમીર વર્માનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થયો હતો. સમીરને કોરિયાના લી ડોંગ કિયુને ૨૧-૧૮, ૨૦-૨૨,૨૧-૧૦થી પરાજય આપ્યો હતો.

મિક્સ ડબલ્સમાં પ્રણવ જેરી ચોપરા અને એન. સિક્કી રેડ્ડીની જોડીએ અમેરિકાના મેથ્યુ ફોગાર્ટી અને ઇસાબેલ ઝોંગને ૨૧-૯, ૨૧-૬થી પરાજય આપ્યો હતો. અન્ય એક ભારતીય જોડી સાત્વિક સાંઇરાજ રેન્કિરેડ્ડી અને અશ્વિની પોનપ્પાને ચીનના વોગ યિલયુ અને હુઆંગ ડોંગપિંગની જોડીએ ૨૧-૧૦, ૨૧-૧૪થી હરાવી બહાર કરી હતી.

;