ક્વેઇલ પંખી કલાક દીઠ ૬૪ કિલોમીટરનું અંતર કાપી શકે છે - Sandesh
  • Home
  • Kids Corner
  • ક્વેઇલ પંખી કલાક દીઠ ૬૪ કિલોમીટરનું અંતર કાપી શકે છે

ક્વેઇલ પંખી કલાક દીઠ ૬૪ કિલોમીટરનું અંતર કાપી શકે છે

 | 12:40 am IST

જંગલબુક :- નિરવ દેસાઇ

ક્વેઇલ જમીન પર રહેનારું પક્ષી છે. તે વધારે ઊંચાઈ સુધી ઊડી શક્તું નથી. તેમજ તેઓ મોટેભાગે જમીન પર જ પોતાનો માળો બનાવે છે. ક્વેઇલ પક્ષીનું માંસ સ્વાદિષ્ટ હોવાથી લોકો તેનો શિકાર કરે છે અને ખાય છે. જેના કારણે તેમની વસ્તી ધીરેધીરે ઓછી થઈ રહી છે. આજ કારણે વન્ય જીવન સંરક્ષણ કાનૂન, ૧૯૭૨ મુજબ ક્વેઇલનો શિકાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  ક્વેઇલની કેટલીક જાતિઓને ઘરમાં પાળે પણ છે. તેના ઇંડાંને તેમજ તેનાં માંસને કેલિફોર્નિંયાના વાસીઓ ખાવા તરીકે ઉપયોગમાં છે. જેના કારણે તેમની સંખ્યા ઓછી થતી રહી છે. ૨૦૦૭માં યુ.એસ.માં લગભગ ૪૦ લાખ જેટલાં ક્વેઇલ હતાં. તેમજ ક્વેઇલનું સામૂહિક ઝુંડ કોવી અથવા ક્યુર તરીકે ઓળખાય છે. આપણે જાણીએ છીએ કે આપણા આહારને સંતુલિત બનાવવા માટે આપણે ખોરાકમાં દૂધ, ઇંડાં અને માંસ ખાઈએ છીએ. ક્વેઇલમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. હિન્દીમાં એક કહેવત છેને, પાલો બટેર, બટોરે ફાયદે ઢેર .

સામાન્ય રીતે ક્વેઇલ નાની પૂંછળીવાળું  પક્ષી છે. ક્વેઇલની આશરે ૧૩૦ જેટલી જાતો હોય છે. દક્ષિણ-પશ્ચિમ ક્વેઇલને એક ખાસ પ્રકારની પાંખો હોય છે. જેનાથી તે પોતાના શરીરને ઢાંકી શકે છે. ગેમ્બેલ્સ અને કેલિફોર્નિંયાના ક્વેઇલ પક્ષી દક્ષિણ-પશ્ચિમ, તેમજ ઉત્તર અમેરિકામાં સૌથી વધુ જોવા મળતા રમતિયાળ પક્ષી છે. ક્વેઇલની બે પ્રજાતિઓમાં સમાન ગુણધર્મો અને દેખાવ હોવાથી ઘણીવાર ઓળખવામાં ગુંચવણભર્યું રહે છે. પણ મેલ ક્વેઇલને તેના નીચેના છાતીના ભાગે કાળો ડાઘો હોય છે. જેનાથી તેની જાતિને ઓળખી શકાય છે. જો કે કેલિફોર્નિંયાના ક્વેઇલમાં આ ડાઘો હોતો નથી.

નર ક્વેઇલના માથા પર તાંબાના રંગની કલગી હોય છે અને તેનું મોઢું કાળા રંગનું હોય છે. તેમજ મોઢા પર સફેદ રંગના પટ્ટા હોય છે. તેનાથી વિપરીત માદા ક્વેઇલના માથાનો રંગ અને તેના શરીરનો ભુરો રંગ એક જ જેવો હોય છે. તેમજ તેની કલગી પણ તેના શરીરના રંગથી મેળ ખાતી હોય છે. તેની લંબાઈ આશરે દસથી બાર ઇંચ જેટલી હોય છે. તેમજ તેની પાંખો વચ્ચેનું અંતર ચૌદથી સોળ ઇંચ જેટલું હોય છે. ક્વેઇલનું સરેરાશ વજન ૪.૯થી ૮.૧  કિલોગ્રામ જેટલું હોય છે. તે પોતાનો મોટાભાગનો સમય જમીન પર વિતાવે છે. તે જમીર પર ખાડો ખોદીને પોતાનો ખોરાક શોધે છે. ક્વેઇલ મિલનસાર પક્ષી છે. તે હંમેશાં કબૂતરોના નાના ઝુંડમાં રહે છે. તેઓ મોટે ભાગે જમીન પર ચાલવાનું પસંદ કરે છે, પણ ક્યારે તે આકાશમાં અમુક ઊંચાઈ સુધી ઊડે છે. ત્યારે તે કલાક દીઠ ૪૦ માઈલનું અંતર કાપે છે. જો કે તે લાંબા સમય સુધી આકાશમાં ઊડી શક્તું નથી. ક્વેઇલ પોતાનું સમગ્ર જીવન ૪૦ એકરના ત્રિજ્યાની અંદર પસાર કરે છે. વસંતઋતુમાં માદા ક્વેઇલ ઇંડા મૂકે  છે. તેવામાં માદા ક્વેઇલ પોતાનો માળો બનાવે છે અને થોડા દિવસમાં તે બારથી સોળ જેટલાં ઇંડાં મૂકે છે. માદા ક્વેઇલ ત્રણ મહિના સુધી તે ઇંડાં પર બેસે છે. નર અને માદા બંને ક્વેઇલ ભેગા થઈને તેમના બચ્ચાંની સારસંભાળ રાખે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન