Quality and price have a big impact on surviving the competition
  • Home
  • Columnist
  • સ્પર્ધામાં ટકી રહેવા ગુણવત્તા અને કિંમત મોટી અસર કરે છે

સ્પર્ધામાં ટકી રહેવા ગુણવત્તા અને કિંમત મોટી અસર કરે છે

 | 6:10 am IST
  • Share

આયોજન : સંસાધનોનો ઉપયોગ ઘણો વિવેકપૂર્વક વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ

નાણાકીય બજેટ અને ઉપલબ્ધ સંસાધનો દ્વારા પ્રાપ્ત કરી શકાય તેવા વાસ્તવિક લક્ષ્યોની પસંદગી ખૂબ કાળજીથી કરવી જોઈએ.

મેનેજમેન્ટ એટલે સંસ્થાના લક્ષ્ય સુધી પહોંચવાનું અને તે પણ માર્યાદિત સંસાધનો સાથે. હા હંમેશાં દરેક ધંધા કે વ્યવસાયમાં સંસાધનોનોનું કાર્યક્ષમ અને અસરકારક પ્લાનિંગ ઘણું અગત્યનું છે. ગોલ કે લક્ષ્ય તો સિદ્ધ કરી લેવાય પણ તે સિદ્ધ કરવામાં કેટલા સંસાધનો વપરાય અને તે પ્રક્રિયાનું અસરકારક આયોજન થયું કે નહીં તે સાચા અર્થમાં આપણા લક્ષ્ય પ્રાપ્તિનું પરિમાણ છે. કારણ કે, લક્ષ્ય હાંસલ કરવામાં સંસાધનોનો વ્યય કે દુરુપયોગ થાય એ કાર્યક્ષમ કે અસરકારક મેનેજમેન્ટ નથી. મેનેજમેન્ટનો અંતિમ ધ્યેય નિર્ધારિત લક્ષ્ય હાંસલ કરવાનું હોય છે પરંતુ એમાં દરેક પ્રક્રિયા ચોક્કસ અને અસરકારક થાય એ એટલું જ જરૂરી છે. દરેક પ્રક્રિયા માટે ચોક્કસ માપદંડ નક્કી કરીને તે પ્રક્રિયા એ ધારાધોરણો પ્રમાણે થાય છે કે નહીં એ જોવાનું રહ્યું.  

કાર્યક્ષમતા : ધ્યેય હાંસલ કરવા માટે સંસાધનોનો કેટલો સારી રીતે ઉપયોગ થાય છે તેનું માપ. 

અસરકારકતા : પસંદ કરેલા ધ્યેયોની યોગ્યતાનું માપ (શું આ સાચા ધ્યેયો છે?) અને તેઓ કયા સ્તરે પ્રાપ્ત થાય છે 

એક વખત ધારી પણ લઈએ કે સંસાધનો માર્યાદિત નથી તો પણ તેનો વ્યય તો ના થાય ને. સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવા માટે આપણી સેવા કે ઉત્પાદનોની અને ગુણવત્તા હંમેશાં સારી અને કિંમત સ્પર્ધાત્મક હોવી જરૂરી છે. એટલે જ સંસાધનોનો ઉપયોગ ઘણો વિવેક પૂર્વક વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. ઘણા ઉત્પાદનમાં કાચો માલ દરેક સમયે ઉપલબ્ધ નથી હોતો, તો એ સંજોગોમાં જ્યારે પણ તે ઉપલબ્ધ છે ત્યારે તેને એક સારા ભાવમાં લઈને ભવિષ્ય માટે સંગ્રહ કરવો જોઈએ. અને તે સમયે આપણે તેને મેળવીને સંગ્રહ કરવામાં ભૂલ કરીએ તો ભવિષ્યમાં ઉત્પાદનને પહોંચી વળવા માટે કદાચ મોંઘા ભાવે પણ ખરીદી કરવી પડે. કારણ કે, આપણે પણ આગળ આપણા માલની ડિલિવરી કરવાનો વાયદો આપ્યો છે. તો આ પરિસ્થિતિમાં કદાચ આપણે વાયદો પાળી શકીશું પણ મોંઘા ભાવની કાચા માલની ખરીદીને લીધે નફો ચોક્કસ પણે ઘટશે કે નહીં થાય. આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એ માટે આગોતરું આયોજન ઘણું મહત્ત્વનું છે. આપણી પાસે બજાર કિંમતોની મોસમી વધઘટ અને કાચા માલની ઉપલબ્ધતા વિશે માહિતી હોવી જોઈએ અને તે મુજબ યોજના બનાવવી જોઈએ.  

હા ઘણી વાર ધ્યેય નિર્ધારિત કરવામાં ભૂલ થાય છે અને તે કારણે ઘણા સંસાધનોનો વ્યય તો થાય છે જ અને ધ્યેય હાંસલ કરવા માટે જવાબદાર એવા મેનેજરને નેગેટિવ માર્કિંગ પણ મળી શકે છે. નાણાકીય બજેટ અને ઉપલબ્ધ સંસાધનો દ્વારા પ્રાપ્ત કરી શકાય તેવા વાસ્તવિક લક્ષ્યોની પસંદગી ખૂબ કાળજીથી કરવી જોઈએ. તેના માટે એક વિશેષ અનુભવી ટીમની નિમણૂક કરવી જોઈએ જે માત્ર આવા ધ્યેયો જ નક્કી જ નહીં કરે પરંતુ તેની તરફની પ્રગતિની સમીક્ષામાં સ્ટિયરિંગ કમિટી તરીકે કામ કરશે અને જરૂર પડે તરત માર્ગદર્શન આપશે.  

આને માટે સ્ટાન્ડર્ડ નક્કી કરવાની અને તેને ચોક્કસ પણે અનુસરવાની પદ્ધતિ નિર્ધારિત કરવામાં આવેલી છે. કયારેક પ્રક્રિયા માટે નિર્ધારિત સ્ટાન્ડર્ડ / માનક નક્કી કરવામાં આવે અને જ્યારે પ્રક્રિયા ખરેખર થાય ત્યારે તેમાં થતા વપરાશને નિર્ધારિત માનંક સાથે સરખાવામાં આવે, તેમાં થોડું તો તફાવત આવે તો ચાલે પરંતુ નિર્ધારિત માત્ર કરતા વધારે તફાવત ના ચલાવી લેવાય અને એવી પરિસ્થિતિમાં ફરીથી આખી પ્રક્રિયાની ફરીથી સમીક્ષા કરીને તેમાં જરૂરી ફેરફાર કરવા પડે. અને આ રીતે પ્રક્રિયા અને તેમાં વપરાતા સંસાધનો અને સમયને એક પૂર્વનિર્ધારિત માનક કે ધોરણો પ્રમાણે ચલાવી શકાય. તફાવત આવવો કે નિર્ધારિત સમય મુજબ કામ ના થવું તેવું ઘણી વાર બને એનાથી નાસીપાસ થવાની જરૂર નથી બસ શાંત મને અવલોકન કરો કે ક્યાં ખોટું થયું છે અને એને માટે આપણે પોતે કે બીજા કોઈ બાહ્ય પરિબળો જવાબદાર છે? અને એ પ્રમાણે ફેરફાર કરીને ફરીથી કામમાં લાગી જાઓ. ચોક્કસ ધોરણોની મર્યાદામાં રહીને જો મહદંશે ઉત્પાદન કે બીજી પ્રક્રિયાઓ ચાલે તો પરિણામ સ્વરૂપે એ ઉપ્તાદન કે સેવાની ગુણવત્તામાં સાતત્ય જળવાઈ રહે અને સ્પર્ધાત્મક કિંમતે આપણે તેને બજારમાં ઉપલબ્ધ કરાવી શકીએ. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો