ઝડપથી ફેલાઈ રહ્યા છે દવારોધક સુપર બગ - Sandesh
  • Home
  • Newspaper
  • ઝડપથી ફેલાઈ રહ્યા છે દવારોધક સુપર બગ

ઝડપથી ફેલાઈ રહ્યા છે દવારોધક સુપર બગ

 | 2:25 am IST

યુનિવર્સિટી ઓફ મેલબર્નના સુપર બગ ઉપરના તાજા અભ્યાસે વિશ્વભરની હોસ્પિટલોને ચોંકાવી દીધી છે. આ યુનિવર્સિટીના સંશોધકોએ એક નવા સુપર બગને શોધી કાઢયો છે, જે હાલમાં જાણીતી તમામ દવાઓ સામે ટકી જવાની ક્ષમતા ધરાવે છે. સ્ટેફિલોકોકસ એપિદરમિડિસ નામનો આ સુપર બગ માનવજાતની ચામડીમાં જોવા મળ્યો છે. આ સુપર બગની ત્રણ જાતિ જોવા મળી છે, જે એક કરતાં વધુ દવા સામે ઝીંક ઝીલવાની શક્તિ ધરાવે છે. મતલબ કે તેના થોડા અમથા કે મોટા ઇન્ફેક્શનની સામે લડવું પણ અતિ મુશ્કેલ બની જાય છે.

આ અભ્યાસમાં એ જણાયું છે કે આ નવો સુપર બગ વધુ ખતરનાક છે, કેમ કે તે હોસ્પિટલોનાં ઇન્સેન્ટિવ કેર યુનિટમાં જોવા મળે છે અને તેને કારણે ત્યાં સારવાર લેતા નબળી રોગપ્રતિકાર શક્તિ ધરાવતા માંદા દર્દીઓને ચેપગ્રસ્ત બનાવી શકે છે, વળી આ એ વિસ્તાર છે, જ્યાં સૌથી વધુ શક્તિશાળી એન્ટિબાયોટિક્સ મોટી સંખ્યામાં હોય છે, જેને કારણે આ સુપર બગ તેની સામે ટકી જવાની ક્ષમતા ધરાવતા થઈ ગયા છે, જ્યારે આવા બેક્ટેરિયા માંદા લોકોના સંપર્કમાં આવે છે ત્યારે એ દર્દીનું શરીર એવું નબળું પડી ગયું હોય છે જે તે રોગ સામે લડી શકતું નથી અને તે દર્દીમાં ચેપ લગાડી શકે છે.  એ પણ ખાસ નોંધવા જેવું છે કે વિશ્વ આરોગ્ય સંગઠને તો બહુ લાંબા સમય પહેલાં જ દવારોધક બેક્ટેરિયાની જુદી જુદી પ્રજાતિ સામે ચેતવણી આપી દીધી છે.  ભારત માટે આ ગંભીર સમસ્યા છે.

ભારતમાં મંજૂરી નહીં પામેલી કેટલીય દવાઓનું વેચાણ થાય છે, જેમાંથી કેટલીક તો એકબીજાની પ્રતિરોધક દવા હોય છે અને એન્ટિબાયોટિક્સ દવાનો આડેધડ ઉપયોગ થાય છે. સરવાળે એન્ટિમાઇક્રોબાયનલ રેઝિસ્ટન્સને મર્યાદિત કરવું, તેના પર નિયંત્રણ કરવું અને તેનું નિદાન કરવું અતિ મુશ્કેલ થઈ જાય છે. તબીબો પણ યોગ્ય દવાઓ પ્રિસ્ક્રાઇબ કરતા નથી અને તેને કારણે દર્દીની રોગપ્રતિકારશક્તિ ઘટે છે, એ ઓછું હોય તો તેને કારણે સુપર બગ વધુ જમાવટ કરતા થઈ જાય છે. કેટલીય જુદી જુદી દવા નેશનલ ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી વિના જ બજારમાં વેચાતી થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.