રાફેલવિવાદ ચગાવીને રાહુલ ગાફેલ પુરવાર થયા છે?  - Sandesh
  • Home
  • Columnist
  • રાફેલવિવાદ ચગાવીને રાહુલ ગાફેલ પુરવાર થયા છે? 

રાફેલવિવાદ ચગાવીને રાહુલ ગાફેલ પુરવાર થયા છે? 

 | 4:01 am IST

ફોર્થ ડાઇમેન્શન :-  વિનોદ પંડયા

નવમી ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ૨૦૦૯ના વરસ દરમિયાન ભારતીય વાયુસેનાનાં કેટલાં વિમાનો અકસ્માતમાં નાશ પામ્યાં હતાં? ત્યારના રક્ષામંત્રી એ. કે. એન્ટોનીએ જવાબ આપ્યો હતો કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સવાલનો જવાબ આપી શકાય તેમ નથી. તે અગાઉ આઠ ઓક્ટોબર, ૨૦૦૮ના રોજ પૂછવામાં આવ્યું હતું કે સંરક્ષણદળો માટે ભારત સરકાર કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર સ્થાપવા માગે છે?

એન્ટોનીએ એ જ જવાબ આપ્યો કે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને તે જવાબ આપી શકાય નહીં. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ ૧૯૬૨નાં યુદ્ધ વિષેનો હન્ડરસન બ્રુક રિપોર્ટ હજી પણ કલાસિફાઇડ(ગુપ્ત) છે કે? એ સવાલના જવાબમાં એન્ટોનીએ કહ્યું હતું કે રિપોર્ટમાંની સંવેદનશીલ બાબતોને કારણે તેને જાહેર કરી શકાય તેમ નથી. નવ માર્ચ, ૨૦૦૫ના રોજ સવાલ પુછાયો હતો કે ભારતીય સેનાએ પોતાના એક ઉપગ્રહ(સેટેલાઇટ)ની જરૂર છે તે શું સાચી હકીકત છે ? ત્યારના કોંગ્રેસી રક્ષા મંત્રી પ્રણવ મુખરજીએ પણ એ જ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી કોઈપણ માહિતી જાહેર કરવાની ના પાડી હતી. વિદેશની ધરતી પર મોકલવામાં આવેલાં ભારતીય દળોનાં હેલિકોપ્ટરો વિશે, રક્ષામંત્રી એ. કે. એન્ટોનીએ ૧૪ માર્ચ, ૨૦૧૨ના રોજ, મિત્ર દેશો સાથેના સંબંધો અને વ્યૂહાત્મક ગંભીરતાને કારણે વિગતો આપવાની ના પાડી હતી. સેનાના ફિલ્ડ ટ્રાયલ રિપોર્ટ લીક થયા હતા તે(૯ માર્ચ, ૨૦૧૧) ભારતનું ડ્રોન વિમાન તૂટી પડયું તે(૨૫ ઓગસ્ટ, ૨૦૧૦) વિગતો એ જ કારણ આપીને જાહેર કરાઈ ન હતી.

રાહુલ ગાંધી વારંવાર સવાલ ઉઠાવી રહ્યા છે કે ડોકા લા સરહદ પરની ચાઇનીઝ પ્રવૃતિઓ પર વડા પ્રધાન અને સરકાર દેશને અંધારામાં રાખી રહ્યા છે. હવે સંસદમાં ૯ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ એન્ટોનીએ જે જવાબ આપ્યો હતો તેને ડોકા લા મુદ્દા સાથે સરખાવી જુઓ. પૂછવામાં આવ્યું હતું કે અરુણાચલમાં સરહદ પર ચીની સેના દ્વારા જે લશ્કર ગોઠવવામાં આવ્યું છે તે મુદ્દા પર કમાન્ડોની કોન્ફરન્સમાં કોઈ ચર્ચા થઈ હતી કે કેમ? જવાબમાં એન્ટોનીએ એ જ સ્ટોક રિપ્લાય આપ્યો હતો.

યુપીએ સરકારના દસ વરસનાં શાસનમાં ૧૪ સવાલોના આ રીતે જ જવાબો અપાયા છે અને હવે રાહુલ ગાંધી રાફેલ વિમાનોના સોદા વિશે સવાલો કરે છે. વર્તમાન ભાજપ સરકાર અને અરુણ જેટલી જે જવાબો આપી રહ્યા છે તે રાહુલને સ્વીકાર્ય નથી. રાહુલે પોતાના પક્ષના ઇતિહાસનું હોમવર્ક બરાબર કર્યું નથી. રાફેલ વિમાનના સોદા વિશે જેટલી પણ એમ કહી રહ્યા છે કે તેની કિંમતની વિગતો જાહેર કરીએ તો એ વિમાનો કેવી સિસ્ટમથી સજ્જ છે તેની દુશ્મનોને ખબર પડી જાય. આ કારણથી રાહુલ ગાંધીની જીદ ઘણાને પસંદ આવી નથી. હકીકતમાં રાહુલ અને કોંગ્રેસ ગુપ્તતાની એ સિસ્ટમ સામે લડી રહ્યા છે જે એમણે પોતે જ ઊભી કરી છે.

બોફોર્સકાંડ અને અગુસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના કાંડથી ખરડાયેલી કોંગ્રેસ બીજાનાં તથાકથિત પાપોને જાહેર કરીને અથવા જાહેર કરવાનું નાટક કરીને ગાંધી કુટુંબ અને કોંગ્રેસને પાપમુક્ત જાહેર કરવા મથી રહ્યા છે, તેનો અર્થ એ નથી કે દેશમાં કંઈક ખોટું થઈ રહ્યું હોય તો રાહુલે કે બીજા કોઈપણે તે બહાર ન લાવવું. અવશ્યપણે લાવવું જોઈએ પણ શરત એ છે કે એ સિદ્ધાંતો અથવા પ્રોસિજરને ત્યારે પણ વળગી રહેવું જોઈએ જ્યારે તેઓ સત્તા પર હોય. સત્તા પર હોય ત્યારે જુદા નિયમો અને સત્તા ન હોય ત્યારે જુદા નિયમો અખત્યાર કરવા એ દંભી રાજનીતિ છે અને રાહુલનું વલણ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

મુદ્દો રાષ્ટ્રની સલામતીનો છે તેથી સંવેદનશીલ છે. એવું નથી કે ભાજપ પવિત્ર જ છે અને તેણે બધું નિષ્ઠાપૂર્વક કર્યું હશે. ગોપનીયતાની વ્યવસ્થા કુકર્મ કરવા પ્રેરતી હોય છે પણ એવા કોઈ પાકા સંકેતો નથી કે ભ્રષ્ટાચાર થયો છે. માત્ર અટકળોના આધારે તેને વિવાદ બનાવીને ચગાવવો તે રાષ્ટ્રીય નેતા બનવા માટેનાં યોગ્ય લક્ષણ નથી. રાહુલ ચીની દૂતાવાસમાં પહોંચી જાય છે, મણિશંકર ઐય્યર મોદીને હટાવવા માટે પાકિસ્તાનીઓને અરજ કરે તો તેઓએ જઈને ડોકા લા મુદ્દા પર પણ ચીનને પૂછી લેવું જોઈએ. કોંગ્રેસની મૂર્ખામીઓનો અને બાલિશતાનો કોઈ અંત આવતો નથી. સત્તા પર હતા ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા ખૂબ પ્રિય હતી તો અત્યારે પણ ખાનગીમાં હિસાબકિતાબ જાણી લેવા જોઈએ અને મજબૂત પુરાવા મળે તો વિરોધમાં આગળ વધવું જોઈએ. કોંગ્રેસનાં શાસન વખતે દેશનાં શસ્ત્રાગારોમાં યુદ્ધ માટે તૈયાર રહેવા જેટલો શસ્ત્રસરંજામ હોવો જોઈએ તે ઘટીને અડધો થઈ ગયો હતો. ૪૦ દિવસની તૈયારી હોવી જોઈએ તેની સામે માત્ર ૨૦ દિવસ ચાલે એટલો સરંજામ હતો જેની સીએજીએ પોતાના રિપોર્ટમાં ગંભીર નોંધ લીધી હતી. રાહુલ પોઇન્ટ સ્કોર કરવા મુદ્દા ઉછાળે છે. રાષ્ટ્રહિત તો અગાઉ પણ અનહદ જોખમાયું હતું. બહેતર એ છે કે રાહુલ જાહેર કરે કે પોતે પ્રમુખ બન્યા તે અગાઉનાં કોંગ્રેસનાં કૃત્યો કે નિર્ણયો પોતાને માટે બાધક નથી અને હવેથી પોતે સત્તાના મિલનમાં કે વિયોગમાં એક સરખું જ વર્તન કરશે.

સંરક્ષણ મંત્રાલયોના અધિકારીઓ કહે છે કે ફ્રાન્સની કંપની રાફેલ સાથે મનમોહન સરકારે જે ડીલ કરી હતી તેના કરતાં મોદી સરકારે જે ડીલ કરી છે તે ખૂબ જ બહેતર છે. હાલમાં નવ કરોડ દસ લાખ યૂરો(લગભગ સાત સો અઢાર કરોડ રૂપિયા)માં વિમાન પડશે જે મનમોહન સરકાર કરતાં એક કરોડ યૂરો(લગભગ ઓગણાએંસી કરોડ રૂપિયા) સસ્તું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે મોદી સરકારે જે કિંમતે સોદો કર્યો છે તેના કરતાં યુપીએ સરકારે ઓછી કિંમતે સોદો નક્કી કર્યો હતો. બંને સોદાની વિગતો અલગ અલગ છે. ફ્રાન્સથી તૈયાર લાવવાનાં અને બાકીનાં ઘરઆંગણે નિર્માણ થનારાં વિમાનોની સંખ્યા બંને ડીલમાં અલગ અલગ હતી તેથી બંને સોદાની વિગતો પૂર્ણપણે સરખાવી શકાય નહીં.