rafael-nadal-pulled-out-of-the-atp-final-due-to-knee-injury
  • Home
  • Sports
  • ઘૂંટણની ઈજાને કારણે રફેલ નડાલ એટીપી ફાઇનલ્સમાંથી ખસી ગયો

ઘૂંટણની ઈજાને કારણે રફેલ નડાલ એટીપી ફાઇનલ્સમાંથી ખસી ગયો

 | 12:26 am IST

સ્પેનના રફેલ નડાલ ઈજાને કારણે આગામી 11મી નવેમ્બરથી શરૂ થઈ રહેલી વર્ષની અંતિમ ટૂર્નામેન્ટ એટીપી ફાઇનલ્સમાંથી ખસી ગયો છે. નડાલ ખસી જતાં 10મો ક્રમાંક ધરાવતા અમેરિકાના જ્હોન ઇસનેરને સ્થાન અપાયું છે. બીજો ક્રમાંક ધરાવતો રફેલ નડાલને એટીપી ફાઇનલ્સમાં ટોચનો ક્રમાંક અપાયો હતો.નડાલ એટીપી ફાઇનલ્સમાંથી ખસી જતાં હવે નોવાક જોકોવિચ માટે વર્ષનો અંત નંબર વન તરીકે કરવાનું નિશ્ચિત કરી દીધું છે.

નડાલે કહ્યું કે, તેના જમણા પગના ઘૂંટણનું ઓપરેશન કરાવવાનું છે જ્યારે તેના પેટમાં પણ તકલીફ છે જેને કારણે તે ગત અઠવાડિયે પેરિસ માસ્ટર્સમાંથી પણ ખસી ગયો હતો. નડાલનો એટીપી ફાઇનલ્સમાંથી ખસવાનો સીધો ફાયદો જોકોવિચને થયો છે. હવે જોકોવિચ પાંચમી વખત વર્ષના અંતે નંબર વન ખેલાડી તરીકે સમાપન કરશે. ઉલ્લેખનીય છે કે, રફેલ નડાલ વર્ષ 2005થી સતત 14મા વર્ષે એટીપી ફાઇનલ્સ માટે ક્વોલિફાઇ થયો હતો પરંતુ તે આ પૈકી સાત વખત ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો હતો.

નડાલે કહ્યું કે, મારા માટે વર્ષનું સમાપન અહીં જ થઈ ગયું છે. મારા માટે આ સિઝન ઘણું કન્ફ્યૂઝ રહ્યું છે. ટેનિસની રીતે સારું પરંતુ ઈજાની રીતે ઘણું ખરાબ રહ્યું છે. નડાલે આ વર્ષે ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું જ્યારે વિમ્બલ્ડન અને યુએસ ઓપનની સેમિમાં પહોંચ્યો હતો. યુએસ ઓપનમાં ઈજાને કારણે ખસી જવું પડયું હતું.

એટીપી ફાઇનલ્સમાં જોકોવિચને કઠિન ડ્રો 

રવિવારથી શરૂ થનારી એટીપી ફાઇનલ્સ માટે ડ્રો જાહેર કરાયા હતા જેમાં નંબર વન ખેલાડી નોવાક જોકોવિચને એલેક્ઝાન્ડર ઝવેરેવ, મારિન સિલિચ અને જ્હોન ઇસનેર સાથે રખાયો છે. બીજા ગ્રૂપમાં રોજર ફેડરર, કેવિન એન્ડરસન, ડેમિનિક થિયામ અને કેઈ નિશિકોરી સામેલ છે.