Rahul Gandhi Asked Modi Government About What Is Plan B Against Corona
  • Home
  • Corona live
  • રાહુલ ગાંધીનાં મોદી સરકાર પર પ્રહાર, મજૂરોથી લઇ ચીન-નેપાળ વિવાદ પર કેન્દ્ર સરકારને ઘેરી

રાહુલ ગાંધીનાં મોદી સરકાર પર પ્રહાર, મજૂરોથી લઇ ચીન-નેપાળ વિવાદ પર કેન્દ્ર સરકારને ઘેરી

 | 1:37 pm IST

લૉકડાઉનની વચ્ચે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે ચોથીવાર પત્રકારો સાથે વાત કરી. વિડીયો કૉન્ફરન્સ દ્વારા થનારી આ પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલે કહ્યું કે લૉકડાઉન સંપૂર્ણ રીતે નિષ્ફળ થયું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશા હતી કે કોરોના 21 દિવસમાં કંટ્રોલ થઈ જશે, પરંતુ 60 દિવસ થઈ ચુક્યા છે અને કેસ વધતા જઇ રહ્યા છે. ભારત એ દેશોમાં છે જ્યાં કોરોના સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. કૉંગ્રેસ સાંસદે કહ્યું કે પીએમ અને તેમના એડવાઇઝરી સ્ટાફે આ આશા નહોતી કરી કે આવું થઈ જશે. તેમણે કહ્યું કે, ભારત પહેલો એવો દેશ છે જે બીમારી વધતા લૉકડાઉન ખત્મ કરી રહ્યો છે.

લૉકડાઉનનાં 4 સ્ટેજ નિષ્ફળ રહ્યા!

રાહુલ ગાંધીએ કહ્યું કે, લૉકડાઉનનાં 4 સ્ટેજ નિષ્ફળ રહ્યા છે. આવામાં હું સરકારને પુછવા ઇચ્છુ છું કે આગળ માટે શું રણનીતિ છે? મજૂરો માટે શું વ્યવસ્થા છે? MSMEsને કેવી રીતે ઉભી કરશો? સરકાર કહે છે કે GDPનાં 10 ટકા પેકેજ તરીકે આપ્યા છે, પરંતુ હકીકતમાં 1 ટકા જ મળ્યા છે. મજૂરો સાથી મુલાકાત પર રાહુલ ગાંધીએ કહ્યું કે, હું તેમને મળ્યો તો કેટલાકે કહ્યું કે અમારો ભરોસો તૂટી ગયો. રાહુલે કહ્યું કે, મને કોઈનાં મોઢે એ સાંભળવું પસંદ નથી, પછી ભલે તે અમીર હોય કે ગરીબ. સરકાર હજુ પણ તેમની મદદ કરી શકે છે.

રાજ્યોની મદદ કરે કેન્દ્ર સરકાર

રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીએ નેશનલ ટીવી પર જણાવ્યું હતુ કે લૉકડાઉનનો ઉદ્દેશ છે કે આપણે 21 દિવસમાં કોરોનાને હરાવી દઇશું. ચોથું લૉકડાઉન ખત્મ થવા આવી ગયું પરંતુ બીમારી વધતી જઇ રહી છે. કૉંગ્રેસ સાંસદે કહ્યું કે રાજ્યો પાછળ જો કેન્દ્ર સરકાર ઉભી નહીં રહે તો તે લડી નહીં શકે. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે, સમસ્યા કોરોનાનાં કારણે નથી આવી. તે પહેલાથી ચાલી રહી છે. હવે આ સંપૂર્ણ સમસ્યામાં એક નવું એલીમેન્ટ જોડાઈ ગયું છે. બિઝનેસ બંધ છે, અનેક મધ્યમ ઉદ્યોગ બંધ થવા જઇ રહ્યા છે. રાહુલે કહ્યું કે અમે આ માટે નાના ઉદ્યોગોને પૈસા આપવાની ડિમાન્ડ કરી રહ્યા છીએ. જો આપણે આવું નહીં કરીએ તો આત્મઘાતી સાબિત થશે.

ચીન-નેપાળ સાથેનાં સીમા વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી

ચીન અને નેપાળની સાથે સરહદ વિવાદ પર રાહુલ ગાંધીએ ‘ટ્રાન્સપરન્સી’ની ડિમાન્ડ કરી છે. તેમણે કહ્યું કે બૉર્ડર પર જે થયું તેના વિશે સરકારે સ્પષ્ટ જણાવવું જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, એકવાર સરકાર સંપૂર્ણ જાણકારી રાખી દે, પછી હું કંઇક કહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે ફેબ્રુઆરીમાં જે ચેતવણી મે સરકારને આપી હતી એ આજે પણ કહી રહ્યો છું. તેમણે કહ્યું કે, મારું કામ દેશની સમસ્યાઓ વિશે સરકારને ચેતવવાની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, “મારા કેટલાક ઓળખીતા પૉલીસીમેકર્સ જણાવે છે કે સરકાર વિચારે છે કે જો ઘણા બધા પૈસા ગરીબ લોકોને આપી દીધા તો બહારનાં દેશોમાં ખોટી ઇમ્પ્રેશન જશે, આપણી રેટિંગ ખરાબવ થશે. હું ફરીથી કહું છું કે હિન્દુસ્તાનની ઇમેજ બહાર નથી બનતી, હિન્દુસ્તાનની અંદર બને છે.”

આ વિડીયો પણ જુઓ: અમદાવાદની સ્થિતિ નાજૂક: મેયર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન