NIFTY 10,230.85 +63.40  |  SENSEX 32,633.64 +200.95  |  USD 64.7400 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • રાહુલના ભૂકં૫નું સુરસુરિયું : મોદી સામે તપાસની માગ સુપ્રીમે ફગાવી

રાહુલના ભૂકં૫નું સુરસુરિયું : મોદી સામે તપાસની માગ સુપ્રીમે ફગાવી

 | 4:16 am IST

નવી દિલ્હી :

સહારા-બિરલા ડાયરી કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચીને નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાજકારણીઓ સામે લાંચ લેવાના આક્ષેપોની તપાસ કરવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. કોર્ટે આ કેસમાં રજૂ કરવામાં આવેલા પુરાવાને અવિશ્વસનીય અને અપૂરતા ગણાવ્યા છે.

ડાયરીમાં લખાયેલી નોંધ બહાર આવ્યા પછી રાહુલ ગાંધી અને કેજરીવાલે મોદી તેમજ કેટલાક અન્ય રાજકારણીઓ પર લાંચ લેવાનો આક્ષેપ કર્યો હતો. કોર્ટના વકીલ પ્રશાંતભૂષણ દ્વારા દાખલ કરાયેલી અરજી પરની સુનાવણીમાં કોર્ટે અરજીને ફગાવવાનો નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં પીએમ મોદી અને અન્ય સામે તપાસ કરાવવા માટે નક્કર પુરાવા રજૂ કરાયા નથી. કોર્ટે કહ્યું કે ઇન્કમટેક્સ સેટલમેન્ટ કમિશનની પ્રારંભિક તપાસમાં એવું જણાયું હતું કે સહારા પાસેથી જપ્ત કરાયેલી ડાયરી અને સામગ્રી બનાવટી છે.  બીજી બાજુ કોંગ્રેસ નેત્રી રેણુકા ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસ હવે જનતાની કોર્ટમાં જશે. પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે ડાયરીકાંડમાં અડવાણીની જેમ મોદી પણ રાજીનામું આપી તપાસ કરાવે.

આ રીતે તો રાષ્ટ્રપતિ સામે પણ તપાસની માંગણી કરી શકે…

કેન્દ્ર સરકાર વતી અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું કે ગુજરાતના મુખ્યપ્રધાનને નાણાં ચૂકવવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા નથી. એક સામાન્ય કાગળને જો પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે તો આ દેશમાં કોઈ સલામત રહી શકવાનો નથી. ગમે તે માણસ કાગળના ટુકડા લઈને આવી જશે અને જજથી માંડીને પટાવાળા અને રાષ્ટ્રપતિ સામે પણ તપાસની માંગણી કરી શકે છે.

શું છે ડાયરી-ગેટ અને કોનાં કોનાં નામ હતાં?

સહારા અને બિરલાની ડાયરીમાં કેટલાક રાજકારણીઓને પૈસા આપ્યાની નોંધ છે જેમાં સીએમ, ગુજરાત, અમદાવાદ -મોદી જેવાં નામ લખેલાં હતાં અને કુલ ૫૫ કરોડ ચૂકવ્યાનો ઉલ્લેખ હતો. આ ડાયરીની નોંધના આધારે પ્રશાંતભૂષણ અને અન્યોએ સીટ રચીને મોદી તેમજ અન્ય નેતાઓ સામે તપાસની માગ કરી હતી. ડાયરીમાં દિલ્હી, છત્તીસગઢ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાનો અને ભાજપનાં મહારાષ્ટ્ર યુનિટને પૈસા આપ્યાની વાત હતી. ભાજપ, કોંગ્રેસ, જેડીયુ, આરજેડી, સપા, એનસીપી, જેએમએમ, જેવીએમ, ટીએમસી, બીજેડી, શિવસેના, બીકેયુ, એલજેપીના કુલ ૫૪ નેતાઓને પૈસા આપ્યાની તેમાં નોંધ હતી.

સહારાની ઓફિસમાં આવકવેરા ખાતાના દરોડામાં એક ડાયરી મળી હતી જેમાં કથિતરૂપે એવું લખવામાં આવ્યું હતું કે ૨૦૦૩માં ગુજરાતના મુખ્ય પ્રધાનને રૂ. ૨૫ કરોડથી વધુની લાંચ આપવામાં આવી હતી. તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, આ ઉપરાંત અન્ય ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનોને લાંચ આપવાનો તેમાં ઉલ્લેખ હતો.

રાહુલે મોદી પર કયા આક્ષેપો કર્યા હતા?

આ ડાયરીના આધારે કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના કેજરીવાલે મોદી પર લાંચ લેવાના આક્ષેપો કર્યા હતા. રાહુલે ગયા મહિને ગુજરાતમાં મહેસાણાની રેલીમાં મોદી પર આક્ષેપો કર્યા હતા કે સહારાએ છેલ્લા ૬ મહિનામાં મોદીને ૯ વખત પૈસા આપ્યા હતા. સહારાને ત્યાંથી મળેલી ડાયરીમાં આનો ઉલ્લેખ છે. આવા જ આક્ષેપો પ્રશાંત ભૂષણ અને એક એનજીઓએ પણ કરેલા છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સહારા-બિરલા ડાયરી અંગે ૧૭ ડિસેમ્બરની સુનાવણી વખતે જસ્ટિસ ખેહરે અરજદાર પ્રશાંતભૂષણને પૂછયું હતું કે તમે જે નક્કર પુરાવા કોર્ટમાં રજૂ કરવાનો દાવો કર્યો હતો તે ક્યાં છે? પ્રશાંતભૂષણે કહ્યું કે આવકવેરા પાસેથી ત્રણ પુરાવા મળ્યા છે જેમાં બે વંચાઈ ગયા છે અને ત્રીજો વાંચવાનો બાકી છે. આ પછી તેમણે વધુ સમય આપવાની માગણી કરી ત્યારે કોર્ટે કહ્યું કે તમને અગાઉ ઘણો સમય આપવામાં આવ્યો હતો, જો તમે નક્કર પુરાવા રજૂ નહીં કરો તો તમારી અરજી ફગાવી દેવાશે.

અરજદારને નક્કર પુરાવા રજૂ કરવા સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટે તેની સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો અવિશ્વસનીય અને અપૂરતા ગણાવીને અરજદાર સંગઠનને નક્કર પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો હતો. અરજદાર સંગઠન સીપીઆઈએલએ સુપ્રીમમાં એફિડેવિટ રજૂ કરીને કહ્યું હતું કે આવકવેરા વિભાગની એપ્રેઝલ રિપોર્ટ, ડાયરી અને ઈ-મેલ એવો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે રાજકારણીઓને લાંચ આપવામાં આવી હતી. આથી સુપ્રીમે તપાસના આદેશો આપવા જોઈએ. આવા કેસમાં જો તપાસનો આદેશ નહીં અપાય તો સુપ્રીમ દ્વારા અન્ય કોઈ કેસમાં તપાસના આદેશ આપવાનું ન્યાયોચિત નહીં હોય. એફિડેવિટમાં રજૂ કરાયું છે કે બિરલા ગ્રૂપ પર સીબીઆઈના દરોડા અને સહારા ગ્રૂપની કંપનીઓ પર આવકવેરાના દરોડામાં જાહેર નહીં કરાયેલી બિનહિસાબી આવક, ડાયરી, નોટબુક, ઈ-મેલ સહિત અન્ય દસ્તાવેજો મળ્યા હતા. આ દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે આ કંપનીઓએ રાજકીય નેતાઓ અને અધિકારીઓને લાંચ આપી હતી.