રાહુલ કારોબારીની ચૂંટણી ઇચ્છે છે, વરિષ્ઠો પસંદગીની તરફેણમાં - Sandesh
  • Home
  • Ahmedabad
  • રાહુલ કારોબારીની ચૂંટણી ઇચ્છે છે, વરિષ્ઠો પસંદગીની તરફેણમાં

રાહુલ કારોબારીની ચૂંટણી ઇચ્છે છે, વરિષ્ઠો પસંદગીની તરફેણમાં

 | 1:25 am IST

નવી દિલ્હી, તા. ૮

રાહુલ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી પાર્ટીનાં સંગઠનાત્મક માળખામાં બદલાવના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓ દ્વારા જ તેનો વિરોધ થઈ રહ્યો છે. ડિસેમ્બરમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું ત્યારથી સ્પષ્ટ કહી રહ્યા છે કે હું કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણાયક સમિતિ એવી કોંગ્રેસ કારોબારીમાં ૧૨ સભ્યોની નિયુક્તિ માટે ચૂંટણી યોજવા ઇચ્છું છું પરંતુ સિનિયર નેતાઓ માને છે કે કારોબારીમાં નોમિનેશન દ્વારા નિયુક્તિની સિસ્ટમ ચાલુ રાખવી જોઈએ.

રાહુલ ગાંધીના પુરોગામી એવાં તેમનાં માતા સોનિયા ગાંધી ૧૯ વર્ષ સુધીના તેમના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસ કારોબારીમાં સભ્યોની નિયુક્તિ કરવાનું પસંદ કરતાં હતાં. જોકે કોંગ્રેસનું બંધારણ કહે છે કે ચૂંટણી દ્વારા હોદ્દેદારો ચૂંટી કાઢવામાં આવે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની દલીલ છે કે ૧૯૯૨ અને ૧૯૯૭માં નેતાઓ પી. વી. નરસિંહારાવ અને સીતારામ કેસરીનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નહોતા ત્યારે કારોબારીની ચૂંટણી યોજવામાં આવી હતી, જોકે રાહુલ ગાંધી અને તેમનાં નેતૃત્વ સામે પાર્ટીમાં કોઈ પડકાર નથી, તેથી પાર્ટીની કારોબારીમાં સભ્યોની નિયુક્તિ માટે રાહુલ ગાંધીને સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ.

નવો કોંગ્રેસ પક્ષ આપીશ : સિંગાપુરમાં રાહુલ ગાંધી

કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી હાલમાં ત્રણ દિવસના વિદેશપ્રવાસે છે. મલેશિયા જતાં પહેલાં તેમણે સિંગાપુર ખાતે જણાવ્યું હતું કે ભારત સમાજનાં ધ્રુવીકરણની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેમણે ભાજપ પર આક્ષેપ કર્યા હતા કે તે શાંતિ માટે ચિંતાશીલ નથી. ભારતમાં નોકરીની તક, રોકાણ અને ભારતનાં અર્થકારણ વિષે ચર્ચા કરવા તેઓ સિંગાપુરમાં ભારતીય મૂળની કંપનીના સીઈઓને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે માતા પાસેથી પક્ષનો કાર્યભાર સંભાળ્યા પછી તેઓ નવી કોંગ્રેસનું મંડાણ કરી રહ્યા છે.

વર્ષ ૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન ટુ-જી સ્પેક્ટ્રમ મુદ્દે આક્ષેપોની ઝડી વરસી હતી. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસને તેથી જ પરાજય મળ્યો હતો, પરંતુ દિલ્હી કોર્ટે ડિસેમ્બરમાં આ કેસના તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે. કોંગ્રેસ પર થયેલા આક્ષેપો પોકાળ પુરવાર થયા અને પક્ષ ફરી કોરી સ્લેટ જેવો છે.

;