Rahul Gandhi Resign : Madhya Pradesh and Karnataka Government Tension
  • Home
  • Featured
  • કોંગ્રેસ સંકટની સાઇડ ઇફેકટ: …આ બે રાજ્યોમાં ડખા ઉભા થતા પડી ભાંગશે સરકાર!!

કોંગ્રેસ સંકટની સાઇડ ઇફેકટ: …આ બે રાજ્યોમાં ડખા ઉભા થતા પડી ભાંગશે સરકાર!!

 | 11:24 am IST

લોકસભાની ચૂંટણી હારતા જ કોંગ્રેસ મુસીબતમાં હતી, પરંતુ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ સંકટ વધુ ઘેરાયું છે. તો બીજીબાજુ ભાજપ લોકસભા ચૂંટણીની બમ્પર જીત બાદ પણ સતત પાર્ટીનો વ્યાપ વધારવામાં લાગી ગઇ છે. અધ્યક્ષ અને કાર્યાવાહક અધ્યક્ષ જેવા ડબલ એન્જિનવાળા નેતૃત્વમાં 20 કરોડ સભ્યોને જોડવા મેદાનમાં ઉતરી ચૂકી છે. ત્યાં કોંગ્રેસ કેમ્પેઇનમાં સન્નાટો છે. કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તો છોડો જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં પ્રદેશ નેતૃત્વને લઇને પણ ઉહાપોહ છે. પાર્ટીમાં ચાલી રહેલા આ સંકટની અસર કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો પર પણ પડી છે, જ્યાં કોંગ્રેસની સરકાર ચાલી રહી છે. તેને કોંગ્રેસમાં નેતૃત્વના સંકટની સાઇડ ઇફેકટ માની રહ્યા છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં સરકાર જાય છે…ની વાતો શરૂ થઇ ગઇ છે. તો ત્રણ રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોઇ ખાસ તૈયારીઓ દેખાય રહી નથી.

હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની પાસે પ્રદેશ અધ્યક્ષ જ નથી. તાજેતરમાં અશોક ચૌહાણે લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લેતા રાજીનામું આપ્યું હતું. હરિયાણા અને ઝારખંડમાં પાર્ટી આંતરિક વિવાદથી ઝઝૂમી રહી છે. તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે જ્યાં થોડાંક મહિના પછી વિધાનસભા ચૂંટણીને લઇ આ રાજ્યોમાં કોંગ્રેસની તૈયારીઓ કેવી છે

ભાજપ એકશન મોડમાં
કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સંગઠનને લઇ ઝઝૂમી રહી છે ત્યાં ભાજપ વિધાનસભા ચૂંટણીમાં પણ 2019ની લોકસભા ચૂંટણીના પ્રદર્શનને દોહરાવાના મૂડમાં છે. ત્રણેય રાજ્યો મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપ ખાસ એકશન પ્લાન પર કામ કરી રહ્યું છે.

કોંગ્રેસની સરકારો સંકટમાં
કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષથી લઇને સંગઠનમાં વિભિન્ન સ્તર પર કેટલાંય રાજીનામાંની અસર આ રાજ્યો પર પણ પડી છે, જ્યાં કોંગ્રેસ ગઠબંધન દ્વારા સરકાર ચલાવાય રહી છે. કર્ણાટકમાં અસંતુષ્ઠ 13 ધારાસભ્યોએ રાજીનામાં આપતા કોંગ્રેસ-જેડીએસ સરકાર સંકટમાં છે. જો આ ધારાસભ્ય રાજી નહીં થાય તો ફરી સરકાર પડી ભાંગવાની સંભાવના છે. રાજીનામું આપનાર ધારાસભ્યોમાં 10 કોંગ્રેસ અને 3 જેડીએસના છે. હાલ જે સમીકરણ બની રહ્યા છે તેમાં ભાજપ બહુમતીના આંકડાથી અંદાજે એક કદમ દૂર દેખાય રહી છે.

આ છે નંબર ગેમ
કર્ણાટકમાં 225 વિધાનસભા સભ્ય છે. તેમાં 118 ધારાસભ્યના સમર્થનથી કુમારસ્વામી સરકાર ચાલી રહી છે. આ સંખ્યા બહુમતી માટે જરૂરી 113થી પાંચ વધુ હતી. તેમાં કોંગ્રેસના 79 ધારાસભ્ય, જેડીએસના 37 અને 3 અન્ય ધારાસભ્ય સામેલ રહ્યા છે. ત્રણ બીજા ધારાસભ્યોમાંથી એક બહુજન સમાજ પાર્ટીમાંથી, એક કર્ણાટક પ્રગન્યવંથા જનતા પાર્ટીમાંથી અને એક અપક્ષમાંથી ધારાસભ્ય છે. વિપક્ષમાં બેઠેલા ભાજપની પાસે 105 ધારાસભ્ય છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું સમર્થન આપી રહેલા ધારાસભ્ય રાજીનામું આપી ચૂકયા છે.

મધ્યપ્રદેશમાં પણ ખતરો
કર્ણાટક જ નહીં મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસની કમલનાથ સરકાર ખતરાના નિશાન પર ચાલી રહી છે. તાજેતરમાં જ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેટલાંય કોંગ્રેસ ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો દાવો કરતાં કહ્યું કે સરકાર વધુ સમય સુધી ચાલી શકશે નહીં. આ નિવેદન આવનારા સમયમાં મધ્યપ્રદેશમાં નવી રાજકીય તસવીર ઉભરવાના સંકેત આપ્યા છે. સીટોની વાત કરીએ તો રાજ્યમાં વિધાનસભાની 230 સીટો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીમાં ભાજપને 109 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને 114 સીટો મળી. જ્યારે બસપા અને સપાની એક-એક જ્યારે 4 સીટો પર અપક્ષ જીત્યું. આ અપક્ષ અને સપા-બસપાના ધારાસભ્યોના સહારે કમલનાથ સરકાર સત્તામાં ટકેલી છે. જો ભાજપ ધારાસભ્યોને તોડવામાં સફળ થઇ તો ફરી કમલનાથ સરકાર પણ સંકટમાં ઘેરાઇ શકે છે. કોંગ્રેસના કેટલાંય નેતા દબાયેલી જીભે એ સ્વીકાર કરે છે કે રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં ચાલી રહેલા સંકટની અસર રાજ્યો પર પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન