રાહુલ-પંતનો સંઘર્ષ પરંતુ પાંચમી ટેસ્ટમાં ભારતનો ૧૧૮ રને પરાજય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • રાહુલ-પંતનો સંઘર્ષ પરંતુ પાંચમી ટેસ્ટમાં ભારતનો ૧૧૮ રને પરાજય

રાહુલ-પંતનો સંઘર્ષ પરંતુ પાંચમી ટેસ્ટમાં ભારતનો ૧૧૮ રને પરાજય

 | 2:28 am IST

। લંડન ।

ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ગુમાવનાર ભારતીય ટીમે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં લોકેશ રાહુલ અને ઋષભ પંતની સદીની મદદથી મેચ બચાવવા સંઘર્ષ કર્યો હતો. પંત અને રાહુલ વચ્ચે બેવડી સદીની ભાગીદારી નોંધાઈ હતી પરંતુ ૩૨૫ રનના સ્કોરે રાહુલ આઉટ થયા બાદ વધુ ૨૦ રનમાં ભારતે બાકીની ચારેય વિકેટ ગુમાવતાં ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટ ૧૧૮ રને જીતી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી અને પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમવા ઊતરેલા એલેસ્ટર કૂકને ભવ્ય વિજયી વિદાય આપી હતી. એલેસ્ટર કૂકે આ મેચની પ્રથમ ઇનિંગમાં ૭૧ અને બીજી ઇનિંગમાં ૧૪૭ રન બનાવ્યા હતા જેને કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

૪૬૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે ચોથા દિવસે બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી રાહુલ અને રહાણેએ ચોથા દિવસની રમતના અંત સુધી ટીમનો સ્કોર ત્રણ વિકેટે ૫૮ રને પહોંચાડયો હતો. મેચના પાંચમા અને અંતિમ દિવસે રાહુલ અને રહાણેએ શતકીય ભાગીદારી નોંધાવતાં ટીમનો સ્કોર ૧૨૦ રને પહોંચાડયો હતો. બંને બેટ્સમેનો સેટ હતા ત્યારે મોઇનઅલીએ ઇંગ્લેન્ડને સફળતા અપાવતાં રહાણેને જેનિંગ્સના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. રહાણેએ ૩૭ રન બનાવ્યા હતા. રહાણે બાદ આવેલા હનુમા વિહારી ખાતું ખોલાવ્યા વિના સ્ટોક્સનો શિકાર બનતાં ભારતે ૧૨૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. લોકેશ રાહુલે ત્યારબાદ ઇંગ્લિશ બોલરોને મચક આપ્યા વિના વન-ડેની જેમ બેટિંગ કરતાં લંચ સુધી ટીમનો સ્કોર ૧૬૭ રન થયો હતો. લંચ બાદ પણ રાહુલ અને પંતે આક્રમક બેટિંગ કરતાં છઠ્ઠી વિકેટ માટે શતકીય ભાગીદારી નોંધાવી હતી. રાહુલ બાદ ઋષભ પંતે પણ પોતાની સ્ટાઇલમાં કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારતાં ટી-બ્રેક સુધી ટીમનો સ્કોર ૨૯૮ રને પહોંચી ગયો હતો. ટી-બ્રેક વખતે રાહુલ ૧૪૨ રને અને પંત ૧૦૧ રને રમતમાં હતા. બંનેએ બીજા સેશનમાં વિકેટ ગુમાવ્યા વિના ૧૩૧ રન જોડયા હતા. આ સાથે ઋષભ પંત ઇંગ્લેન્ડની ધરતી પર વિકેટકીપર તરીકે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો હતો. ઉલ્લેખનીય છે, ઇંગ્લેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ધરતી પર પણ અગાઉ કોઈ ભારતીય વિકેટકીપર સદી ફટકારી શક્યા નથી. લોકેશ રાહુલ ૧૫૦ રનથી એક રન પાછળ હતો ત્યારે રશીદે બોલ્ડ કરી ભાગીદારી તોડી હતી. પંત અને રાહુલ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૨૦૪ રનની ભાગીદારી નોંધાઈ હતી. રાહુલ બાદ પંત પણ સદી ફટકારી આઉટ થયો હતો. બંને આઉટ થયા બાદ ભારતીય ટીમ ૩૪૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એન્ડરસને અંતિમ વિકેટ તરીકે શમીને આઉટ કરવાની સાથે ઝડપી બોલર તરીકે સૌથી વધુ વિકેટ ઝડપવાના મેક્ગ્રાના રેકોર્ડને તોડયો હતો. એન્ડરસનની હવે ટેસ્ટક્રિકેટમાં ૫૬૪ વિકેટ થઈ ગઈ છે.

રાહુલે દ્રવિડનો રેકોર્ડ તોડયો

લોકેશ રાહુલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની અંતિમ ટેસ્ટમેચમાં ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં સ્ટોક્સનો કેચ ઝડપવાની સાથે વર્તમાન સિરીઝમાં ૧૪ કેચ પૂર્ણ કર્યા હતા. આ સાથે રાહુલ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ કેચ ઝડપવાના મામલે પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના રેકોર્ડને તોડયો હતો. રાહુલે ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે બોર્ડર-ગાવસ્કર સિરીઝ દરમિયાન ૧૩ કેચ ઝડપ્યા હતા. એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ કેચ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જેક ગ્રેગરીના નામે છે, જેણે ૧૯૨૦-૨૧ની એશિઝ સિરીઝ દરમિયાન ૧૫ કેચ ઝડપ્યા હતા. રાહુલ હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલની સાથે સંયુક્ત બીજા ક્રમે છે ચેપલે ઇંગ્લેન્ડ સામે ૧૯૭૪-૭૫માં ૧૪ કેચ ઝડપ્યા હતા.

ટોપ ફાઇવ બેટ્સમેન

નામ    મેચ    રન     શ્રેષ્ઠ    ૧૦૦/૫૦

કોહલી  ૫      ૫૯૩   ૧૪૯   ૨/૩

બટલર ૫      ૩૪૯   ૧૦૬   ૧/૨

કૂક     ૫      ૩૨૭   ૧૪૭   ૧/૧

રૂટ     ૫      ૩૧૯   ૧૨૫   ૧/૧

રાહુલ ૫      ૨૯૯   ૧૪૯   ૧/૦

ટોપ ફાઇવ બોલર

નામ               મેચ    વિકેટ   ઇનિંગમાં શ્રેષ્ઠ

એન્ડરસન      ૫      ૨૪     ૫/૨૦

ઇશાંત            ૫      ૧૮     ૫/૫૧

બ્રોડ                ૫      ૧૬     ૪/૪૪

શમી                ૫      ૧૬     ૪/૫૭

બુમરાહ          ૩      ૧૪     ૫/૮૫