Deal Between Shiv Sena-NCP-Congress Was Delayed Because Of Rahul
  • Home
  • Featured
  • રાહુલ ગાંધીનાં કારણે બગડ્યો હતો ઉદ્ધવ-પવારનો ખેલ! ફડણવીસ-અજિતે ઉઠાવ્યો હતો લાભ

રાહુલ ગાંધીનાં કારણે બગડ્યો હતો ઉદ્ધવ-પવારનો ખેલ! ફડણવીસ-અજિતે ઉઠાવ્યો હતો લાભ

 | 3:19 pm IST

મહારાષ્ટ્રમાં આખરે શિવસેના-એનસીપી અને કૉંગ્રેસની સરકાર બની ગઈ છે, પરંતુ આ ગઠબંધનની ઔપચારિક જાહેરાતમાં જે મોડું થયું તેણે એક સમયે સરકાર બનવાની સંભાવનાઓ જ ખત્મ કરી દીધી હતી. શનિવાર સવારે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે ઉપ-મુખ્યમંત્રી પદનાં શપથ લીધા, તો ત્રણેય પાર્ટીઓનાં કેટલાક નેતાઓએ ઔપચારિક જાહેરાતમાં મોડું થવાને જવાબદાર ઠેરવ્યું. આવામાં પ્રશ્ન ઉઠાવવો યોગ્ય છે કે આખરે મોડું કેમ થયું હતુ? સૂત્રોનું માનીએ તો 24 ઑક્ટોબરનાં પરિણામ આવવાનાં કેટલાક કલાક બાદ જ શિવસેનાએ એનસીપી સાથે સંપર્ક સાધી લીધો હતો અને 12 નવેમ્બરનાં ફડણવીસનાં રાજીનામા સુધી એનસીપી અને શિવસેનામાં સહમતિ બની ગઈ હતી, પરંતુ મામલો દિલ્લીમાં અટકાયેલો હતો.

રાહુલ ગાંધી કેમ્પ શિવસેના સાથે સરકાર બનાવવાની એકદમ વિરુદ્ધ હતો

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કૉગ્રેસમાં રાહુલ ગાંધી કેમ્પ શિવસેના સાથે સરકાર બનાવવાની એકદમ વિરુદ્ધ હતો. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની હા બાદ રાહુલ ગાંધી કેમ્પનાં નેતાઓએ શિવસેના સામે નવી શરતો રાખી જેમાં વીર સાવરકરનાં મુદ્દાથી અંતર રાખવું, હિંદુ રાષ્ટ્રવાદથી અલગ થવું, મરાઠી રાજનીતિથી અલગ થવા જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ સામેલ હતા. રાહુલ કેમ્પનાં નેતાઓએ શરત રાખી કે ગઠબંધનની ઔપચારિક જાહેરાતથી પહેલા શિવસેના આ મુદ્દાઓથી પોતાને અલગ કરવાની જાહેરાત કરે. રાહુલ ગાંધી કેમ્પનાં જે નેતા આ પ્રકારની શરત રાખી રહ્યા હતા તેમા કે.સી. વેણુગોપાલનું નામ સૌથી આગળ આવી રહ્યું છે. ગુલામ નબી આઝાદ પણ આ સરકારનાં ગઠનની વિરુદ્ધ હતા. આવામાં મોરચો સંભાળ્યો એનસીપી પ્રમુખ શરદ પવારે.

અહમદ પટેલ શરદ પવારનાં પ્રસ્તાવ પર તરત જ તૈયાર થઈ ગયા

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઉદ્ધવ ઠાકરે અને એનસીપીમાં સહમતિ બન્યા બાદ રાહુલ ગાંધીનાં વિરોધ બાદ પણ કૉંગ્રેસને પોતાની સાથે લાવવાની જવાબદારી એનસીપી પ્રમુખ શરદ પવારે સંભાળી. સોનિયા ગાંધી સાથે વાત કરતા પહેલા શરદ પવારે અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે , દિગ્વિજય સિંહ જેવા નેતાઓથી વાત કરી. અહમદ પટેલ શરદ પવારનાં પ્રસ્તાવ પર તરત જ તૈયાર થઈ ગયા અને દિગ્વિજય સિંહ પણ સરકાર બનાવવા માટે સહમત હતા, પરંતુ અહમદ પટેલ અને દિગ્વિજય સિંહની રાજકીય અદાવત હજુ પણ આ મામલે રોડું બની રહી હતી. આવામાં પવારે આ બંને નેતાઓ સાથે અલગ અલગ વાત કરી અને તેમને સોનિયા ગાંધીને મનાવવાની જવાબદારી આપી. સાથે જ નક્કી થયું કે સરકાર કૉમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલશે. મલ્લિકાર્જુન ખડગેનાં વલણને જોતા તેમને આ રાજનીતિથી સંપૂર્ણ અલગ રાખવાનું પવારે યોગ્ય સમજ્યું.

શરદ પવાર પાસે તૈયાર હતો પ્લાન બી

શરદ પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા કૉંગ્રેસની આગામી ચાલને સમજી લેવા ઇચ્છતા હતા અને જ્યારે 18 નવેમ્બરનાં કૉંગ્રેસ સરકાર બનાવવા પર સહમત થઈ, ત્યારે એનસીપી પ્રમુખ શરદ પવારે સોનિયા ગાંધી મુલાકાત કરી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ મુલાકાતમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર બનાવવા પર સહમતિ તો આપી દીધી, પરંતુ સરકારની રૂપરેખા શું હશે તેના પર સહમતિ ના બની શકી.

શરદ પવારની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થઈ

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ એનસીપી પ્રમુખ શરદ પવારની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થઈ. એનસીપી સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શરદ પવાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર પણ ચર્ચા થઈ અને પવારને એ પણ ભરોસો અપાવ્યો કે એનસીપી-શિવસેના-કૉંગ્રેસ ગઠબંધન ના થવાની સ્થિતિમાં એનસીપી બીજેપી સાથે જવા પર વિચાર કરી શકે છે, પરંતુ બીજેપીની ઉતાવળે આખો ખેલ બગાડી દીધો.

આ વિડીયો પણ જુઓ: વડોદરામાં ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની ધારદાર અસર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન