મુન્દ્રામાં માવઠું - વરસાદ પડતાં માર્ગો પર પાણી, પારો નીચે ગગડ્યો - Sandesh
  • Home
  • Ahmedabad
  • મુન્દ્રામાં માવઠું – વરસાદ પડતાં માર્ગો પર પાણી, પારો નીચે ગગડ્યો

મુન્દ્રામાં માવઠું – વરસાદ પડતાં માર્ગો પર પાણી, પારો નીચે ગગડ્યો

 | 11:58 pm IST

શિયાળાનાં પ્રારંભે ઠંડીનાં બદલે માવઠાંથી ખેતીવાડીને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. કચ્છમાં શિયાળાનો ધીમા પગલે પ્રારંભ થઇ રહ્યો છે, ત્યાં મુન્દ્રા પંથકમાં મંગળવારે સાંજે વાતાવરણમાં અચાનક બદલાવ આવતાં જ માવઠું થયું હતું. જેના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

મુન્દ્રા પંથકમાં સાંજે વાતાવરણમાં આવેલા અચાનક બદલાવથી સાંજે પાંચ વાગ્યાના અરસામાં સતત પંદર મિનિટ સુધી સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. બિનસત્તાવાર રીતે મળતા અહેવાલો પ્રમાણે ૮ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. બપોરનાં ૪ વાગ્યાના અરસામાં આકાશ ગોરંભાયું હતું, પરંતુ વરસાદ પડશે તેવું અનુમાન નહોતું. અચાનક જોશભેર વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. માવઠાની અસર તળે મુન્દ્રામાં ચાલી રહેલી ભાગવત કથા તેમજ પ્રાગપરમાં એક સામાજિક સંમેલનને ખલેલ પહોંચી હતી. આજનો વરસાદ તાલુકાના કારાઘોઘા, બરાયા, ગુંદાલા, લાખાપર, મંગરા, સાડાઉ તથા બારોઇમાં નોંધાયો હતો. જ્યારે અમુક ગામોમાં માત્ર છાંટા પડયા હતા. અડધો તાલુકો માવઠાથી બચી જતાં કોરોધાકોડ રહ્યો હતો. માવઠાના પગલે ખેતરોમાં રહેલા જુવાર, બાજરી સહિતનાં ઘાસચારા તેમજ શાકભાજીના પાકને નુકસાન થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી હતી. શહેરમાં વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધતાં શિયાળાના પગરણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.

ઉતર ભારતની વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસર તળે, મીઠાપુરમાં છાંટા પડયા
સૌરાષ્ટ્રમાં ઠંડીની હવે શરૃઆત, સૌરાષ્ટ્રમાં વીસ ડીગ્રીથી નીચે લઘુતમ તાપમાન ઉતરવા લાગ્યું

કશ્મીર અને ઉતર ભારતમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટરબન્સિઝના કારણે એ વિસ્તારોમાં ઠંડીનો પારો માઈનસ ડીગ્રીએ આવી જતા એની અસર હવે આંશિક રીતે સૌરાષ્ટ્રમાં દેખાઈ રહી છે. ક્રમશઃ લઘુતમ તાપમાન નીચે આવી રહ્યુ છે. કાશ્મીરમાં તો વરસાદ પડવાની પણ આગાહી થઈ છે. આની વચ્ચે સૌરાષ્ટ્રના મીઠાપુરમાં આજે સવારથી વાતાવરણ વાદળછાયુ બની જઈ સાડાનવ વાગ્યા અરસામાં કમોસમી છાંટા પડતા લોકોએ આશ્રર્ય અનુભવ્યુ હતું. આની સાથોસાથ સૌરાષ્ટ્રમાં દરિયાઈ વિસ્તાર દિવમાં ઠંડીનો પારો સવારે ૧૬.૨ સુધી નીચે આવી ગયો હતો જેના કારણે સહેલાણીઓ અને સ્થાનિકો ધ્રૂજી ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છમાં કોઈ કોઈ જગ્યાએ વાદળાઓ દેખાશે. અને કયાંક છાંટા પડશે.

ગુજરાતમાં ઠંડીના ધીમે પગલે પગરવ થઈ રહ્યા છે. હવામાન વિભાગના ચીફ મટીરીયોલોજિસ્ટ એન.ડી. ઉકાણીના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં પણ ઉતર ભારતના પગલે શિયાળાની સતાવાર શરૃઆત બે ત્રણ દિવસમાં થઈ જશે. આની વચ્ચે ગાંધીનગરમાં આજે ૧૩ ડીગ્રી ,વલસાડમાં ૧૪ તો સૌરાષ્ટ્માં દરિયાઈ વિસતાર દિવમાં ૧૬.૨, ભાવનગરમાં ૧૬.૮, મહુવામાં ૧૭.૫, નલીયામાં ૧૭.૬ સુરેન્દ્રનગરમાં ૧૯, રાજકોટમાં ૧૯.૪, પોરબંદરમાં ૧૯.૮, જયારે વેરાવલમાં ૨૧.૬, દ્વારકામાં ૨૪.૧ અને ઓખામાં ૨૫.૭ ડીગ્રી તાપમાન રહ્યુ હતું.