ગુજરાતમાં વિવિધ જગ્યાએ થઇ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો વધુ વિગત - Sandesh
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં વિવિધ જગ્યાએ થઇ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો વધુ વિગત

ગુજરાતમાં વિવિધ જગ્યાએ થઇ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો વધુ વિગત

 | 10:49 am IST

મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને હવે ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સેટેલાઈટ ઈમેજમાં ગુજરાતના ઉત્તર વિસ્તારમાં વાદળો જોવા મળ્યા હતાં. જેમાં આજે સવારથી જ સાબરકાંઠાના અનેક ગામોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે જ્યારે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે.

 

એક સપ્તાહના વિરામ બાદ ફરી એકવાર નવસારી જીલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. નવસારીના અનેક વિસ્તરોમાં પવન સાથે વરસાદ આવતા ગરમીથી લોકોને રાહત મળી હતી અને સમયસર વરસાદ આવતા ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ભારે પવન સાથે ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો હતો.

આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં 11 જૂનથી 13 જૂન દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી ચોમાસુ શરૂ થતું હોય છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં 8થી 10 જૂન દરમિયાન પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા હતી. જોકે હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલમાં એન્ટી સાયક્લોન સર્જાતા પ્રિ-મોનસૂન એક્ટિવિટીમાં વિલંબ ઊભો થયો છે, જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં 23થી 25મી જૂન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.