રાજ કોણ કરે ? પ્લેટો-માર્ક્સથી મહાત્મા ગાંધી સુધીનો પ્રશ્નાર્થ - Sandesh
  • Home
  • Columnist
  • રાજ કોણ કરે ? પ્લેટો-માર્ક્સથી મહાત્મા ગાંધી સુધીનો પ્રશ્નાર્થ

રાજ કોણ કરે ? પ્લેટો-માર્ક્સથી મહાત્મા ગાંધી સુધીનો પ્રશ્નાર્થ

 | 2:56 am IST

સામયિક :  પ્રભાકર ખમાર

વિશ્વની પ્રાચીન અને અર્વાચીન રાજનીતિમાં પ્લેટોથી માંડી કાર્લ માર્ક્સ અને મહાત્મા ગાંધી સુધીના મહાન તત્ત્વચિંતકો સુધી એક પ્રશ્ન સતત પુછાતો રહ્યો છે. પ્રજા ઉપર રાજ કોણ કરે ? રાજ્યસત્તા કોની પાસે રહેવી જોઈએ. વિવિધ શાસન પ્રણાલીમાં કઈ સરકાર ઉત્તમ પ્રજાલક્ષી ગણાય ? રાજાશાહી, લોકશાહી, સરમુખત્યારશાહી કે પછી લોકતંત્રયુક્ત વ્યક્તિશાહી. વિશ્વના રાજનૈતિક ફલક પર આ પ્રશ્ન સતત વિવાદમાં રહ્યો છે. આ સંદર્ભમાં વિશ્વના પ્રથમ પંક્તિના રાજકીય વિચારકોના અભિપ્રાય અને અભિગમમાં પણ વિભિન્નતા પ્રવર્તે છે.

મહાન તત્ત્વચિંતક પ્લેટોથી પ્રારંભ કરીએ.

પ્લેટોનો અભિપ્રાય એવો છે કે, જે શ્રેષ્ઠ હોય તે રાજ કરે. જો શક્ય હોય તો સૌથી શ્રેષ્ઠ મનુષ્ય એકલો જ સત્તા ભોગવે, તે શક્ય ન હોય તો શ્રેષ્ઠ મનુષ્યોનો નાના સમૂહ રાજ કરે, પરંતુ જનસમૂહના હાથમાં સત્તા સોંપવામાં શાણપણ નથી. પ્રજાના ડહાપણમાં કે સમુદાયની શક્તિમાં પ્લેટોને વિશ્વાસ નથી.

પ્રાચીન ગ્રીસના નગરજનોનો અભ્યાસ કરીને પ્લેટોએ રાજ્યના ૩ પ્રકાર પાડયા છે.

(૧) એક શ્રેષ્ઠ વ્યક્તિનું રાજ્ય તે રાજાશાહી. તેનું વિકૃત સ્વરૂપ તે સરમુખત્યારશાહી.

(૨) થોડાક શાણા માનવીઓનું રાજ તે ઉમરાવશાહી. તેનું વિકૃત સ્વરૂપ તે વડીલશાહી-ટોળકીશાહી.

(૩) લોકોનું જનસમૂહનું રાજ તે લોકશાહી, તેનું વિકૃત સ્વરૂપ નથી. તે પોતે જ એક વિકૃતિ છે. આ છે પ્લેટોના વિચારો.

પ્લેટોના મંતવ્યથી વિરુદ્ધ રીતે ગ્રીસના નગરરાજ્યોમાં મહદ્ંશે લોકશાહી પ્રવર્તતી હતી. તમામ મહત્ત્વના રાજકીય નિર્ણયો-જેવા કે યુદ્ધ કે સંધિ-નાગરિકોની સભામાં લેવાતા. જોકે એ પણ નોંધવું જોઈએ કે એથેન્સના તમામ રહેવાસીઓ નાગરિક ન હતા. વળી નાગરિકોના મત દ્વારા કોઈ એક વ્યક્તિને સરમુખત્યારી સત્તા આપી શકાય છે એ હકીકતથી એથેન્સવાસીઓ સભાન હતા. બહુમતીનો નિર્ણય ક્યારેક ખોટો પણ હોઈ શકે છે. એ સમજવા જેટલું શાણપણ એથેન્સવાસીઓમાં હતું.

મધ્ય યુગમાં રાજ કોણ કરે ? એ સવાલનો જવાબ ધર્મસત્તાને વચ્ચે લાવીને અપાયો છે. ‘ઈશ્વર’ રાજકર્તા છે. તેના પ્રતિનિધિ તરીકે રાજા સત્તા ભોગવે એમ કહેવાયું છે. એમાંથી રાજાના દેવી અધિકારના સિદ્ધાંતને જન્મ થયો. આ સિદ્ધાંતની સામે જર્મનીમાં નવસુધારણા (રેફર્મેશન) અને ઇંગ્લેન્ડમાં ૧૬૪૮-૪૯માં ક્રોમવેલની ક્રાંતિ દ્વારા પડકાર ફેંકાયો. પરંતુ લોકોના મૂળભૂત અધિકારને નામે થયેલી ક્રાંતિનો અંજામ તો ક્રોમવેલની સરમુખત્યારીમાં જ આવ્યો. જોકે આજે પણ ઇંગ્લેન્ડમાં લોકશાહી સાથે સન્માનનીય પારિવારિક રાજા યા રાણીનું સામ્રાજ્ય પ્રવર્તમાન છે.

‘રાજ કોણ કરે ?’ એ સવાલના જવાબમાં કાર્લ માર્ક્સ બહુ સ્પષ્ટ છે. મૂડીવાદીઓ નહીં બલકે મજદૂરોનું શાસન-શ્રમજીવીઓનું રાજ એ એનો જવાબ બહુ જાણીતો છે. છતાં વિવાદાસ્પદ છે. સામ્યવાદી રાષ્ટ્રોનો ઇતિહાસ અને સામ્યવાદી શાસનમાં માનવ સ્વાતંત્ર્યની હાલત અને એની વિકૃતિ પણ જાણીતી છે.

ઇતિહાસ ગવાહી પૂરે છે કે, લોકોના રાજ કરવાના અધિકારને નામે થયેલી ક્રાંતિ પછી સામાન્ય રીતે લોકોનું સ્વાતંત્ર્ય ઝૂંટવાઈ ગયું છે. ઉદાહરણ તરીકે રશિયન ક્રાંતિમાંથી સ્ટેલિન પેદા થયો, ચીનની ક્રાંતિમાંથી માઓત્સેતુંગનો જન્મ થયો, ફ્રેન્ચ ક્રાંતિમાંથી નેપોલિયન બહાર આવ્યો. આ સૌના અપવાદરૂપ ભારતમાં આઝાદીની ક્રાંતિ પછી એના પ્રણેતા અને સર્વમાન્ય નેતા મહાત્મા ગાંધીજીએ રાજ્યસત્તાથી અલિપ્ત રહીને સત્તા સિવાય પણ સેવા થઈ શકે છે. એ આદર્શ-અભિગમને અપનાવી વિશ્વને નવો રાહ ચીંધ્યો.

રાજ કોણ કરે ? એ સંદર્ભમાં ભારતનો અનુભવ વિવિધલક્ષી છે. ૧૯૪૭ પછી ભારતની સાથે અથવા એ પછી આઝાદ થયેલા કેટલાક દેશો કહેવાતી લોકતંત્રીય સત્તા સાથે સરમુખત્યારશાહીમાં પરિણમ્યા. ઉદાહરણ તરીકે પાકિસ્તાન. અયુબ ખાન જેવા અનેક સરમુખત્યારો ત્યાં પેદા થયા. જ્યારે ભારતમાં આઝાદીમાં પ્રારંભથી પં. નહેરુ પ્રસ્થાપિત લોકતાંત્રિક પ્રજારાજ એકાદ અપવાદ સિવાય (ઈંદિરા ગાંધીની કટોકટી) નહેરુથી નરેન્દ્ર સુધી જીવંત છે.

લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારો પણ લોકલાગણીની ઉપેક્ષા કરી શકે છે. લોકોનું સ્વાતંત્ર્ય ઝૂંટવી પણ શકે છે. ૧૯૭૫માં વડા પ્રધાન ઈંદિરા ગાંધીએ નાખેલી કટોકટી એમની સરકારની દૃષ્ટિએ સંપૂર્ણ બંધારણીય હતી છતાં વિવિધ વિવાદો, વિખવાદો, વિષાદો, વેદનાઓ સાથે એકાધિકારની જન્મદાત્રી બની હતી. સર્વોચ્ચ અદાલત સહિત પ્રજાએ પણ એને જાકારો આપ્યો હતો.

ભારતમાં રાજ કોણ કરે છે ? એનો વિચાર કરીએ તો બેશક કહી શકીએ કે પ્રજાના પ્રતિનિધિઓ. આમ છતાં એક મોરારજીભાઈની સરકારના અપવાદ સિવાય મહદ્ંશે તમામ સરકારોમાં વ્યાપક કૌભાંડો, વહીવટી બિનકાર્યક્ષમતા, પ્રજાની યાતનાઓ પ્રત્યે લાપરવાહી, ગરીબો અને શ્રીમંતો વચ્ચે વધતી જતી આર્થિક અસમાનતા, મોંઘવારીની મૂંઝવણ જેવી સમસ્યાઓ છતાં પણ લોકશાહી ટકી રહી છે. વિશ્વ સ્તરે એ ભારતના લોકતંત્રનું- લોકશાહીનું- લોકમતનું ઉજ્જવળ અને ઉદાહરણીય પાસું છે. જોકે પ્રજારાજ્યમાં પણ સરકારો પ્રજાની કહ્યાગરી અથવા સંપૂર્ણ પ્રજાલક્ષી હોય છે એમ માની લેવાની જરૂર નથી.

સરકારના તમામ નિર્ણયો વાજબી, યોગ્ય અને લોકોને ઉપકારક જ હોય છે એવું કોઈ પણ પ્રકારની રાજ્યવ્યવસ્થામાં શક્ય નથી. એમાં પક્ષીય રાજકારણની વૈચારિક અસર હોય એ સ્વાભાવિક છે. કોઈ પણ સરકાર સંપૂર્ણપણે દોષમુક્ત શાસન સર્જી શકે તો તે સર્વોત્તમ છે, પરંતુ લોકતંત્રમાં કે સરમુખત્યારશાહી કે પછી કોઈ પણ પ્રકારની શાસનશૈલીમાં એ શક્ય નથી. ગાંધીજીએ પાર્લામેન્ટરી રાજ્ય-વ્યવસ્થાના વિકલ્પે ભારતમાં ગ્રામ સ્વરાજ્ય શાસનની હિમાયત કરી છે. એમની કલ્પના મુજબ હિંદુસ્તાનની ગ્રામસંસ્કૃતિ પર આધારિત પ્રાચીન ગ્રામ સ્વરાજ્ય શાસનશૈલી શ્રેષ્ઠ છે.

અંતે તો રાજ કોણ કરે ? એ સવાલનો જવાબ એ જ હોઈ શકે કે લોકો સાર્વભૌમ છે અને તેમને જ રાજ કરવાનો નૈસર્ગિ અધિકાર છે. એ સિદ્ધાંત અનુસાર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિત્વનું લોકતંત્રીય શાસન ઉત્તમ ગણાય. પરંતુ પ્રજાએ-મતદારોએ સ્વચ્છ પ્રતિભા ધરાવતા, વહીવટી કાર્યક્ષમતા દર્શાવતા, સેવાલક્ષી અભિગમથી ઓપતા, કર્તવ્ય પરાયણતા પ્રેરિત પ્રતિનિધિઓને ચૂંટવા જોઈએ. એમાં મતદારોની જાગૃતિ અને પ્રતિબદ્ધતા લોકશાહીની મજબૂત ઇમારતના પાયાના સ્તંભ બની રહે એ આવશ્યક, અનિવાર્ય અને આવકાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન