રજનીકાંતના રાજકારણ પ્રવેશમાં ઝાઝો ભલીવાર નથી - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • રજનીકાંતના રાજકારણ પ્રવેશમાં ઝાઝો ભલીવાર નથી

રજનીકાંતના રાજકારણ પ્રવેશમાં ઝાઝો ભલીવાર નથી

 | 4:28 am IST

પ્રાસંગિક :-  રમેશ દવે

તામિલનાડુ અને આંધ્ર પ્રદેશની પ્રજા આઈડલ-વર્શીપ (વ્યક્તિ પૂજા)માં માને છે. ખાસ કરીને તામિલનાડુમાં જનૂનની હદે આઈડલ-વર્શીપ પ્રવર્તે છે. એકદમ પ્રક્ટિકલ વાત કરીએ તો આ જનૂની વ્યક્તિપૂજા તામિલોનો ગુણ વિશેષ નથી પણ સ્વભાવગત નબળાઈ છે. આ નબળાઈને કારણે જ તામિલનાડુને છેલ્લા પાંચ દાયકામાં એમ. જી. રામચન્દ્રન, જયલલિતા અને મુથુવેલ કરૂણાનિધિ જેવા આવડત વિનાના ભ્રષ્ટ મુખ્ય મંત્રીઓ મળ્યા છે. પાછા એ બધા સિનેમામાંથી આવ્યા. એમજીઆર તામિલ ફિલ્મોના ટોપના હીરો અને જયલલિતા ટોચની હીરોઈન હતા, જ્યારે કરૂણાનિધિ ફિલ્મોના લોકપ્રિય  સ્ક્રિપ્ટ રાઈટર હતા. એમની સ્ક્રીન ઈમેજને સાચુકલી માની તામિલ પ્રજાએ એમને ગાદી પર બેસાડયા, જેના પરિણામ પ્રજા ભોગવી રહી છે. દુનિયા ક્યાંય આગળ નીકળી ગઈ, પણ તામિલનાડુ ઠેરનું ઠેર છે. ૫૦ કરતા વધુ વર્ષોથી દક્ષિણના આ રાજ્યમાં દ્રવિડ અસ્મિતાનું રાજકારણ ખેલાય છે. કહો કે તામિલનાડુનું પોલિટિક્સ દ્રવિડ અસ્મિતાની આસપાસ જ ચકરાવા લીધા કરે છે. ગુજરાતની જેમ તામિલનાડુમાં પણ બે જ મુખ્ય પક્ષો છે. જયલલિતાએ પોતાના રાજકીય ગુરૂ એમજીઆર પાસેથી વારસામાં મેળવેલો એઆઈડીએમકે અને કરૂણાનિધિનો દ્રવિડ મુન્નેત્ર કડગમ (ડીએમકે). વારાફરતી આ બે પક્ષો જ દ્રવિડ અસ્મિતાના જોરે ચૂંટાઈને રાજ્યમાં શાસન કરતા આવ્યા છે. ૯૫ વરસની વયે કરૂણાનિધિ હવે વયોવૃદ્ધ અને અશક્ત બન્યા છે. એમના બે પુત્રો અને એક પુત્રી વચ્ચે વરસોથી રાજકીય વારસા માટે ખેંચતાણ ચાલે છે. જ્યારે જયલલિલાતાના અવસાન પછી એઆઈડીએમકે પણ અનાથ બન્યો છે. એઆઈડીએમકેમાં પણ સત્તા માટે હુંસાતુંસી પુરજોશમાં છે.

બે મુખ્ય પક્ષો નબળા પડયા છે ત્યારે તામિલનાડુના સુપરસ્ટાર રજનીકાંતે લાગ જોઈને સોગઠી મારી છે. ૬૬ વર્ષના સુપરસ્ટારે ૩૧મી ડિસેમ્બરે વાજતેગાજતે નવો પક્ષ રચી આધ્યાત્મિક રાજકારણ કરવાની ઘોષણા કરી છે. અમિતાભ બચ્ચનની પાછળ જેમ આખો દેશ ગાંડો છે એમ તામિલનાડુમાં રજનીસર પૂજાય છે. એમની દરેક ફિલ્મ બોક્સઓફિસ પર એક નવો રેકોર્ડ સર્જે છે. એમની ફિલ્મ જોવા લોકો સવારે ચાર વાગે ઊઠીને થિયેટર પર પહોંચે છે. આ રજનીકાંતની એક ફિલ્મ સેલિબ્રિટી તરીકેની વાતો થઈ પણ એમની રિયલ લાઈફ વિશે જાણીએ તો નિરાશ થઈ જવાય છે. સૌથી પહેલી વાત તો એ કે રજનીકાંત જન્મે તામિલ નથી. તેઓ કોલ્હાપુરના મરાઠી કુટુંબમાંથી આવે છે અને એમની સરનેમ ગાયકવાડ છે. રજનીકાંત કર્ણાટકમાં જ જન્મ્યા અને ઉછર્યા છે. તેમણે કર્ણાટકની એસટી બસના કંડક્ટર તરીકે કરિયર શરૂ કરી હતી. એમને તામિલ ફિલ્મમાં બ્રેક મળ્યો જેને કારણે એમનં જીવન બદલાઈ ગયું. ખરું પૂછો, તો રજનીકાંત ટેલેન્ટેડ એક્ટર પણ નથી, આ માણસ પોતાની અનોખી સ્ટાઈલ અને લોકરંજક મેનરિઝમના જોરે સુપરસ્ટાર બની ગયો છે. ટૂંકમાં, રજનીકાંત એક મીડિયોકર એક્ટર છે. કમલ હસનની જેમ તેઓ કલાસ નહીં પણ માસ એક્ટર છે. એમની પાસે કોઈ આગવી રાજકીય કે સામાજિક સૂઝ પણ નથી. તટસ્થ રાજકીય સમીક્ષકો તો ત્યાં સુધી કહે છે કે રજનીકાંતે ભાજપના પ્રોક્સી તરીકે પોલિટિક્સમાં પ્રવેશ કર્યો છે. સાચું ખોટું રામ જાણે.

ટૂંકમાં, રજનીકાંતે માત્ર એક શૂન્યવકાશ ભરવા જ નવી પાર્ટી રચવાની જાહેરાત કરી છે. તેમણે કોમવાદી ન હોય એવં સ્વચ્છ અને આધ્યાત્મિક રાજકારણ કરવા સમ લીધા છે. સેક્યુલર પોલિટિક્સ તો ઠીક છે પણ એમનું સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિક) પોલિટિક્સ કેવં હશે એ વિશે કોઈ કશું જાણતું નથી. એમણે પોતે પણ એ વિશે હાલ તો કોઈ ફોડ પાડયો નથી. એવું નથી કે આધ્યાત્મિકતા અને રાજકારણ બે વિરોધાભાસી વિષય છે એ રજનીકાંત નથી જાણતા, પણ તેઓ ઈશ્વરભીરૂ સજ્જન વ્યક્તિ તરીકેની પોતાની ઈમેજને વટાવી ખાવા આધ્યાત્મિક રાજકારણની દુહાઈ દઈ રહ્યા છે. પ્રભુભક્ત બનીને તેઓ સત્તાના રાજકારણમાં તરી જવા ઈચ્છે છે. કેટલાંક તામિલો આ વાત જાણતા હશે? એક વાત તો નક્કી છે કે રજનીકાંત તામિલનાડુને ઊંડા મૂળિયા ધરાવતા ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવી શકવાના નથી. એમનું એટલુ ગજુ જ નથી. બહુ બહુ તો તેઓ યોગી આદિત્યનાથની જેમ ધર્મની વાતો કરીને જનતાને વિકાસ વિશે વિચારતા રોકી શકે.

રજનીકાંતના કટ્ટર હરીફ અભિનેતા કમલ હસન પણ પોલિટિક્સમાં આવં આવં કરી રહ્યા છે. ફિલ્મોની જેમ રાજકારણમાં પણ રજનીકાંતને કાંટે કી ટક્કર આપવા કમલ હસન પણ નવો પક્ષ રચશે તો તામિલનાડુનું રાજકારણ એક રસપ્રદ વળાંક લેશે. એમાંથી રાજકારણ ગરમાશે અને તામિલ પ્રજા એક મીડિયોકર એક્ટર અને એક બૌદ્ધિક અને વર્સેટાઈલ અભિનેતામાંથી કોના પર કળશ ઢોળે છે એ જાણવાનું રસપ્રદ થઈ પડશે.