રજનીકાંત : ઘણું મોડું થયું, આવતાં આવતાં!  - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9400 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • રજનીકાંત : ઘણું મોડું થયું, આવતાં આવતાં! 

રજનીકાંત : ઘણું મોડું થયું, આવતાં આવતાં! 

 | 4:17 am IST

ફોર્થ ડાઇમેન્શન :- વિનોદ પંડયા

રજનીકાંત જેને તામિલ લોકો રજિનિ કહે છે, તેની ફિલ્મનો એક સંવાદ છે,  ‘હું ક્યારે આવીશ તે કોઈ કહી શકે નહીં પણ યોગ્ય સમયે હું જરૂર આવું છું.’ ૬૭ વરસના તામિલ સુપર સ્ટાર રાજનીતિમાં આવશે એ સસ્પેન્સ વરસોથી ચાલી રહ્યું હતું. ગયા મહિને રજનીએ જાહેરાત કરી કે હવે સમય આવી ગયો છે. ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૨૩૪ બેઠકો પરથી એનો પક્ષ ચૂંટણી લડશે. એમની રાજનીતિ પ્રમાણિક, નૈતિક, સ્વચ્છ અને આધ્યાત્મિક હશે. આટલી જાહેરાત પછી પણ એ પૂરા જોશથી રાજનીતિમાં કૂદી પડયા નથી. પક્ષની સ્થાપના કરવાનું અને નામ આપવાનું બાકી છે. એ બધું વિધાનસભાની ચૂંટણી જાહેર થશે ત્યારે થશે. રજનીએ અધ્યાત્મિક રાજનીતિનો અર્થ સ્પષ્ટ કર્યો નથી. બીજો કોઈ વ્યૂહ પણ જાહેર કર્યો નથી, જે કદાચ એની પાસે નથી. રજનીને જાણનારા કહે છે કે રજની એમ અચાનક કૂદી પડે તેવા નથી. એ સમજીવિચારીને પગલાં ભરશે. એના ટીકાકારો કહે છે કે એની પાસે કોઈ સ્પષ્ટ પ્લાન નથી. યોજના અધ્યાહાર રાખીને એ કોઈ નવી તકોનો અભ્યાસ કરી રહ્યા છે.

તાલિમનાડુમાં સમય તો નવી રાજનીતિ માટે પાકી ગયો છે. ફિલ્મ ઘરાનાની બનેલી દ્રવિડવાદી પાર્ટીઓ, અન્નાદ્રમુક અને દ્રમુક હવે ઘસાઈ ગઈ છે. અન્નાદ્રમુકમાં ત્રણ સ્પષ્ટ જૂથ પડી ગયાં છે. જયલલિતા ગયાં અને કરુણાનિધિ હવે ખર્યું પાન છે. તેમના પુત્રો અને પુત્રીની જૂની અને ભ્રષ્ટ રાજનીતિમાં નવી પેઢીને શ્રદ્ધા નથી. તામિલ લોકોને ફિલ્મી લોકો પ્રત્યે અસાધારણ અહોભાવ રહ્યો છે. સી. એમ. અન્નાદુરાઈથી માંડીને ૧૩ તામિલ લોકો રાજનીતિમાં આવ્યાં અને તેમાંના પાંચ મુખ્યમંત્રી બન્યા. હવે જગ્યા ખાલી પડી છે ત્યારે એકને બદલે બે જણા, અવઢવ સાથે દાવ અજમાવવા આવી ગયા છે, રજની અને કમલ હસન. કમલ કોની સાથે અને રજની કોની સાથે જશે કે સ્વતંત્ર રસ્તા લેશે તે નક્કી નથી પણ બંનેને પટાવવા માટે સ્થાપિત તામિલ પક્ષો ઉપરાંત કોંગ્રેસ અને ભાજપ પ્રયત્નશીલ છે. બંન સુપર સ્ટારોએ પાનાં ખોલ્યાં નથી પણ હમણાં એક ફંક્શનમાં સાથે હેલિકોપ્ટરમાં બેસીને પહોંચ્યા પછી બંને રાજકીય મિત્રો બની શકે છે એવી હવા વહેતી થઈ છે.

રજનીએ જાહેર કર્યું છે કે એ રાજનીતિના ચીલાચાલુ માર્ગ પર ચાલશે નહીં.’ હવે રાજકીય પરિવર્તનની જરૂર છે. જ્ઞાતિ અને ધર્મોથી પર એવી સત્ય, સરળ, નૈતિક અને આધ્યાત્મિક રાજનીતિની જરૂર છે. એ મારી ઇચ્છા અને મારો લક્ષ્યાંક છે.’ રજની થોડા મહિનાઓમાં નવા પક્ષની વિચારધારા અને નીતિઓની જાહેરાત કરશે. આ જાહેરાતના ૨૪ કલાકમાં એની સાઇટ પર ત્રણ લાખ કાર્યકરોએ નામ રજિસ્ટર કરાવ્યું અને દસ લાખથી વધુ લોકોએ એ સાઇટની મુલાકાત લીધી. રજિસ્ટર થનારાં લોકો રજનીના કટ્ટર ચાહકો છે પણ તેઓને સફળ કાર્યકરોમાં ઢાળવાનું કામ આસાન નથી. રજનીએ એ પણ જાહેર કર્યું છે કે જો ત્રણ વરસમાં એ નૈતિક અને આધ્યાત્મિક રાજનીતિ આપી ન શક્યા તો રાજનીતિને તિલાંજલિ આપી દેશે. રજનીને સક્રિય રાજનીતિનો કોઈ અનુભવ નથી. જાહેરમાં લાઇવ બોલવું, મીડિયાને જવાબો આપવા વગેરે બાબતો એના માટે નવી હશે. પોતે જ એક વખત કહ્યું હતું કે, ‘રાજનીતિ ખૂબ ઊંડી ચીજ છે અને તેમાં ડૂબકી મારતાં પહેલાં તેની ઊંડાઈ જાણવી જરૂરી છે’ પણ નવી ઊંડાઈએ એને નવા અનુભવો થશે. તામિલ રાજનીતિમાં જે ૧૩ કલાકારો ભાગ લઈ ચૂક્યા છે તેઓ નૈતિક અને સ્વચ્છ રાજનીતિની દુહાઈ આપીને રાજનીતિમાં આવ્યા હતા. પાંચ મુખ્યમંત્રી બન્યા પણ રાજનીતિ ખૂબ કલુષિત બની ગઈ. રજનીનો એક ફિલ્મી સંવાદ છે, ‘હું જે વાત એક વખત કહું તો માની લેવું કે મેં એ વાત સો વખત કહી છે.’ મતલબ કે વચનનો પાકો છું પણ ત્રણ વરસે તિલાંજલિ આપવાનું અઘરું હશે. રાજનીતિ એ ફિલ્મી દુનિયા નથી. ફિલ્મોમાં બધું શક્ય છે. રજની દરેક પગલું વિચારીને ભરવા માગે છે. એક સમયે એ જયલલિતાના વિરોધી હતા અને એમનાં નિવેદને જયલલિતાને હરાવવામાં ભાગ ભજવ્યો હતો પણ પાછળથી એમણે જયલલિતા સાથે સમાધાન કરી લીધું હતું. તેના મિત્રો માને છે કે આગામી ચૂંટણી અગાઉ એ ધીમે ધીમે પક્ષનું ગઠન કરશે. ફિલ્મોમાં સ્ક્રિપ્ટ સ્વીકારવા બાબતે રજની ખૂબ ચુઝી છે. એ કોઈપણ નિર્ણય ધડાકાભેર લેતા નથી.

રજની પોતે એક ફિલ્મી બ્રાન્ડ છે. એની લોકપ્રિયતા એમજીઆરની તોલે આવે છે પણ એમજીઆર મુખ્યમંત્રી બન્યા તે શરૂઆતનાં વર્ષોમાં એમને કરુણાનિધિનો પૂરો ટેકો હતો. રજનીએ પોતાની સ્ક્રિપ્ટ જાતે લખવાની છે. કર્ણાટકમાં જન્મેલા રજની તામિલ પોલિટિક્સમાં આઉટસાઇડર ગણાવાઈ રહ્યા છે પણ કાવેરી જળવિવાદમાં એમણે માતૃરાજ્ય કર્ણાટકને બદલે તામિલનાડુનો જાહેરમાં પક્ષ લીધો હતો. તામિલ અભિનેતા વિજયકાંતે ગઈ ચૂંટણીમાં નવો પક્ષ રચીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને નિષ્ફળતા મળી હતી પણ બંનેની લોકપ્રિયતામાં ખાસ્સો ફરક છે, છતાં રજનીના ચાહકો હવે ૪૦ની ઉપરના છે અને કોઈને કોઈ વર્તમાન પક્ષના સભ્ય છે, વળી લગભગ મૂંગા રહેતા રજનીએ બોલ બોલ કરતા કમલ હસનનો સામનો કરવાનો રહે છે. સિવાય કે બંને જણ હાથ મિલાવે. હસનનો ઝુકાવ દ્રમુક તરફ અને રજનીનો ભાજપ તરફ જણાઈ રહ્યો છે. વડા પ્રધાન મોદી સાથે રજનીને સારા સંબંધ છે. ગઈ ચૂંટણીમાં મોદી એમને મળ્યા પણ હતા, છતાં રજનીએ હજી પક્ષ સ્થાપ્યો નથી તેથી પંડિતો માની રહ્યા છે કે સ્થાપિત પક્ષો સાથે તડજોડ કરવાની રજનીની ઇચ્છા છે, જોકે રજની ત્રીજી જાન્યુઆરીએ કરુણાનિધિને મળવા ગયા હતા. હજી એણે વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. ટીકાકારો કહી રહ્યા છે કે રાજનીતિને કેઝ્યુઅલી લઈ રહ્યા છે. પરંતુ એક વાત નક્કી છે કે એમણે જૂની અને રીઢી દ્રવિડવાદી વિચારધારાનો સામનો કરવાનું બીડું ઝડપ્યું છે.