...તો બેનઝીર ભૂટ્ટો અને રાજીવ ગાંધી કાશ્મીર મુદ્દો મૈત્રીપૂર્ણ રીતે ઉકેલી લેત - Sandesh
  • Home
  • World
  • …તો બેનઝીર ભૂટ્ટો અને રાજીવ ગાંધી કાશ્મીર મુદ્દો મૈત્રીપૂર્ણ રીતે ઉકેલી લેત

…તો બેનઝીર ભૂટ્ટો અને રાજીવ ગાંધી કાશ્મીર મુદ્દો મૈત્રીપૂર્ણ રીતે ઉકેલી લેત

 | 7:12 pm IST

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝઘડાનું મૂળ કાશ્મીર છે. જેને લઈને બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 4 ભિષણ યુદ્ધો ખેલાઈ ચુક્યા છે. આ મુદ્દો હજી પણ સળગતો છે અને આજે પણ કાશ્મીર સરહદ સતત ધણધણતી રહે છે. બંને પક્ષે ભારે ખુવારી પણ સર્જાતી જ રહે છે. પરંતુ આ મુદ્દાને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલી લેવા તૈયાર હતાં.

ભૂતપૂર્વ સેનાધ્યક્ષ અને રાષ્ટ્રપતિ રહી ચુકેલા જનરલ પરવેઝ મુશર્રફ પાસે પણ કાશ્મીરને લઈને એક ‘સીક્રેટ પ્લાન’ હતો, પરંતુ પાકિસ્તાની સેનાના અન્ય ઉચ્ચ અધિકારીઓ તેની સાથે સહમત ન હતાં. પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે.

ઝરદારીએ લાહોરમાં કાશ્મીર રેલી દરમિયાન અનેક સનસનાટીપૂર્ણ ઘટસ્ફોટ કર્યાં હતાં. ઝરદારીએ કહ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો સૌહાર્દપૂર્ણ રીતે કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવા રાજી હતાં. બેનઝીર ભૂટ્ટોની રાજીવ ગાંધી સાથે 1990માં આ મુદ્દે વાત થઈ હતી. કાશ્મીરનો મુદ્દો મૈત્રીપૂર્ણ રીતે ઉકેલવાને લઈને બંને વચ્ચે સહમતી પણ સધાઈ ચુકી હતી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, રાજીવ ગાંધીએ સ્વિકાર્યું હતું કે કાશ્મીર એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને તેનો ઉકેલ લાવવો જોઈએ. રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, સત્તામાં આવ્યા બાદ તેઓ પાકિસ્તાન સમક્ષ આ મુદ્દે વાતચીત પણ કરશે. ઝરદારીએ કરેલા દાવા પ્રમાણે, રાજીવ ગાંધીએ બેનઝીરને કહ્યું પણ હતું કે, છેલ્લા 10 વર્ષોમાં પાકિસ્તાન તરફથી જનરલ ઝિયા ઉલ કહ સહિત કોઈએ પણ આ મુદ્દે તેમની સાથે વાતચીત નથી કરી. પરંતુ 1991માં રાજીવ ગાંધીની હત્યાના કારણે આમ થઈ શક્યું ન હતું. ઉલ્લેખનીય છે કે, 21 મે 1991ના રોજ તમિળનાડુનાં શ્રીપેરંબદૂરમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ આસિફ અલી ઝરદારીએ વધુ એક ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે, કાશ્મીરને લઈને જનરલ પરવેઝ મુશર્રફ પાસે પણ એક સીક્રેટ પ્લાન હતો, પરંતુ ભારત તરફી ઝુકાવના કારણે સેનાના અન્ય ટોચના ઓફિસરોએ તેને ફગાવી દીધો હતો. ઝરદારીએ દાવો કર્યો હતો કે, તેમની પાસે મુશર્રફના આ સીક્રેટ પ્લાનની કૉપી છે. ઝરદારીના જણાવ્યા પ્રમાણે, જ્યારે મુશર્રફે આ પ્લાન સેનાના અન્ય જનરલો સમક્ષ મુક્યો તો બધા મીટિંગ રૂમમાંથી બહાર જતાં રહ્યાં હતાં.

ઝરદારીએ લહોરની રેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિરૂદ્ધ પણ નિશાન તાક્યું હતું અને તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, નવાઝ શરીફ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં આયોજીત રેલીમાં કાશ્મીર મુદ્દે વાત સુદ્ધા કરી શકતા ન હતાં, કારણ કે તે નરેન્દ્ર મોદીના મિત્ર છે. ઝરદારીએ કહ્યું હતું કે, મોદીના મિત્ર કાશ્મીર મુદ્દે વાતચીત ન કરી શકે. શરીફની વડાપ્રધાન પદેથી થયેલી વિદાય પણ યોગ્ય છે કારણ કે, તેમણે કાશ્મીરીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના કો-ચેરમેન ઝરદારીએ કહ્યું હતું કે, પીપીપીની સરકાર શિવાય કોઈએ પણ આ મુદ્દાને ભારત સમક્ષ ઉઠાવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, બેનઝીર બાદ 2008 થી 2013 દરમિયાન પીપીપીની સરકારે જ કાશ્મીર મુદ્દો તત્કાલીન ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ સમક્ષ ઉઠાવ્યો હતો.