રાજકોટ સીટી બસના કંડક્ટરોની વિદ્યાર્થિની, મહિલાઓ સાથે અભદ્ર વર્તણૂંક, કરે છે ગંદી કમેન્ટ્સ

165

મહાપાલિકાની સીટી બસ સેવાના કંડકટરોની દાદાગીરી અને છેલબટાઉં વર્તણૂંકો છાત્રાઓ અને મહિલા મુસાફરો માટે પરેશાનીનું કારણ બની છે. પૈસા લઈ ટિકિટો ન આપવી, ટિકિટ માંગે તો અણછાજતી કોમેન્ટો કરવી, ફરિયાદની ચિમકી અપાય તો જોઈ લેવાની ધાક ધમકી આપવી વિગેરે બાબતો સંસ્કારીનગરી અને ઉતમ સેવાના દાવાને દાગ લગાડી રહી છે.

પૂર્વ ધારાસભ્ય ડો, શાંતાબેન ચાવડાએ ઉક્ત ફરિયાદ ઉઠાવતા જણાવ્યું છે કે,સીટીબસમાં પ્રવાસ કરતી મધ્યમ અને ગરીબ વર્ગની કોલેજ અને હાઈસ્કૂલની છાત્રાઓ વારંવાર સીટીબસના કંડકટરની છેલબટાઉ વૃતિનો ભોગ બનતી રહે છે. મહિલાઓ સાથે પણ આ કંડકટરો અભદ્ર વર્તણૂકો કરી લેતા હોય છે.બસ સમયસર ઉપાડાતી નથી અને પછી ભયજનક સ્પીડથી ભગાવીને ડ્રાઈવરો રસ્તા ઉપર શહેરીજનોને પરેશાન કરી રહ્યા છે તો અંદર મુસાફરોને કંડકટરો હેરાન કરે છે.

કોન્ટ્રાકટરને પણ નહિ ગાંઠતા માથાભારે કંડકટરો રીતસર બસમાં દાદાગીરી કરીને નાણાં ઉઘરાવી લઈ ટિકિટો આપવામાં કે છુટા પરત આપવામાં ડાંડાઈ કરેેછે. જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો તેવી નફ્ફટ વાતોથી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને ડરાવતા હોય છે. આવા તત્વોને ડામવા મહાપાલિકા યોગ્ય કાર્યવાહી નહિ કરે તો છાત્રાઓ અને મહિલાઓ સીટી બસનો ઉપયોગ કરતા બંધ થવા લાગશે.