રાજકોટ સિવિલની ઘોર બેદરકારીઃ જીવતી માને મૃત જાહેર કરી, PPE કીટમાં ડેડબોડી બીજાની આપી

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના કેસો ચાર હજારને પાર થઈ ગયા છે. તેવામાં હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે મૃતકોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક વૃ઼દ્ધ મહિલાને તેઓએ મૃત જાહેર કરી હતી. અને દીકરાને પીપીઈ કીટમાં અન્ય મહિલાનો મૃતદેહ આપી દીધો હતો. જો કે દીકરાએ ફોટો જોતાં તેની માતા ન હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટના રાજીબેન મૈયાભાઇ વરૂને શ્વાસની તકલીફને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમના દીકરાને હોસ્પિટલ સ્ટાફ તરફથી ફોન આવ્યો હતો કે તમારી માતાનું નિધન થઈ ગયું છે. જે બાદ દીકરો હોસ્પિટલ દોડી આવ્યો હતો. દીકરો આવતાં હોસ્પિટલ સ્ટાફે પીપીઈ કીટમાં ડેડબોડી આપી હતી. અને માતાનું ડેથ સર્ટિફિકેટ પણ પકડાવી દીધું હતું.
માતાને ગુમાવવાના આઘાતમાં પણ દીકરાએ ફોટોમાં માતાનો અંતિમ ફોટો જોયો હતો. પણ આ ફોટા જોતાં તેને વધારે આઘાત લાગ્યો હતો. કેમ કે ફોટોમાં મહિલા તેની માતા ન હતી. જે બાદ આ મામલે તેણે તંત્રનું ધ્યાન દોર્યું હતું. અને બાદમાં તંત્રએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. બાદમાં દીકરાએ વીડિયો કોલ દ્વારા પોતાની માતા સાથે વાત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ દ્વારા ફોન આવ્યા બાદ પરિવારજનોએ અંતિમસંસ્કારની પણ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને ઘરમાં માતા ગુમાવવાને કારણે શોકનો માહોલ હતો. પણ સ્ટાફની ઘોર બેદરકારીને કારણે દીકરાને સિવિલ હોસ્પિટલ પરથી ભરોસો ઉઠી ગયો હતો. અને માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવવાને કારણે ઘટનાના એક કલાકમાં જ તે પોતાની માતાને હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયો હતો. પણ સાથે દીકરાએ આ ઘોર બેદરકારી સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન