Rajkot Civil Hospital Handover Dead Body Without Performing PM Dead Body Back From Funeral
  • Home
  • Corona
  • રાજકોટમાં PM કર્યા વિના સિવિલ હોસ્પિટલે મૃતદેહ સોંપ્યો, અંતિમ સંસ્કારની તૈયારીઓ વચ્ચે કહ્યું- ‘લાશ પાછી લાવો’

રાજકોટમાં PM કર્યા વિના સિવિલ હોસ્પિટલે મૃતદેહ સોંપ્યો, અંતિમ સંસ્કારની તૈયારીઓ વચ્ચે કહ્યું- ‘લાશ પાછી લાવો’

 | 1:27 pm IST

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલના સિદ્ધાર્થનગરમાં રહેતા બટુકભાઈ કંડોરિયા નામના આઘેડનું ચાર દિવસ પહેલા અકસ્માત થયું હતું. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે બટુકભાઈ નામના વ્યક્તિનું અકસ્માત થયો હતો, આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તેમનું મોત થતા મૃતદેહ પોસ્ટમોર્ટમ કર્યા વગર જ પરિજનોનો સોંપી આપ્યો હતો.

જોકે પરિજનો મૃતદેહ લઈને ગોંડલ અંતિમ વિધિ કરી રહ્યા હતા, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને મૃતદેહ પરત લાવવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ કરવાનું બાકી છે. હાલ સોશિયલ મીડિયામાં તેનો ઓડિયો કલીપ પણ સામે આવી છે. મૃતકના ભાઈનું કહેવું છે કે, અંતિમ સંસ્કારની વિધિ અધૂરી મૂકીને રાજકોટ મૃતદેહ લઈને પરત આવ્યા છીએ. 7 કલાકથી મૃતદેહ રઝળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની બેદરકારી છે તો તેમના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી હતી. તંત્રના આવા આદેશ બાદ પરિવારમાં રોષની લાગણી ફેલાઈ હતી.

હોસ્પિટલમાંથી જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે પરિવારજનોને સિવિલ તરફથી ડિસ્ચાર્જની એક ચીઠ્ઠી પણ આપવામાં આવી હતી. જે બાદમાં પોલીસે ફોન કરીને મૃતદેહ પરત મંગાવ્યો હતો. આ મામલે જ્યારે મૃતકના પરિવારજનોએ હૉસ્પિટલ તંત્રને ફોન કર્યો ત્યારે તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ વગર મૃતદેહ સોંપી શકાય નહીં. આથી પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ પરત લાવવો પડશે.

પરિવારજનોએ જ્યારે કહ્યું કે, તમે કાયદેસરની વિધિ કરીને મૃતદેહ સોંપ્યો છે તો શા માટે પરત મંગાવી રહ્યા છો? જેના જવાબમાં તંત્રએ જણાવ્યું હતું કે, નિયમ પ્રમાણે પોસ્ટ મોર્ટમ થવું જોઈએ. આ ઉપરાંત તમારે ડેથ સર્ટિફિકેટ જોઈતું હોય તો આ પ્રક્રિયા પૂરી કરવી પડશે. પરિવારે કહ્યું કે, તમે અમને ચીઠ્ઠી લખીને જ રજા આપી છે. આ ઉપરાંત અમે મૃતદેહને બળજબરીથી પણ નથી લઈ ગયા. આ વખતે હૉસ્પિટલ તંત્રએ કહ્યુ હતું કે મોતનું કારણ અને બધું લખવું પડે છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ રાજકોટ સિવિલ હૉસ્પિટલ ચર્ચામાં રહી હતી. અહીં એક કોરોના દર્દીને માર મારવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયા બાદ ચકચાર મચી હતી. જે બાદમાં માલુમ પડ્યું હતું કે આ દર્દીનું 12મી સપ્ટેમ્બરના રોજ મોત થયું છે. આ મામલે મૃતકના નાનાભાઈએ આક્ષેપ લગાવ્યો છે કે તેના ભાઈનું મોત કોરોનાથી નહીં પરંતુ સિવિલમાં માર મારવાથી થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન